અર્બન બીજો (જ. આશરે 1035, શેમ્પેન–ફ્રાન્સ; અ. 29 જુલાઈ 1099, રોમ) : રોમન કૅથલિક ચર્ચના પોપ. મૂળ નામ ઑડો ઑવ્ શાટીલોન – સુર–માર્ન. 1088થી 1099 સુધી રોમન કૅથલિક ચર્ચના વડાપદે રહ્યા હતા. તેમણે પોપ–ગ્રેગરી સાતમા દ્વારા શરૂ કરાયેલ ચર્ચ સંબંધી સુધારાઓને આગળ વધારેલા અને રાજકીય એકમ તરીકે પોપ અને ચર્ચનું સ્થાન મજબૂત બનાવેલું.
ફ્રાન્સનાં સોઇસોજસ અને રેઇમ્સ નગરોમાં તેમણે અભ્યાસ કર્યો હતો. બિશપે વહીવટમાં પોતાને મદદ કરવા માટે તેમની નિમણૂક કરેલી. મધ્યયુગમાં આ હોદ્દો ઘણી સત્તાવાળો ગણાતો. આ હોદ્દો તેમણે 1055થી 1067સુધી સંભાળ્યો. પછી અગિયારમી સદીમાં યુરોપના સૌથી મોટા સુધારાવાદી કેન્દ્ર ગણાતા ક્લુની (Cluny) ખાતે તેઓ નિયુક્ત થયેલા. ત્યાં ચર્ચની નીતિ અને વહીવટી તંત્રનો અનુભવ મળ્યો, અને બે ભિન્ન સુધારાવાદી જૂથોના પરિચયમાં આવ્યા. 1079માં રોમ ગયા.
પોપ ગ્રેગરી સાતમાએ તેમને કાર્ડિનલ અને ઑસ્ટ્રિયા(રોમ પાસેનું બંદર)ના બિશપ બનાવ્યા. 1084માં પોપે તેમને પોતાના પ્રતિનિધિ તરીકે જર્મની મોકલ્યા હતા. રોમન સમ્રાટ હેન્રી ચોથા સાથેની પોપની લડાઈ દરમિયાન તેઓ ચર્ચને વફાદાર રહેલા. ગ્રેગરીના અવસાન બાદ આવેલા વિક્ટર ત્રીજા સાથે પણ તેમણે કામ કર્યું હતું. વિક્ટર ત્રીજાના મૃત્યુ (1087) બાદ, તા. 12 માર્ચ 1088ના રોજ રોમની દક્ષિણે આવેલા તેરાસીના ખાતે તેમની પોપ તરીકે વરણી થઈ.
પોપ તરીકે તેમણે અપનાવેલી સુધારાવાદી નીતિઓમાં તેમને લગભગ બધા જ વર્ગોનો ટેકો મળ્યો હતો. તેમની સામે પોપ તરીકે ક્લેમન્ટ ત્રીજાની ઘોષણા સમ્રાટ હેન્રી ચોથાએ કરી હતી. હવે ઑડોમાંથી અર્બન બીજો બનેલા પોપે રાજ્ય અને ચર્ચ વચ્ચેના સંબંધોમાં ઉદારમતવાદ અને સહનશીલતા દાખવ્યાં. તેમણે સંઘર્ષને હળવો બનાવ્યો અને શાંતિપૂર્ણ ચર્ચાઓ માટેનો માર્ગ મોકળો કર્યો. 1095માં તેમણે રાજ્ય અને ચર્ચ વચ્ચેના સંબંધોમાં સંપૂર્ણ સામંતશાહીને ઘૂસતી અટકાવી.
અર્બન બીજાનું સમાધાનકારી વલણ છતાં હેન્રી ચોથાએ સંબંધો સુધાર્યા નહિ. વળી ઇંગ્લૅન્ડના રાજા વિલિયમ બીજા સાથે તેમના સંબંધો તંગ રહ્યા હતા. જોકે ફ્રાન્સનાં રાજ્યોનો સંપૂર્ણ ટેકો આ ફ્રેન્ચ પોપને મળ્યો હતો. દક્ષિણ ઇટાલી અને સિસિલીમાંથી પણ તેમને ટેકો મળ્યો હતો. સ્પેનમાં તેમણે ચર્ચની વ્યવસ્થાનું પુનર્ગઠન કર્યું હતું. ગ્રીક અને લૅટિન ચર્ચને એક કરવાના અને મુસ્લિમો સામે તમામ ખ્રિસ્તીઓને સંગઠિત કરવાના તેમણે ખૂબ પ્રયાસો કર્યા હતા. પરંતુ ગ્રીક ચર્ચને તેઓ કદી આકર્ષી શક્યા નહોતા. તેમના શાસનકાળ દરમિયાન રોમન ચર્ચમાં વધુ કેન્દ્રીકરણ થયું. સાથે ચર્ચના વહીવટનું વિસ્તરણ પણ થયું. ખ્રિસ્તી ધર્મની પ્રથમ જેહાદ (first crusade) અર્બન બીજાના શાસન દરમિયાન થઈ. 1099માં જેરૂસલેમ મુસ્લિમો પાસેથી જીતી લેવાયું. અર્બન તરીકે ઓળખાતા આઠ પોપમાં અર્બન બીજાનું નામ સૌથી વધુ જાણીતું છે.
હેમન્તકુમાર શાહ