અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

January, 2001

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ નથી. એ વિશે લખવું હોય તો નવલકથા જ લખું, આત્મકથા નહિ, કારણ કે આત્મકથામાં તો મારા સામાન્ય દુ:ખી જીવનની વાત જ મારે કહેવાની હોય. મરી ગયેલી ડાંગરમાંથી ચોખા બહુ ઓછા નીકળે છે અને ભૂંસું અધિક. પણ આ આત્મકથામાં મારે માટે ભૂંસું ફેંકી દેવાનો કંઈ અર્થ નથી. કારણ કે એમ કરું તો બધું જ ફેંકી દેવાનું થાય. પણ જે ડાંગરમાં થોડા થોડા ચોખા હોય તો એમાંથી કણકી મળે, જેથી ગરીબોનું પેટ ભરાય. મારા જેવા દીનદરિદ્રને કશી પ્રેરણા મળે એ આશાથી આ લખું છું. સંપન્ન લોકોને માટે આમાં કશું નથી.’’

Portrait of Godabarish Mishra

ગોદાવરીશ મિશ્ર

સૌ. "Portrait of Godabarish Mishra" | CC BY-SA 4.0

આ આત્મસ્વીકૃતિમાં આ આત્મકથાની બધી વિશેષતાઓ સમાઈ જાય છે. ભાષા સરળ અને સર્વગ્રાહ્ય છે. આ પુસ્તકનો 1961ના ઊડિયા સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક રૂપે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવેલો.

વર્ષા દાસ