અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

January, 2024

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા. યુઅન-શ્વાંગે અશોક દ્વારા સ્થાપિત કરેલ પંદર શિલાસ્તંભો જોયા હતા.

Sarnath Ashoka Lions

અશોક સ્તંભ

સૌ. "Sarnath Ashoka Lions" | CC BY 4.0

સારનાથનો આ શિલાસ્તંભ 70 ફૂટ ઊંચો હોવાનું એણે નોંધ્યું છે. આ સ્તંભની શિરાવટી ઉપર પ્રસિદ્ધ મહાધર્મચક્ર અને ચતુર્મુખ સિંહાકૃતિ અંકિત કરેલી જોવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ આ સ્તંભ અને તેનું શીર્ષ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. સારનાથમાં ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્રપ્રવર્તન કર્યું હતું તેની રજૂઆત અહીં જોવામાં આવે છે. શીર્ષની પડઘીની ચારે તરફ ધર્મચક્રનું ચિહન અંકિત કરવામાં આવ્યું છે. ધર્મચક્રને 24 આરા કરેલા છે ને તેની ચારે તરફ ચાર પશુઓ – હાથી, વૃષભ, અશ્વ અને સિંહ – અંકિત કરેલાં છે. મથાળે ચારે દિશાઅ ઉન્મુખ ચાર સિંહો મૂકેલા છે. એમનો પીઠ ભાગ એક બીજા સાથે જોડેલો છે. આ પાર્શ્વગત ભાગોનો સંતુલિત વિન્યાસ સાધવામાં શિલ્પીએ અદભુત નિપુણતા દાખવી છે. આ સિંહોના મસ્તક પર ધર્મચક્ર મૂકેલું હતું, જેના ટુકડાઓ ઉપલબ્ધ થયા છે. આ ચક્રનો વ્યાસ લગભગ 80 સેમી. હોવાનું જણાય છે. એમાં 32 આરા હતા. પાશવી શક્તિ પર ધાર્મિક વિજયના સંકેત રૂપે આ ચક્ર સિંહો પર મુકાયું હોય તેમ મનાય છે. કેટલાકને મતે નીચેનાં ચાર પશુઓ ચાર દિશાનાં પ્રતીક, સિંહ શાક્યમુનિ બુદ્ધના પ્રતીક રૂપે અને ચક્ર ધર્મના પ્રતીક રૂપે છે. સિંહોની આકૃતિમાં કલાકારે કલ્પના અને વાસ્તવિકતાનો સુંદર સુમેળ કરેલો છે. એણે જાણીબૂઝીને આ પશુની સ્વાભાવિક ઉગ્રતા, હિંસકતા અને પ્રચંડતા વ્યક્ત કરી નથી. તેમ છતાં તેની છટામાં એનું મૃગેન્દ્રત્વ નષ્ટ પણ થવા દીધું નથી. સિંહનાં ઘાટીલાં અને સુગઠિત અંગ- પ્રત્યંગો સપ્રમાણ અને સફાઈદાર તેમજ ઓપદાર છે. ચહેરા આસપાસની કેશવાળીની એકેએક લટ બારીકપણે કોતરેલી છે. આ સિંહશિલ્પોને પ્રસિદ્ધ કલાવિવેચક વિન્સેન્ટ સ્મિથે જગતની પ્રાચીન પશુમૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યાં છે.

પ્રવીણચંદ્ર પરીખ