અર્જુન ભગત (1856–1912) : ગડખોલ (તા.અંકલેશ્વર)ના નિર્ગુણમાર્ગી સંતપુરુષ. કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુનદાસનું હૈયું નાનપણથી જ હરિરંગી હતું. મોટા થયે ગૃહસ્થાશ્રમ માંડ્યો અને 4 પુત્રો થયા, પણ જીવન ભગવદ્ભક્તિમાં વ્યતીત થતું રહ્યું. સૂરતના નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે ગુરુમંત્ર લીધેલો. નામસ્મરણ અને મંત્રજપને લઈને ગુરુગમ પ્રાપ્ત થતાં આત્માનંદની ઝાંખી થઈ અને તેનાથી તેમના દિલની દશા બદલાઈ ગઈ. ત્રણ યુવાન પુત્રો થોડા દિવસના અંતરે અવસાન પામ્યા તોય ભગતનાં ધૈર્ય અને સ્થૈર્ય અચળ રહ્યાં. ‘ઈશ્વરે આપેલા તે ઈશ્વરે લઈ લીધા’ કહીને મનનું સમાધાન કર્યું. અર્જુન ભગત ખગોળનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાથી તેમને ગાયકવાડ સરકારે ઊંચી નોકરી આપવાની તત્પરતા બતાવી, પણ તેમણે પરમાત્મા સિવાય કોઈની તાબેદારી નહિ સ્વીકારવાનો નિરધાર કર્યો હોઈ વિનયપૂર્વક એ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. સ્વ. મહાદેવભાઈ દેસાઈએ ‘અરજુનવાણી’ નામના ગ્રંથમાં તેમનાં ભજનો પ્રગટ કર્યાં છે. તેમની વાણીમાં આત્માનુભવનું માર્મિક અને સચોટ નિરૂપણ થયેલું છે.

અર્જુન ભગત નિર્ગુણમાર્ગી ભક્ત હતા. તેઓ કબીરની જેમ મૂર્તિપૂજા કે બાહ્ય કર્મકાંડના વિરોધી હતા. સત્સંગ અને પરિસ્મરણ દ્વારા અહંભાવને ઓગાળવાનો ઉપદેશ કરતા. ભોજા ભગતના ચાબખા જેવી તેમની સીધી, સાદી અને તળપદા શબ્દોથી ભરપૂર વાણી મુમુક્ષુના હૃદયમાં બાણની જેમ સોંસરી ઊતરી જતી. સિદ્ધાંત પરત્વે તેઓ અજાતવાદી કે પરમાત્મવાદી હતા. તેઓ કહેતા કે મધ્યવ્યક્ત એવી જીવ, જગત અને ઈશ્વરની ત્રિપુટી શૂન્યવાટ છે. વસ્તુત: આ મધ્યવ્યક્ત નાનાત્વમાં એક અનંત અને અદ્વૈત પરાત્પર પરબ્રહ્મ જ વિલસી રહ્યું છે. પરમતત્વ તો સાકાર-નિરાકાર ઉભયથી અતીત છે. એવા પૂર્ણબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ અર્થે જીવાત્માએ પોતાના અહંને પૂર્ણ બ્રહ્મમાં પૂરેપૂરો ઓગાળી નાખવો જોઈએ. આ હેતુ માટે તેણે સદગુરુની છાયામાં રહી નિરંતર નામસ્મરણનું અવલંબન કરવું જોઈએ એમ તેમનું પ્રતિપાદન છે.

પ્રવીણચંદ્ર પરીખ