અલ્જિરિયા

January, 2024

અલ્જિરિયા

ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની  ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા અને પૂર્વે લિબિયા, અગ્નિએ નાઈઝર, નૈઋત્યે માલી – મોરિટાનિયા અને પશ્ચિમે સહરા તથા મોરોક્કો આવેલાં છે.

ભૂપૃષ્ઠ : અલ્જિરિયામાં દક્ષિણે આવેલું સહરાનું રણ દેશના કુલ વિસ્તારના 15 % જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલાં મેદાનોમાં ઍટલાસ પર્વતમાળાનો ઉત્તર છેડો છે. ઉત્તરની ઍટલાસ પર્વતમાળા ધરતીકંપની દૃષ્ટિએ ઘણી સક્રિય છે. ત્યાં 1717, 1790, 1954 તથા 1980માં ધરતીકંપો થયા છે. આ હારમાળાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ ટાહટ (3003 મીટર) છે. આ દેશની આબોહવા અર્ધશુષ્ક પ્રકારની છે.

અલ્જિરિયા સામાન્યતયા સૂકો પ્રદેશ છે. વર્ષે સરેરાશ 800 મિમી. અને ઘણી વાર 400 મિમી. કરતાં પણ ઓછો વરસાદ પડે છે. મોસમી વરસાદ હોવાને લીધે નદીઓ પણ મોસમી છે. દેશની મોટી નદીઓ ઉત્તર ભાગમાં જ આવેલી છે. આથી સિંચાઈ માટેનાં સરોવરોનું નિર્માણ મહદંશે અલ્જિયર્સની આસપાસ જ થઈ શક્યું છે. ચેલીફ અને હમીઝ મોટી નદીઓ છે. દેશની 95 ટકા વીજળી તેનાં થર્મલ વિદ્યુતમથકોમાંથી મળે છે.

રશિયા, અમેરિકા અને ઈરાન પછી સૌથી વધુ કુદરતી વાયુની અનામતો અલ્જિરિયામાં છે. તે 3,551 અબજ ઘનમીટર અંદાજવામાં આવી છે. લિબિયા અને નાઇજિરિયા પછી આફ્રિકામાં સૌથી વધુ તેલ-અનામતો (110કરોડ મેટ્રિક ટન) અલ્જિરિયામાં છે. આફ્રિકામાં માત્ર અલ્જિરિયામાં જ પારો ઉત્પન્ન થાય છે અને વિશ્વનો 15 % જેટલો પારાનો પુરવઠો તે પૂરો પાડે છે. લોખંડની અનામતો ગારા જીબિલેટ ખાતે પશ્ચિમના રણમાં 100કરોડ મેટ્રિક ટન જેટલી છે, જ્યારે લોખંડની કુલ અનામતો 450 કરોડ મેટ્રિક ટન જેટલી અંદાજવામાં આવે છે.

અર્થતંત્ર : અલ્જિરિયાનું અર્થતંત્ર કેન્દ્રીય આયોજનવાળું વિકસતું અર્થતંત્ર છે. નાણાકીય એકમ અલ્જિરિયન દિનાર છે.

અલ્જિરિયાની માત્ર ત્રણ ટકા જમીન જ ખેડાણલાયક છે. તેના મુખ્ય પાકોમાં ઘઉં, જવ, બીટ, શાકભાજી, ફળો, તમાકુ વગેરેનો સમાવેશ થાય છે. ગોચરની કે ઘાસચારાની જમીન મહદંશે સૂકી અને છૂટીછવાયી છે; જેના ઉપર ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડાં, ગધેડાં અને અન્ય ઢોર ચરાવાય છે. મોટેભાગે અહીં કાંટાળી વનસ્પતિ અધિક છે. ઓલીવ, ઓક, સીડા, પાઈન વગેરે વૃક્ષો જોવા મળે છે. આ દેશની આબોહવા અર્ધશુષ્ક પ્રકારની છે. કૃષિક્ષેત્ર જરૂરિયાતના માત્ર 30%  જેટલું જ અનાજ પકવે છે. બાકીનાની આયાત કરવી પડે છે. સ્વાતંત્ર્યના યુદ્ધ દરમ્યાન જંગલો મોટા પ્રમાણમાં નાશ પામ્યાં હતાં; પરંતુ વનીકરણના કાર્યક્રમો દ્વારા તે અંશત: પુન: સ્થપાયાં છે. બૂચનાં વૃક્ષ (cork oak) અલ્જિરિયામાં વ્યાપક પ્રમાણમાં થાય છે અને લાકડાના ઉત્પાદનમાં વિશ્વમાં તેનો ત્રીજો ક્રમ છે.

અલ્જિરિયાનું તેલ-શુદ્ધીકરણ એકમ

પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સૌથી મહત્વનાં ખનિજો છે. આ ઉપરાંત લોખંડ, ફૉસ્ફેટ, જસત, સીસું, તાંબું, પારો, ચાંદી વગેરે ખનિજો પણ મળી આવે છે. અલ્જિરિયાની સરકારે યંત્રસામગ્રી, સિમેન્ટ, કાગળ, વિદ્યુત-વસ્તુઓ વગેરે ઉપર ભાર મૂક્યો. 1980ના દાયકામાં રેલવે તથા માર્ગ-બાંધકામ અને બંદરવિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો. અંદાજપત્રની આવકના બે-તૃતીયાંશ ભાગ પેટ્રોલિયમ ક્ષેત્રમાંથી જ આવે છે. 1962માં સ્વાતંત્ર્ય બાદ હાઇડ્રૉકાર્બન, ખાણકામ, ભારે ઉદ્યોગ, પરિવહન, વિદેશ-વ્યાપાર અને બૅંકિંગ જેવાં ક્ષેત્રોનું ધીમે ધીમે રાષ્ટ્રીયકરણ કરાયું. અલ્જિરિયાની કુલ વસ્તી 4,31,00000 (2019) હતી.

આફ્રિકા ખંડમાં આવેલો આ દેશ વિસ્તાર કે કદની દૃષ્ટિએ તે ખંડમાં બીજા ક્રમનો દેશ છે. બર્બર જાતિનાં કેટલાંક સ્થાયી તો કેટલાંક ભટકતાં જૂથો આ દેશના અતિપ્રાચીન રહેવાસીઓ હોય તેમ જણાય છે. અલ્જિરિયાનો ઇતિહાસ એટલે તેના ઉપર ક્રમશ: થયેલ કાર્થેજિયન, રોમન, બાયઝેન્ટાઇન, વેંડાલ, અરબ, તુર્ક અને ફ્રેન્ચોનાં આક્રમણનો ઇતિહાસ. ઈ. પૂ. બારમી સદીમાં તેના ઉત્તરના પ્રદેશો પર ફિનિશિયન શાસકોનું આધિપત્ય હતું. ત્યારથી આ ઇતિહાસની શરૂઆત થાય છે. ઈ. પૂ. 208માં ઉત્તર અલ્જિરિયાનો મોટાભાગનો પ્રદેશ માસિનિસ્સાના શાસન હેઠળ નામીદિયા સામ્રાજ્યનો ભાગ બન્યો. ઈ. પૂ. 106માં નામીદિયાને રોમન સામ્રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું. ઈ. પૂ. આઠમી સદીમાં તેના પર કાર્થેજની સત્તા પ્રસ્થાપિત થઈ, જેને લીધે પ્યૂનિક ભાષા તથા સંસ્કૃતિની તેના પર અસર થઈ. ઈ. પૂ. 146માં તેના ઉપર રોમનું આધિપત્ય સ્થપાયું. રોમના આધિપત્યનાં આશરે ચારસો વર્ષ દરમિયાન અલ્જિરિયામાં સમૃદ્ધ નગરો, વિકસિત માર્ગો, ઉત્તમ પ્રકારનું સાહિત્ય અને કૃષિવિકાસ એમ સર્વાંગીણ પ્રગતિ થયેલી. બીજી સદી પછી વેંડાલ અને તે પછી અલ્પકાલીન બાયઝેન્ટાઇન સામ્રાજ્ય પછી સાતમી સદીમાં આરબોએ તેના પર આક્રમણ કર્યું. તેમાંના હિલાલ અને સાલીમ જાતિના લોકોએ બળ અને હિંસાના જોરે ત્યાં ઇસ્લામ ધર્મ તથા અરબી ભાષાનો પ્રચાર કર્યો. અરબોમાંના અલ્મોરાવિદ અને આલ્મોહદ આ બે રાજવંશોનું શાસન મહત્વનું ગણાય તેવું હતું. તે પછી આંતરિક વિખવાદને લીધે સામ્રાજ્યની શક્તિ ક્ષીણ થતી ગઈ, પરિણામે અરાજકતા પ્રસરી. સોળમી સદીમાં સ્પેન, પોર્ટુગલ અને તુર્કસ્તાન  આ ત્રણેયમાં સામ્રાજ્ય સ્થાપવા માટે સ્પર્ધા શરૂ થઈ. 1509માં ઓરાન અને અલ્જિયર્સ સ્પેનના હસ્તક ગયેલ. 1510માં અલ્જિયર્સ પોર્ટુગલના તાબા હેઠળ ગયું. તેનો સામનો કરવાના હેતુથી અલ્જિરિયાવાસીઓએ તુર્કસ્તાનની મદદ મેળવી, પરંતુ તેમ કરવા જતાં દેશ પરતંત્ર થયો. અલ્જિરિયા તુર્કસ્તાનની વસાહત બન્યું. 1518માં ઉત્તર અલ્જિરિયા ઑટોમન સામ્રાજ્યનો ભાગ બન્યું. આ જ અરસામાં પેનાન ટાપુનો મુખ્ય ભૂમિ સાથે સંપર્ક સાધવામાં આવ્યો અને અલ્જિયર્સ બંદરનું નિર્માણ થયું. છેક 1830 સુધી આ બંદર મુસલમાનોના આધિપત્યનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. આ દરમિયાન દેશને અરબોના તાબામાંથી છોડાવીને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના પ્રયાસ શરૂ થયા. અલ્જિરિયા પર તુર્કસ્તાનનું સામ્રાજ્ય હોવા છતાં હકીકતમાં તેમના સૈનિકોના હાથમાં જ સત્તાનો સાચો દોર હતો. આ સૈનિકો દરિયામાં ચાંચિયાગીરી અને લૂંટફાટમાં રચ્યાપચ્યા રહેતા. ભૂમધ્ય સમુદ્રમાંથી પસાર થતાં ફ્રેન્ચ, બ્રિટિશ અને સ્પેનનાં જહાજો બર્બર જાતિના ચાંચિયાઓનો શિકાર થતાં. આવી પરિસ્થિતિને અટકાવવા માટે બ્રિટન અને સ્પેને અલ્જિરિયા પર આક્રમણો કર્યાં, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. જૂન, 1830માં ફ્રાન્સે 37,000 સૈનિકોની મદદથી અલ્જિરિયા પર જંગી આક્રમણ કર્યું અને માત્ર 21 દિવસમાં જ તેના પર કબજો કર્યો. અહમદ બેન અને અબલ કાદિર  – આ બેના નેતૃત્વ હેઠળ અલ્જિરિયાની પ્રજાએ ફ્રેન્ચ સત્તા સામે જંગ ચાલુ રાખ્યો, છતાં 1848માં સમગ્ર દેશ પર પોતાનું આધિપત્ય દાખલ કરવામાં ફ્રાન્સને સફળતા મળી. 1850થી 1871 દરમિયાન કેટલાક કબાયલીઓએ અને 1881થી 1901 દરમિયાન ઓરાન વિસ્તારમાંની પ્રજાએ ફ્રેન્ચ સત્તા સામે બળવા કર્યા, પરંતુ તે સફળ થયા નહિ. છતાં આ સમય દરમિયાન અલ્જિરિયાનો આર્થિક વિકાસ સાધવા માટે ફ્રેન્ચ સત્તાએ સારા પ્રયત્નો કર્યા હતા.

Timgad - les ruines

અલ્જિરિયાના એક પ્રાચીન નગર ટિમગૅડના અવશેષો

સૌ. "Timgad - les ruines" | Public Domain, CC0

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દેશમાં સ્વતંત્રતાની અભિલાષા જાગ્રત થયેલી. તેનો પડઘો 1921માં અમીર ખાલંદે કરેલ સ્વાતંત્ર્યની ઘોષણામાં સ્પષ્ટપણે પડ્યો. સ્વાતંત્ર્યની આ ચળવળને મેસ્સાલી હજના નેતૃત્વ હેઠળનાં શ્રમસંગઠનો, ફેરહત અબ્બાસ અને ફ્રેન્ચ ઉદારમતવાદીઓને બળ પૂરું પાડનાર પ્રજામત અને ઉલેમાઓનાં સંગઠનો – આ ત્રણેયનો સક્રિય ટેકો મળ્યો. સ્વાતંત્ર્યની લડતને ટેકો આપવા માટે1925માં મેસ્સાલી હજના નેતૃત્વ હેઠળ રાજકીય પક્ષ સ્થાપવામાં આવ્યો. આ પક્ષના નેજા હેઠળ જુદાં જુદાં નામથી વિદ્યાર્થીઓ તથા શ્રમજીવીઓનાં સંગઠનો રચવામાં આવ્યાં, જે શાસકો દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં હતાં. શાસકોની આ જુલમી કાર્યવાહી સામે ટક્કર ઝીલવા માટે પ્રજા દ્વારા ગુપ્ત રીતે લશ્કરી પ્રવૃત્તિઓ આદરવામાં આવી. 1936માં ફેરહત અબ્બાસે બીજા રાજકીય પક્ષની સ્થાપના કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અલ્જિરિયા મિત્ર રાષ્ટ્રોનું મહત્વનું લશ્કરી થાણું હતું અને દ’ ગૉલે તેને નિર્વાસિત સરકારનું મથક બનાવેલું.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સ્વાતંત્ર્યની માગણી વધુ પ્રબળ બની. 1945માં પ્રજાએ બળવો કર્યો, પરંતુ તે સફળ થયો નહિ. 1946માં બંને રાજકીય પક્ષો એક થયા અને નવા પક્ષે તે જ વર્ષે રાષ્ટ્રીય સંસદ માટે થયેલી ચૂંટણીઓમાં 15માંથી પાંચ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો. 1947માંફ્રેન્ચ તથા મુસલમાન – આ બંને પ્રકારના નાગરિકોને સમાન અધિકાર પ્રાપ્ત થયા, આમ છતાં આઝાદી માટેની લડત ચાલુ જ રહી. 1950માંપોલીસની મદદથી રાજકીય પ્રવૃત્તિઓ ડામવામાં આવી. અહમદ બેન બેલ્લાના નેતૃત્વ હેઠળ 1947માં સ્થાપવામાં આવેલ ગુપ્ત સંગઠનને પણ 1950માં દાબી દેવામાં આવ્યું. તે પછી ઘણા નેતાઓ કેરો ગયા. ત્યાં તેમણે અલ્જિરિયાની સમાંતર સરકારની સ્થાપના કરી. દેશમાં યુવકોએ મુક્તિસંગઠન ઊભું કર્યું. મેસ્સાલી હજ સિવાય બાકી બધાં જ તેમાં સામેલ થયાં. આ સંગઠનના નેજા હેઠળ ગેરીલા યુદ્ધ પોકારવામાં આવ્યું. 1954માં અલ્જિરિયામાં મોટા પાયા પર બળવો થયો, પરંતુ તે પણ કચડી નાખવામાં આવ્યો. 1957માંપાંચ રાષ્ટ્રીય નેતાઓની અટકાયતના વિરોધમાં ફરીથી બળવો ભભૂકી ઊઠ્યો. 1958માંકેરો ખાતે સ્વતંત્ર અલ્જિરિયાની સરકારની સ્થાપના કરવામાં આવી. 1961માં દેશમાં આત્મનિર્ણયના પ્રશ્ન પર યોજવામાં આવેલ લોકપૃચ્છાનું પરિણામ સ્વાતંત્ર્યની તરફેણમાં આવ્યું, છતાં ફ્રેન્ચ લોકોએ પોતાની ગુપ્ત આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. અલ્જિરિયાના સ્વાતંત્ર્યયુદ્ધમાં કુટુંબદીઠ ઓછામાં ઓછા એક સભ્યનું બલિદાન દેવાયું હતું. છેવટે ફ્રેન્ચ સરકાર અને દેશના રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે થયેલી વાટાઘાટોના પરિણામ રૂપે તા. 3 જુલાઈ, 1962ના રોજ અલ્જિરિયાનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદય થયો અને તેના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે બેન યૂસુફ બેન ખેડ્ડાની વરણી કરવામાં આવી. સપ્ટેમ્બર, 1962માં દેશની રાષ્ટ્રીય સંસદે ફેરહત અબ્બાસની પ્રમુખ તરીકે અને અહમદ બેન બેલ્લાની પ્રધાનમંત્રી તરીકે વરણી કરી. 1963માં યોજવામાં આવેલ જનમત દ્વારા બેન બેલ્લાને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. તે જ અરસામાં બેન બેલ્લાને દેશના પ્રમુખ રાજકીય પક્ષ નૅશનલ લિબરેશન ફ્રન્ટના જનરલ સેક્રેટરી ચૂંટવામાં આવ્યા. એ રીતે તેના રાજકીય વર્ચસમાં વધારો થયો. સપ્ટેમ્બર, 1963માં દેશમાં નવું બંધારણ દાખલ કરવામાં આવ્યું; જેના આધારે બેન બેલ્લા પાંચ વર્ષ માટે દેશના પ્રમુખ બન્યા. બેન બેલ્લા ડાબેરી વિચારસરણી ધરાવતા હોવાથી તેઓએ કેટલાંક જલદ અને ક્રાંતિકારી ગણાય તેવાં પગલાં લીધાં હતાં; દા.ત., અલ્જિરિયામાં આવેલ યુરોપીય માલિકોનાં ખેતરો જપ્ત કરવામાં આવ્યાં તથા અર્થતંત્રનાં મહત્વનાં ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જૂન, 1965માં લશ્કરી બળવો થયો; જેમાં અહમદ બેન બેલ્લાની સરકારનું પતન થયું. દેશનું સુકાન ક્રાંતિકારી પરિષદને સોંપવામાં આવ્યું. આ ક્રાંતિકારી પરિષદે ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ તથા સંરક્ષણપ્રધાન હોરી બોમેદીનીને પ્રધાનમંત્રી બનાવ્યા. થોડાક સમય પછી બોમેદીની દેશના પ્રમુખ બન્યા. પોતાના હાથમાં સત્તા આવતાંની સાથે બોમેદીનીએ દેશનું બંધારણ સ્થગિત કર્યું અને અલ્જિરિયાને ‘અધિકૃત સમાજવાદી સમાજવ્યવસ્થા’ (authentic socialist society) હેઠળ આવરી લેવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો.

1967માં અલ્જિરિયાએ ઇઝરાયલ સામે યુદ્ધની ઘોષણા કરી તથા અમેરિકા સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યા. 1968ના અંત સુધીમાં તો હોરી બોમેદીનીની સત્તા અને પ્રભાવમાં ખૂબ વધારો થયો. 1971માં તેલ અને વાયુ પર માલિકી ધરાવતાં ફ્રેન્ચ પ્રતિષ્ઠાનોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1973થી ત્રીજા વિશ્વના દેશોમાં આર્થિક અને રાજકીય હિતોની બાબતમાં એકતા પ્રસ્થાપિત કરવામાં અલ્જિરિયાએ સક્રિય રસ લીધો. 1974માંઆ દેશે અમેરિકા સાથે ફરી રાજકીય સંબંધો પ્રસ્થાપિત કર્યા.

ડિસેમ્બર, 1978માં હોરી બોમેદીનીનું અવસાન થયું. ફેબ્રુઆરી 1979માં તેમના સ્થાને કર્નલ છદી બેન્જેદિદની વરણી કરવામાં આવી.

નવા સુધારેલા બંધારણ મુજબ રાષ્ટ્રીય મુક્તિ મોર્ચા (FLN) અને રાજ્યના ઘટકો જુદા કરવામાં આવ્યા, વિરોધ પક્ષોને કાયદાની માન્યતા બક્ષવામાં આવી તથા અગાઉના બંધારણમાં સમાજવાદનો જે ઉલ્લેખ હતો તે નવા બંધારણમાંથી બાકાત કરવામાં આવ્યો.

રાષ્ટ્રપ્રમુખ સાર્વત્રિક પુખ્તમતાધિકાર દ્વારા પાંચ વર્ષ માટે ચૂંટાતા હોય છે અને તે ફરી વાર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રીની નિમણૂક કરવામાં આવે છે. 1995માં થયેલ ચૂંટણીમાં જનરલ લેમાઇન ઝેરૂલ 61.34  % મત સાથે બીજી વાર માટે પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

રાષ્ટ્રીય ધારાની સભામાં 430 સભ્યો હોય છે અને તે પાંચ વર્ષની મુદત માટે ચૂંટાય છે. 1995ની ચૂંટણીમાં ઇસ્લામિક સાલ્વેશન ફ્રન્ટને 188 બેઠકો, સોશ્યાલિસ્ટ ફોર્સિસ ફ્રન્ટને 25 બેઠકો તથા રાષ્ટ્રીય મુક્તિ મોર્ચાને 15 બેઠકો મળી હતી.

અરબોમાં કાબિલે (Kabyle) અને ઝાબાઇટ (Mzabite) જૂથો છે. તે ઇબાદાઇત (Ibadite) સંપ્રદાયના મુસ્લિમો છે. અલ્જિરિયાના અગ્નિ સહરા પ્રદેશમાં તૌરેગ (Taureg) નામક વિચરતી જાતિ વસે છે. વળી સુદાનની નિગ્રો પ્રજાની વંશજ ગણાતી હારાતીન પ્રજા દેશભરમાં છૂટીછવાયી વસે છે.

સાહિત્ય અને સંસ્કૃતિ : 1962માં ફ્રાન્સ પાસેથી સ્વાતંત્ર્ય મેળવ્યા બાદ અલ્જિરિયાની સરકારે, ફ્રેન્ચ શાસન દરમિયાન મહદંશે જે અરબી પ્રણાલીગત સાંસ્કૃતિક વારસાને દબાવી દેવામાં આવ્યો હતો તેને, પ્રબળ બનાવવા પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. પ્રણાલીગત અને આધુનિક કળાનાં સ્વરૂપોમાં સાહિત્યકળાનો ઘણો વિકાસ થયો છે. અલ્જિરિયામાં જન્મેલા ફ્રેન્ચ વંશના આલ્બેર કામૂ, ઇમાન્યુઅલ રોબેલ અને રેને ઝયાં ક્લૉટ જેવા સાહિત્યકારોએ ફ્રેન્ચ ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું છે. મૂળ અલ્જિરિયાવાસીઓએ પણ ફ્રેન્ચ ભાષામાં સાહિત્ય રચ્યું છે, જેમાં ફ્રેન્ચ અલ્જિરિયાથી તદ્દન અલગ એવા અલ્જિરિયાની અભિવ્યક્તિ દેખાય છે. વળી તેમણે અરબી અને બર્બર બોલીઓમાં પણ કવિતા અને નાટકો લખ્યાં છે.

લાકડા પરનું કોતરકામ, ગાલીચાઓ અને ઝવેરાત પરનું નકશીકામ પ્રણાલીગત રીતે જ વિકસેલું છે. ઇસ્લામ ધર્મ ભૂતકાળ સાથેનો પ્રજાનો નાતો જોડી આપે છે અને ઇસ્લામી તહેવારો ધામધૂમથી ઊજવાય છે. દેશમાં ઘણાં પુરાતત્ત્વીય સંગ્રહાલયો પ્રાચીન અને સુંદર સ્થાપત્યના નમૂના ધરાવે છે.

સરકાર તમામ મુદ્રિત અને વીજાણુ સમાચાર-માધ્યમો પર અંકુશ ધરાવે છે. સરકારનું સત્તાવાર અખબાર ‘અલ્-મોઉદજાહિંદ’ સૌથી વધુ ફેલાવો ધરાવે છે.

શિક્ષણની સવલતો અલ્જિરિયામાં મોટા પ્રમાણમાં વિકસી નથી. અક્ષરજ્ઞાન 60.6 % (1992) છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અહીં 8 યુનિવર્સિટીની સુવિધા છે. (1995-96) શિક્ષણનું માધ્યમ ફ્રેંચ છે. અરબી ભાષામાં શિક્ષણનું તંત્ર હજુ સુધી ગોઠવાયું નથી. શિક્ષણ માટે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 4:5 જેટલું ખર્ચ થાય છે.

અલ્જિરિયાએ 3 જુલાઈ 1962ના રોજ સ્વાધીનતા પ્રાપ્ત કરી. તેનું હાલનું બંધારણ નવેમ્બર 1976માં અમલી બન્યું. તે મુજબ અલ્જિરિયા એક ધારાગૃહવાળો સમાજવાદી પ્રજાસત્તાક દેશ બન્યો. દેશના પ્રમુખ સરકાર અને રાજ્ય બંનેના વડા હોય છે. 1962માં અલ્જિરિયાએ રાષ્ટ્રસંઘનું સભ્યપદ સ્વીકાર્યું. તે ઑર્ગેનાઇઝેશન ઑવ્ આફ્રિકન યુનિટી (O.A.U.) અને આરબસંઘ (L.A.S.)નું  સભ્યપદ પણ ધરાવે છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણા નિગમ (I.M.F.) સિવાય લગભગ તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્યપદ પણ તે ધરાવે છે.

હેમન્તકુમાર શાહ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે