અર્થ : શબ્દમાં રહેલી અભિધાશક્તિથી પ્રગટ થતો અર્થ. કાવ્યમાં શબ્દ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય – એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. વાચક, લક્ષક અને વ્યંજક શબ્દમાં પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ રહેલી હોય છે. આ શક્તિઓ પણ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. આમાં વાચક શબ્દમાં રહેલી અભિધાશક્તિથી જે અર્થ પ્રકટ થાય છે તે વાચ્યાર્થ; લક્ષક શબ્દમાં રહેલી લક્ષણાશક્તિથી લક્ષ્યાર્થ અને વ્યંજક શબ્દમાંની વ્યંજનાશક્તિથી વ્યંગ્યાર્થ અભિવ્યક્તિ પામે છે.

વાચક શબ્દમાંથી પ્રતીત થતો વાચ્યાર્થ શબ્દમાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એક વિશિષ્ટ સંકેત કે શક્તિને આભારી છે. સંકેત વિશે બે મંતવ્યો છે : એક મંતવ્ય પ્રમાણે કોઈ પણ શબ્દનો અમુક જ અર્થ થાય એ પાછળ ઈશ્વરની ઇચ્છા રહેલી હોય છે; જ્યારે બીજા મંતવ્ય અનુસાર માનવનિર્મિત શબ્દોમાં મનુષ્યની ઇચ્છા જ એક વિશિષ્ટ શક્તિ રૂપે રહેલી હોય છે. શબ્દમાં રહેલ શક્તિના જ્ઞાન માટે વ્યવહાર જ મુખ્ય સાધન છે.

આ રીતે વાચક શબ્દમાં સ્થિત અભિધાશક્તિથી જે વાચ્યાર્થ બહાર આવે છે તેને મુખ્યાર્થ પણ કહે છે. અહીં મુખ્યાર્થ એટલે પ્રધાન અર્થ નહિ, પણ પ્રાથમિક અર્થ એમ સમજવાનું છે. મનુષ્યના મુખની જેમ પહેલો જણાતો તે ‘મુખ્ય’. અભિધાશક્તિથી પ્રકટ થતો ક્વચિત્ રૂઢ (પરંપરાથી ચાલ્યો આવતો) તો કોઈ વખતે યૌગિક (તે શબ્દમાં રહેલ પ્રકૃતિ તથા પ્રત્યયની વ્યુત્પત્તિથી ગમ્ય) તો ક્વચિત્ યોગ તથા રૂઢિ બંનેના યોગથી નિષ્પન્ન થનાર યોગરૂઢ અર્થ પણ હોય છે.

લોકવ્યવહારમાં કે સાહિત્યમાં એવા ઘણા શબ્દો પ્રયોજાય છે કે જેમનો મુખ્યાર્થ (વાચ્યાર્થ) તર્કશુદ્ધ હોવા છતાં બંધબેસતો આવતો નથી; ત્યારે મુખ્યાર્થને બાજુએ મૂકી, તેની સાથે સંબદ્ધ પ્રસંગાનુરૂપ બીજો અર્થ લેવો પડે છે. આ બીજો અર્થ સ્વીકારવાનું કારણ લૌકિક પરંપરા (રૂઢિ) કે વક્તાનું તેની પાછળનું કોઈ પ્રયોજન હોય છે. આ રીતે જે શબ્દ અન્ય અર્થ પ્રગટાવે છે તે લાક્ષણિક શબ્દ; જે અન્ય અર્થ પ્રગટે છે તે લક્ષ્યાર્થ અને જે શક્તિ દ્વારા પ્રગટે છે તેને લક્ષણા કહે છે. લક્ષણાથી લક્ષ્યાર્થ લાવતી વખતે એ ખાસ જોવું જોઈએ કે લક્ષ્યાર્થ, મુખ્યાર્થ સાથે સંબદ્ધ હોવો જોઈએ, અન્યથા કોઈ પણ શબ્દમાંથી લક્ષણા દ્વારા અસંબદ્ધ અર્થ લેવામાં આવતાં ભાષામાં અવ્યવસ્થા ઊભી થાય.

સાહિત્યમાં એવા પણ કેટલાક અર્થો હોય છે જેમની પ્રતીતિ અભિધા કે લક્ષણાથી થઈ શકતી હોતી નથી. તે સંયોગોમાં શબ્દની એક તૃતીય શક્તિ વ્યંજના દ્વારા તે શબ્દનો વ્યંગ્યાર્થ ધ્યાનમાં આવે છે. સાહિત્યમાં વ્યંગ્યાર્થની અભિવ્યક્તિ કરતી વ્યંજનાશક્તિનું મહત્વ અલંકારશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે.

અલંકારથી જુદાં અન્ય શાસ્ત્રોમાં શબ્દના વાચક અને લક્ષક એ બે જ ભેદ તથા અભિધા અને લક્ષણા બે જ શક્તિઓ પ્રાય: મળી આવે છે, પણ કાવ્યશાસ્ત્રમાં વ્યંગ્યાર્થ જ રમણીય અને ચમત્કૃતિપૂર્ણ મનાતો હોવાથી ત્યાં વ્યંજક શબ્દ અને વ્યંજનાશક્તિ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.

ભગવતીપ્રસાદ પંડ્યા