અર્બિયમ : આવર્ત કોષ્ટકના IIIb સમૂહનાં વિરલ પાર્થિવ તત્વો(લૅન્થેનાઇડ)માંનું એક સંક્રમણ (transition) ધાતુતત્વ. સંજ્ઞા : Er. 5. આંક : 68, પ.ભાર : 167.26, ગ.બિ. : 15220 સે., ઉ.બિં. 25100 સે., વિ.ઘ. : 9.066 (250 સે.). આ રાસાયણિક તત્વ મુક્ત અવસ્થામાં મળતું નથી. કુદરતમાં મળતું તત્વ Er-162, Er-164, Er-167, Er-168, Er-170 – એમ છ અવિકિરણધર્મી (non-radioactive) સમસ્થાનિકો(isotopes)નું મિશ્રણ છે. તેનો ઇલેક્ટ્રૉન વિન્યાસ (Xe) 4f12 5d° 6s2 અને ઉપચયન-આંક (oxidation number) +3 છે.
સી. જી. મોસેન્ડરે 1843માં આ તત્વને ઑક્સાઇડ રૂપે સૌપ્રથમ મેળવ્યું અને આ ઑક્સાઇડને ટર્બિયા નામ આપ્યું. વિરલ પાર્થિવ તત્વો વચ્ચેના સામ્યને કારણે ટર્બિયમ અને અર્બિયમ વચ્ચે ઘણો ગૂંચવાડો ઊભો થયો હતો. 1860 પછી આ ઑક્સાઇડને અર્બિયા તરીકે ઓળખવા અંગે સંમતિ સધાઈ હતી. ઝેનોટાઇમ અને યૂક્સેનાઇટ ખનિજોમાં અર્બિયમ મળી આવે છે. વ્યાપારી ધોરણે આયન-વિનિમય (ion exchange) પદ્ધતિથી ખનિજમાંથી તેના ક્ષારો શુદ્ધ રૂપમાં મેળવાય છે. નિર્જળ ફ્લોરાઇડનું કૅલ્શિયમ વડે ઉષ્મા-અપચયન (thermoreduction) કરીને અર્બિયમ ધાતુ મેળવાય છે. તે રાખોડી રંગની ચાંદી જેવી ચળકતી ધાતુ છે. પાણી તથા ઑક્સિજનની તેના ઉપર ધીમી અસર થાય છે. અર્બિયમ ઑક્સાઇડ Er2O3 ગુલાબી હોય છે અને ઍસિડ સાથે ગુલાબી રંગના ક્ષારો આપે છે. Er+માં અયુગ્મિત ઇલેક્ટ્રૉન હોઈ તે પ્રબળ અનુચુંબકીય (paramagnetic) ગુણો ધરાવે છે. સંશ્ર્લેષિત અર્બિયમ વિકિરણધર્મી છે. અર્બિયમ નીચા તાપમાને પ્રતિલોહચુંબકીય (antiferromagnetic) અને વધુ નીચા તાપમાને લોહચુંબકીયતા (ferromagnetic) તથા અતિવાહકતા (super conductivity) જેવા ગુણો દર્શાવે છે.
અર્બિયમ પરમાણુભઠ્ઠીમાં ન્યૂટ્રૉન શોષવા માટેના નિયંત્રક સળિયા (control rods) બનાવવામાં, ચુંબકીય મિશ્રધાતુઓ બનાવવામાં, ઇન્ફ્રારેડ કિરણો શોષતા કાચની બનાવટમાં અને સ્ફૂરદીપ્ત (phospore- scent) પદાર્થોની બનાવટમાં સક્રિયક (activator) તરીકે વપરાય છે.
જ. ચં. વોરા