અર્ણોરાજ (જ. ?; અ. 1153) : શાકંભરી(સાંભર)ના ચાહમાન કે ચૌહાણ રાજા અજયરાજનો પુત્ર. એ આન્ન નામે પણ ઓળખાતો હતો. તેણે માલવરાજ નરવર્માની સત્તાનો હ્રાસ કર્યો હતો. કુમારપાળે એને હરાવ્યો હતો.
સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહક નામે કુમારે અર્ણોરાજને કુમારપાળ સામે ઉશ્કેર્યો હોવાનું મેરુતુંગ જણાવે છે. અર્ણોરાજે મુસ્લિમ ચડાઈને પાછી હઠાવેલી, પરંતુ એને સોલંકી નરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળની પ્રબળ સત્તાને વશ થવું પડ્યું હતું. સિદ્ધરાજે તેને પોતાની કુંવરી કાંચનદેવી પરણાવી હતી અને કુમારપાળે પણ પોતાની કુંવરી જલ્હણાનું એની સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું.
ભારતી શેલત