અલી એબી અહેમદ

January, 2001

અલી એબી અહેમદ (જ. 15 ઑગસ્ટ, 1976, બેશાશા ઇથિયોપિયા) : 2019ના વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા, ઇથિયોપિયાના ચોથા વડાપ્રધાન.

 પિતા અહેમદ અલી જેઓ મૂળ તો ખેડૂત છે, તેમજ મુસ્લિમ ધર્મ પાળે છે. તેમને ચાર પત્નીઓ, જેમાં ટિઝિટા નામની ચોથા ક્રમની પત્નીનું સંતાન તે એબી અહેમદ. પિતાનું તેરમું સંતાન અને માતાનું છઠ્ઠું અને સૌથી નાનુ સંતાન તે એબી અહેમદ. પિતા મુસ્લિમ ધર્મી હોવા છતાં તેમનાં માતા રૂઢિચુસ્ત ખ્રિસ્તીધર્મી હતાં. અબી નાનપણથી ચર્ચની નિયમિત મુલાકાતો લેતા તેમજ ઈશુ ખ્રિસ્તની તેમજ પંથની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા.

Abiy Ahmed 2019

અલી એબી અહેમદ

સૌ. "Abiy Ahmed 2019" | CC BY 4.0

તેમનું શિક્ષણ ઇથિયોપિયામાં જ આરંભાયું અને પૂરી શૈક્ષણિક કારકિર્દી ઇથિયોપિયામાં જ રહી. સૌપ્રથમ તેમણે સ્નાતકની પદવી કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં મેળવી. તેઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અનુસ્નાતક છે. એડીસ અબાબા – ઇથિયોપિયાની રાજધાની – ની ઇન્ટરનેશનલ લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ લંડનની ગ્રીનવિચ યુનિવર્સિટી સાથે જોડાઈને ટ્રાન્સફૉર્મેશન લીડરશિપનો અભ્યાસક્રમ ચલાવે છે. તેમાંથી પણ એબીએ નેતૃત્વના ક્ષેત્રનો અનુસ્તનાતક અભ્યાસક્રમ પૂરો કર્યો હતો. 2017માં તેમણે તેમનો પીએચ.ડી.નો અભ્યાસ પૂરો કર્યો જેનો વિષય હતો ‘સોશિયલ કૅપિટલ ઍન્ડ ઈટ્સ રૉલ ઇન ટ્રેડિશનલ કોન્ફલિક્ટ રેઝોલ્યુશન ઇન ઇથિયોપિયાઃ ધ કેસ ઑવ્ ઇન્ટર રિલિજિયસ કોન્ફલિક્ટ ઇન જિમા ઝોન સ્ટેટ’ – આમ મૂળ ઇથિયોપિયાના નાગરિક તરીકે તેના પ્રજાજીવનની, તેની તકલીફો અને સંઘર્ષની સૂક્ષ્મ તાલીમ આ અભ્યાસ દ્વારા તેમણે મેળવી તેમજ પ્રજાજીવનના સંઘર્ષોને તર્કપૂત સંદર્ભે સમજ્યા, તેનું પૃથક્કરણ કરી તે બાબતે નિજી વિચારધારા ઘડી. તેઓ કિશોર વયે શાસનવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તે પછી લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર કાર્યરત હતા તેમજ આર્મી ઇન્ટેલિજન્સના અધિકારી હતા. તેઓ સાયબર ઇન્ટેલિજન્સના તજજ્ઞ હોવા સાથે સાહસિક નેતા છે. સત્તાપ્રાપ્તિના 100 દિવસમાં જ આ દેશમાં ઘોષિત થયેલી કટોકટીને તેમણે આટોપી લીધી હતી. તેનો અર્થ એ પણ ખરો કે દસકાઓ જૂની સમસ્યાઓ બાબતે નિર્ણય કરી ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાની હામ તેઓ ધરાવે છે.

ઇથિયોપિયાની સંસદમાં ચૂંટાઈને તેમણે તેમના રાજકીય જીવનનો આરંભ કર્યો. સાંસદ ચૂંટાતાની સાથે જ તેમણે દેશ માટે રાજકીય અને આર્થિક સુધારાનો કાર્યક્રમ રજૂ કર્યો. બીજી તરફ પડોશી દેશે ઇરિટ્રિયા તેમજ દક્ષિણ સુદાન સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસોની શરૂઆત કરી. નોંધપાત્ર બાબત એ છે કે સાઠના દશકમાં ઘણા આફ્રિકી દેશો સ્વતંત્ર બનેલા, પરંતુ મોટાભાગના દેશોમાં લોકશાહીની શાસનવ્યવસ્થા અલ્પજીવી નીવડેલી. શાસનવ્યવસ્થાઓમાં વિકાસનું પ્રમાણ અલ્પમાત્રામાં જ રહેતું.

ઇથિયોપિયા અને ઇરિટ્રિયા – બંને સાથી પડોશી દેશો, બંને નાના દેશો, બંનેમાં ઢગલો પ્રશ્નો, બંને નવા સ્વતંત્ર બનેલા અને સરમુખત્યારશાહીમાં સરી પડેલા. એપ્રિલ, 2018માં ઇથિયોપિયામાં વડાપ્રધાન તરીકે એબી અહેમદ ચૂંટાઈ આવ્યા. તેમના મતે દેશમાં પ્રવર્તતા બિનજરૂરી કડક નિયમો દેશને રૂંધનારા હતા. આખી વડાપ્રધાન તરીકે તેમણે ઉદારીકરણનો — સાચા ઉદારીકરણનો માર્ગ સ્વીકારી દેશને વિકાસ અને શક્તિની દિશામાં લઈ જવા પ્રયાસો આરંભ્યા. સત્તા મેળવતાંની સાથે દેશની જેલમાં અનેક કેદીઓ હતા, જેઓ વિરોધી પક્ષના હોવાથી જેલવાસ પામેલા. આ બધા રાજકીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લઈ એબીએ તેનો અમલ કર્યો. બીજા શબ્દોમાં સાચોસાચ તેમને મુક્ત કરીને એબીએ તેમના દેશમાં લોકશાહીનાં પગરણ માંડ્યાં.

એબી અહેમદે શાંતિની દિશામાં જવાની પહેલ કરી. એપ્રિલ, 2018 પછી આ શાંતિપ્રક્રિયામાં ક્રમશઃ તેઓ આગળ વધ્યા. ઘરઆંગણાના આ પ્રયાસો સાથે બીજો ક્રમ હતો પડોશઈ દેશ સાથેના સંબંધોનો. ઇરિટ્રિયા સાથેના 20 વર્ષના સરહદી સંઘર્ષનો ઉકેલ લાવવા તેમણે નિર્ણાયક શરૂઆત કરી. આ વીસ વર્ષીય સંઘર્ષમાં જરા ઊંડા ઊતરીએ તો વાત એમ હતી કે 1963થી 1993 સુધીનાં 30 વર્ષો સુધી ઇરિટ્રિયા ઈથિયોપિયા સાથે સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતું રહેલું. 1963થી 1993 સુધીનાં 30 વર્ષીય ગેરીલા સંઘર્ષ પછી ઇરિટ્રિયાને સ્વતંત્રતા આપવામાં આવી. વળી પાછો બીજાં 20 વર્ષોનો સીમાકીય સંઘર્ષ. આમ વાસ્તવમાં બે તબક્કામાં આ છેલ્લાં 50 વર્ષોનો સંઘર્ષ હતો. આ કડવા સંજોગોમાં પ્રતિસ્પર્ધી સાથે સુલેહ-સંધિની પહેલ કરવી, તેને અમલમાં ઉતારવી એ કંઈ નાનીસૂની વાત તો નહોતી જ. બંને દેશોની બે પેઢીઓ વચ્ચેના અણબનાવને વિશ્વાસમાં રૂપાંતરિત કરવા માટે ભારે વજનદાર-વિશ્વાસપાત્ર ગજું જોઈઅ. જે એબી અહેમદે દૂરંદેશી સાથે અભિવ્યક્ત કર્યું, શાંતિપ્રયાસોની પહેલ કરી. એબી અહેમદને સાથે આપનારા સૌ પક્ષો, પ્રદેશો, રાજનેતાઓ અને પડોશી દેશો પણ અભિનંદનના હક્કદાર છે. કારણ શાંતિ-સંધિ કદાપિ એકલા હાથે થતી નથી, તાળી બે હાથથી જ પડે છે. આ ન્યાયે ઇરિટ્રિયાના પ્રમુખ અફરવર્કીએ બીજો હાથ લંબાવી અહેમદના પ્રયાસોનો યોગ્ય પ્રતિસાદ આપ્યો. એપ્રિલ, 2018માં સત્તા પર આવ્યા પછીના ત્રણ માસના ટૂંકા ગાળામાં આ શાંતિકરાર થયા તે એબી અહેમદની સૌથી મોટી સિદ્ધિ લેખાય છે. આ શાંતિકરારથી પૂર્વ આફ્રિકાના હજારો, લાખો લોકો આનંદમિશ્રિત આશ્ચર્ય પણ અનુભવે છે. આ કરારથી ભાવિ જાનહાનિ તો ટળી જ છે, પરંતુ ઇરિટ્રિયા જેવા ગરીબ અને અલ્પ સાધનસંપત્તિ ધરાવતા દેશની રાષ્ટ્રીય સંપત્તિનો વેડફાટ પણ અટક્યો છે. એથી ઇરિટ્રિયાની રૂંધાઈ ગયેલી વિકાસપ્રક્રિયાને નવો વેગ મળશે.

આ સાથે ઓછી જાણીતી હકીકત એ છે કે ઈથિયોપિયાના પડોશ દેશ સુદાનમાં ઓમર અલબશીર નામ ધરાવતા પ્રજાહિતલક્ષી સરમુખત્યાર સાથે એબી અહેમદે હિંસાનો માર્ગ છોડી શાંતિના રાહે ચાલવાનું પસંદ કર્યું છે. ખાસ આ સંદર્ભમાં યુનાઇડેટ નૅશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટરસે જણાવ્યું કે, ‘આફ્રિકામાં હવે આશાના પવનો વહેતા થયા છે.’ આ એક નવી સીમાચિહનથી આફ્રિકામાં સલામતી અને સ્થિરતાની આશા બંધાય છે.

ઈથિયોપિયામાં એક ઓરોમો નામથી ઓળખાતો, વાંશિક સમુદાય છે. જેની લાંબા સમયની ફરિયાદ છે કે તેઓને આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલી દેવાયા છે. એબી અહેમદ આ વિશાળ વાંશિક સમુદાયના પ્રતિનિધિ છે છતાં કશીયે કટુતા કે નકારાત્મક ભાવ વિના એબી અહેમદ કાર્યરત રહે છે. તેમના કરિશ્માતી અને પ્રતિભાવના નેતૃત્વથી તેઓ આ ઓરોમો સમુદાય પ્રત્યે પણ આવશ્યક ધ્યાન આપી રહ્યા છે. ઘરઆંગણે તેમણે રાજકીય પક્ષો પરના પ્રતિબંધો હટાવ્યા છે. કેદમાં પુરાયેલા પત્રકારોને મુક્ત કર્યા છે. અસ્પૃશ્ય ગણાતા અમલદારો અને ત્રાસદાયક સ્થિતિ સર્જતા અધિકારીઓને પણ તેમણે નવા રાહે કામ કરવા ફરજ પાડી છે. શાંતિ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગની તેમણે દેશવાસીઓને અપીલ કરી. વડાપ્રધાનની આ અપીલ સાથે આયોજનપૂર્વક ઈથિયોપિયાના લોકોએ માત્ર 12 કલાકમાં 35 કરોડ છોડ વાવીને પર્યાવરણ સમૃદ્ધ કરવા સાથે અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઈથિયોપિયા પાસે માત્ર ચાર ટકા જંગલ જ બચ્યું છે ત્યારે આ દિશાની પહેલ હિતાવહ અને આવકાર્ય લેખાઈ છે. એબી અહેમદે ઈથિયોપિયામાં નવી કૅબિનેટ રચી ત્યારે કૅબિનેટમાં મંત્રીઓના હોદ્દા પર લગભગ પચાસ ટકા મહિલાઓને સ્થાન આપીને સ્ત્રીસશક્તીકરણની મિસાલ ઊભી કરવાની ઉત્સુકતા દાખવી છે. તેમની આવી સરસ કામગીરી બદલ તેમની પર વિવિધ માન-અકરામોની નવાજેશ થયેલી છે. 11 ઑક્ટોબર, 2019માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું.

વૈયક્તિક રીતે એકદમ વ્યવસ્થિત અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા એબી પિતૃપક્ષે મુસ્લિમ અને માતૃપક્ષે ઈસાઈ ધર્મી ગુણોનું આદર્શ સંયોજન ધરાવે છે. પૂરા ઈમાનદાર અને અન્યમાં પૂરી શ્રદ્ધા, વિશ્વાસ ધરાવનાર. તેમનું કાર્યાલય ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનનાં પુસ્તકોથી ઊભરાય છે. નજર ભાવિ પર ઠેરવીને કામ કરનારા આ શખ્શિયતને પ્રજા ઈથિયોપિયના નેલ્સન મંડેલાથી ઓળખે તેમાં ભાગ્યે જ નવાઈ લાગે. શાંતિ નોબેલ પુરસ્કાર માટે તેમના નામની ઘોષણા સાથે રાજધાની એડીસ અબાબા આનંદભર્યા ઉન્માદથી ઘેલી ઘેલી બની ગઈ હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે આવાં વ્યક્તિત્વો સોએ સો ટકા માન્યતા પામે છતાં એકાદ શ્યામ લકીર પણ આવવાની જ. 2018માં આવા જ કારણસર તેમની પર જીવલેણ હુમલો થયો હતો. આમ છતાં ખૂબીની વાત એ છે કે તેઓ પોતાના માટે કોઈ સચિવ કે મંત્રી રાખતા જ નથી. કારણ લોકોને સરળતાથી તેમના કાર્યાલય સુધી પહોંચવામાં અવરોધ ન આવે.

પ્રજાના મતે એબી અહેમદ અમારો ચમત્કાર છે. માત્ર આખા દેશને જ નહીં પણ પૂર્વ આફ્રિકાને તેમણે નવી દિશા ચીંધી છે. આવા દેશ દેશના ગાંધીઓની જમાત વિસ્તરે તેને આવકારીએ. ઈથિયોપિયાના આ ગાંધીનો સમુદાય બહોળો બને એવી શુભેચ્છાથી વિશ્વ આગળ વધતું રહેશે એમ માની લઈએ.

રક્ષા મ. વ્યાસ