અર્ધસત્ય (1983) : શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનું પારિતોષિક મેળવનાર ચલચિત્ર. કથાલેખક : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. અભિનય : ઓમ પુરી, સ્મિતા પાટિલ, નસિરુદ્દીન શાહ, સદાશિવ અમરાપુરકર. નિર્માતા : નિયો ફિલ્મ્સ. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ઉપરાંત ઓમ પુરીને શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક પણ મળ્યું હતું.

કથાવસ્તુ પોલીસખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર પર આધારિત છે. આનંદ વેલણકર જે પોલીસ સબઇન્સ્પેક્ટર છે, એ અનુભવે છે, કે એણે જે હિંસક વૃત્તિને દબાવી છે તેને મુક્ત કરવાનો મોકો મળે છે. આમ છતાં એ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે, ત્યારે એક કોન્સ્ટેબલને મારવા માટે રામ શેટ્ટી નામના ગુંડાના ત્રણ માણસોને પકડે છે, પણ ઉપરીના ફોનને કારણે તેમને છોડી દેવા પડે છે. તે પછી એક છોકરીને સતાવવા માટે એ છોકરાની એક ટોળીને પકડે છે. બાપે માની ઉપર ત્રાસ ગુજારેલો તેની પ્રતિક્રિયા રૂપે એ છોકરાઓને ઢોરમાર મારે છે. એક વાર શેટ્ટીના માણસને શેટ્ટીએ મારી નાખ્યો હોય છે. એ શેટ્ટીને પકડવા જાય છે, પણ ત્યાં ઉપરી અધિકારીના ફોનને કારણે છોડી દેવો પડે છે. આ અપમાનથી એ દારૂની લતે ચડે છે. એને જ્યોત્સ્ના નામની એક છોકરી સાથે પ્રેમ થાય છે પણ તે એને દારૂ છોડે તો જ મૈત્રી ટકી રહે એમ કહે છે અને નોકરી છોડવા કહે છે. એ એક ડાકુને પકડે છે, પણ એમાં ચંદ્રક બીજાને અપાય છે. આથી રઘવાયો થઈને એ એક ગુનેગારને મારે છે, જે મરી જાય છે. વેલણકરને નોકરીમાંથી છૂટો કરાય છે. એને શેટ્ટી જોડે સમાધાન કરવા સમજાવાય છે. એ શેટ્ટીને મળવા જાય છે, પણ શેટ્ટી જે શરત મૂકે છે, તેનાથી ઉશ્કેરાઈ એ શેટ્ટીની હત્યા કરે છે અને પોલીસ-સ્ટેશને હાજર થાય છે.

કેતન મહેતા