અલંકારમહોદધિ (1225-26) : વસ્તુપાલના સમકાલીન, હર્ષપુરીય ગચ્છના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ. રચના-સ્થળ પાટણ અથવા ધોળકા. વસ્તુપાળની વિનંતીને માન આપીને પુરોગામી અલંકારગ્રંથોને આધારે તેની રચના થઈ છે. આઠ ‘તરંગો’માં અલંકારશાસ્ત્રના વિષયો  અનુક્રમે કાવ્યનું પ્રયોજન, કારણ અને સ્વરૂપનિર્ણય, કવિશિક્ષા અને (1) શબ્દવૈચિત્ર્ય, (2) ધ્વનિનિર્ણય, (3) ગુણીભૂત વ્યંગ્ય, (4) દોષનિરૂપણ, (5) ગુણાલંકારવિવેક, (6) ચાર શબ્દાલંકારો, અને (7) સિત્તેર અર્થાલંકારો જેવાં કાવ્યલક્ષણો સમાવ્યાં છે. શૈલી અત્યંત સરળ છે. ભામહ, દંડી, આનંદવર્ધન, મમ્મટ, હેમચન્દ્ર અને રુય્યક  – આ પૂર્વાચાર્યોનું અનુસરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધ્વનિચર્ચામાં આનંદવર્ધન અને મમ્મટનું તથા અલંકારોમાં રુય્યકનું અનુસરણ છે. પ્રત્યેક તરંગને અંતે એક એક ઉપસંહારક પદ્ય વિશિષ્ટ વૃત્તમાં રચ્યું છે. બાકીનાં પદ્યો અનુષ્ટુપમાં છે. પ્રાચીન કવિ-નાટ્યકારોનાં 982 પદ્યો વિવિધ વિષયોનાં ઉદ્ધરણો તરીકે લેવામાં આવ્યાં છે. કાવ્યની વ્યાખ્યામાં તેમણે ‘ધ્વનિ’નો પણ સમાવેશ કર્યો છે. સહૃદયપ્રિય હોય તેવા શબ્દાર્થયોગને કાવ્ય કહ્યું છે. શાંતરસને તેઓ સ્વીકારે છે. અલંકારોમાં સૌપ્રથમ ઉપમાને બદલે અતિશયોક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

તપસ્વી નાન્દી