અલીભાઈઓ

January, 2001

અલીભાઈઓ (1. સૌકત અલી (જ. 10 માર્ચ 1873, ઉત્તરપ્રદેશ; અ. 18 નવેમ્બર 1938, કારોલબાગ, દિલ્હી. 2. મહમદ અલી જૌહર જ. 10 ડિસેમ્બર 1878, નજીબાબાગ, રામપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 જાન્યુારી 1931, લંડન, ઇંગ્લૅન્ડ) : ભારતીય મુસ્લિમોના, આઝાદી પહેલાંના મુહમ્મદઅલી અને શૌકતઅલી નામના નેતાઓ. મુહમ્મદઅલી દેવબન્દ પંથના હતા. 1912માં તેમણે હિંદ બહારના બનાવોની મુસ્લિમો પરની અસરને જાહેરમાં હસી કાઢી હતી. 1913માં મહંમદઅલી જિન્ના (ઝીણા) અને મુહમ્મદઅલીની અસર નીચે મુસ્લિમો આવ્યા અને સ્વાતંત્ર્યના વિચારને તેમણે ટેકો આપ્યો. 1919માં ઇન્ડિયા ખિલાફત કમિટીમાં શૌકતઅલી સેક્રેટરી તરીકે નિમાયા. ડિસેમ્બરમાં અલીભાઈઓ જેલમાંથી છૂટ્યા પછી ખિલાફત કૉન્ફરન્સ તરફથી વાઇસરૉયને લખવામાં આવેલા પત્રના જવાબથી તેઓ નિરાશ થયા. 1920માં મહાત્મા ગાંધીએ શરૂ કરેલી અસહકારની ચળવળ વખતે અલીભાઈઓ તેમના જમણા હાથ સમાન હતા. 1921માં મુહમ્મદઅલીએ અફઘાનો સાથે જેહાદમાં જોડાવાની હાકલ કરી. 1921માં મોપલાઓના બળવા સમયે અલીભાઈઓએ ભાષણો કરી તેમને ખૂબ ઉશ્કેર્યા હતા અને તે જ પ્રમાણે અસહકારની ચળવળના ભાગ રૂપે હિંદી મુસ્લિમ સૈનિકોને ધર્મને નામે નોકરી છોડી દેવાની સલાહ આપવા બદલ તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. 1923માં કાકીનાડા કૉંગ્રેસમાં મુહમ્મદઅલીએ પ્રમુખ તરીકે દિલ્હી ઠરાવને ટેકો આપતો ઠરાવ કરાવ્યો હતો. 1924માં બેલગામ હિંદુ મહાસભામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ જ સમયે તુર્કસ્તાનના કમાલ પાશાએ ખલીફનું સ્થાન કાઢી નાખ્યું, તેથી ખિલાફત ચળવળનો અંત આવ્યો. 1929ની કાનપુરની ઉલેમા કૉન્ફરન્સમાં મુહમ્મદઅલીએ નહેરુ રિપૉર્ટનો તિરસ્કાર કર્યો અને ગોળમેજી પરિષદને ટેકો જાહેર કર્યો. 1930માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ કૉન્ફરન્સમાં મુહમ્મદઅલીએ ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાવાનો ઇનકાર કર્યો કારણ કે તેથી સાત કરોડ મુસલમાનોને હિન્દી મહાસભાના આધારે રહેવું પડે. જોકે તેમણે શરૂઆતમાં મહાત્મા ગાંધી સાથે રહી મુસ્લિમોના નેતા તરીકે કામ કર્યું હતું.

યતીન્દ્ર દીક્ષિત