અર્ધસ્ફટિકમય કણરચના (hemicrystalline texture) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની કણરચના. તેને મેરોક્રિસ્ટલાઇન, હાઇપોક્રિસ્ટલાઇન, હાયલોક્રિસ્ટલાઇન કે હાઇપોહાયલાઇન પણ કહે છે. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાનો દર અને ઘટ્ટતા જેવાં પરિબળો સ્ફટિકમયતાનો નિર્ણય કરવામાં સહાયભૂત થઈ પડતાં હોય છે, અર્થાત્ અગ્નિકૃત ખડકમાંનાં સ્ફટિકમય ખનિજો અને અસ્ફટિકમય ખનિજદ્રવ્ય વચ્ચે અસ્તિત્વ ધરાવતા અરસપરસના ગુણોત્તર પરથી સ્ફટિકમયતાનો નિર્ણય કરી શકાય છે. સ્ફટિકમયતાને આધારે ખડકની કણરચનાનું નામાભિમાન કરી શકાય છે. અગ્નિકૃત ખડક જ્યારે અમુક પ્રમાણમાં ખનિજ-સ્ફટિકો અને અમુક પ્રમાણમાં સૂક્ષ્મ દાણાદાર કે કાચમય ખનિજદ્રવ્યના બંધારણવાળો હોય ત્યારે એ પ્રકારની કણરચના માટે ‘અર્ધસ્ફટિકમય’ શબ્દ ઉપયોગમાં લેવાય છે. પૃથ્વીની સપાટી નજીક  ભૂપૃષ્ઠ ઉપર કે તદ્દન છીછરી ઊંડાઈએ લાવા કે મૅગ્મામાંથી ઘનીભવન પામેલા ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ કણરચના આ પ્રકારની હોય છે. બૅસાલ્ટ અને તેના જેવા ખડકો અને પૉર્ફિરી કે ક્યારેક ગ્રૅનાઇટ જેવા અંતર્ભેદિત ખડકો અર્ધસ્ફટિકમય કણરચનાવાળા હોય છે.

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ