અલવર : રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર 8,383 ચોકિમી. વસ્તી : શહેર 3,41,422; જિલ્લો 36,74,179 (2011). રાજપૂતો દ્વારા 1771માં અલવરમાં દેશી રજવાડું સ્થાપવામાં આવ્યું હતું. 1803ની સંધિ દ્વારા તે બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ આવ્યું. 1949માં તે રાજસ્થાનમાં જોડાયું. જિલ્લાનો પૂર્વ વિસ્તાર સપાટ છે જ્યારે પશ્ચિમ વિસ્તાર અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓ ધરાવે છે. જિલ્લાના મુખ્ય પાકો જવ, ઘઉં અને ચણા છે. જસત, સીસું, આરસપહાણ, તાંબું વગેરેની અનામતો પણ જિલ્લામાં છે. 1775માં અલવર શહેરને અલવર રાજ્યનું પાટનગર બનાવાયું હતું. ફીરોઝશાહના ભાઈ તારંગ સુલતાનનો ચૌદમી સદીનો મકબરો ત્યાં આવેલો છે. અલવરના રાજમહેલમાં રાજસ્થાની અને મુઘલ લઘુચિત્રોનું તથા હિંદી, સંસ્કૃત અને ફારસી હસ્તપ્રતોનું સંગ્રહાલય છે.

Alwar in Rajasthan

નકશો જેમાં અલવર જિલ્લો હાઇલાઇટ કરવામાં આવ્યો છે

સૌ. "Alwar in Rajasthan" | CC BY-SA 3.0

હેમન્તકુમાર શાહ