અર્જુનદેવ (ગુરુ) (જ. 15 એપ્રિલ 1563, ગોઇંદવાલ, જિ. અમૃતસર; અ. 30 મે 1606, લાહોર) : શીખોના પાંચમા ગુરુ, કવિ, વિદ્વાન તથા તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ અર્થાત્ ‘આદિગ્રંથ’ના સંકલનકર્તા. ગુરુ રામદાસના નાના પુત્ર. અમૃતસરના સુવર્ણમંદિરનું મુખ્ય દેવસ્થાન હરિમંદિર તેમણે 1589માં બંધાવ્યું અને તેના પાયાની ઈંટ મુસ્લિમ સૂફી સંત મિયાં મીરના હાથે મુકાવી. અનેક ગુરુદ્વારાઓ તથા શહેરો સ્થાપી તેમણે શીખધર્મને સંસ્થાબદ્ધ કરવા માટે પગલાં લીધાં.
‘આદિગ્રંથ’માં સમાવિષ્ટ લાંબી અને ટૂંકી 5,894 કાવ્યરચનાઓમાંથી 2,312 અર્જુનદેવની રચનાઓ છે. તે તેમાં ઉપયોગમાં લેવાયેલ 31માંથી 30 રાગોમાં સંચિત છે. ‘આદિગ્રંથ’ના સંકલન-સમયે સાહિત્યિક હકીકતની સૂઝ અને સંવેદનશક્તિ તેમણે દર્શાવી. તેને કારણે વિવિધ કવિઓ અને કાવ્યસ્વરૂપો હોવા છતાં તે તેમાં રસ અને વિચારનું એકત્વ સ્થાપી શકે છે. તેમનાં પોતાનાં પદો સર્વસ્પર્શી હોય છે, પદ્યસ્વરૂપ, છંદ અને વૈચારિક વ્યાપના સંદર્ભમાં પદો બદલાતાં રહે છે. તેમણે ગેયતા, શબ્દવિન્યાસ અને બિંબોમાં વૈવિધ્ય ધરાવતી નાની અને દાર્શનિક ગૂઢ વસ્તુ ધરાવતી લાંબી કાવ્યરચનાઓ પણ આપી છે. ‘સુખમની’ એમની સૌથી વિખ્યાત દાર્શનિક કવિતા છે. તેમણે લગભગ બધાં જ પ્રશિષ્ટ તેમજ લોકકાવ્યસ્વરૂપો અને છંદોનો ઉપયોગ કર્યો છે. મોટાભાગનું તેમનું સર્જન પંજાબીની મધ્ય અને પશ્ચિમી બોલીઓમાં છે; પરંતુ તેમણે ઉત્તરીય પ્રદેશની અન્ય ભાષાઓનો ઉપયોગ પણ કર્યો છે. તેમાં ફારસી, અરબી અને સંસ્કૃતની અસર જણાય છે. તેમણે સિંધીમાં પણ એક સ્તોત્ર લખ્યું છે.
જહાંગીરનું તેડું આવતાં, ગુરુ અર્જુનદેવે સાવચેતી રાખીને 11 વર્ષના પુત્ર હરગોવિંદને ગુરુગાદીએ બેસાડ્યા. તે પછી બાદશાહને મળવા ગયા. ‘ગુરુ ગ્રંથસાહેબ’માંથી કેટલાંક પદ કાઢી નાખવાના જહાંગીરના હુકમ સામે ઝૂક્યા વિના, નિર્ભય અને નિર્વૈરપણે તેમણે અસહ્ય યાતનાઓ વેઠી અને ભગવાનમાં ચિત્ત સમાહિત રાખીને પ્રાણાર્પણ કર્યું. આના કારણે તેઓ ‘શહીદોના સરતાજ’ તરીકે ઓળખાયા છે.
ગુરુબક્ષસિંહ
ઉ. જ. સાંડેસરા