અરુંડેલ, રુકમિણીદેવી (જ. 29 ફેબ્રુઆરી 1904, મદુરાઈ, તામિલનાડુ; અ. 24 ફેબ્રુઆરી 1986, ચેન્નઈ, તામિલનાડુ) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકલાકાર. સુસંસ્કૃત પરિવારમાં જન્મ. પિતા નીલકાંત શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. રુકમિણી તેમનાં સૌથી નાનાં પુત્રી અને લાડકોડમાં ઊછરેલાં. બાળપણથી જ સંગીત અને નૃત્ય પ્રતિ રુકમિણીને રુચિ હતી. જ્યૉર્જ એસ. અરુંડેલે તેમને શિક્ષણ આપ્યું અને 1920માં તેમની સાથે તેમનું લગ્ન થયું. જ્યૉર્જ અરુંડેલ વિખ્યાત કેળવણીકાર ઉપરાંત થિયૉસૉફિકલ સોસાયટીના અડ્યારના મુખ્ય કેન્દ્રના વડા હતા.

એની બેસન્ટે રુકમિણીદેવીની પ્રતિભાના વિકાસમાં સહાય કરેલી. 1926માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન તેઓ પ્રસિદ્ધ રશિયન નર્તકી એના પાવલોવાના પરિચયમાં આવ્યાં. 1930માં તેઓ બર્લિનમાં પ્રખ્યાત નર્તકો મેરી વિંગ્મન અને ગ્રેટ પાલુકાના પરિચયમાં આવ્યાં. બર્લિનમાં તેમણે અને એકહાર્ટ મુથેસિયસે લખેલ ચિત્રપટની વાર્તા પરથી ઉતારેલા ચિત્રપટમાં વિકસ્યો પાત્રની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1935માં મદ્રાસમાં ભરાયેલા થિયૉસૉફિકલ સોસાયટીના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભરતનાટ્યમનો પ્રયોગ કરતાં શ્રી મીનાક્ષીસુંદરમ્ સાથે તેમનો પરિચય થયો. તેમણે પોતાના કલાગુરુ તરીકે તેમનો સ્વીકાર કર્યો અને તેમના માર્ગદર્શન હેઠળ નૃત્યકલામાં વિશેષ સિદ્ધિ મેળવી.

રુકમિણીદેવી અરુંડેલ

1936માં રુકમિણીદેવીએ મદ્રાસ પાસે અડ્યારમાં ‘કલાક્ષેત્ર’ નામે આંતરરાષ્ટ્રીય કલાકેન્દ્રની સ્થાપના કરી અને તેમાં નૃત્ય, સંગીત, ચિત્રકલા વગેરેનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી.

અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલાં હતાં. રાજ્યસભાનાં નિયુક્ત સભ્ય તરીકે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટેનો કાયદો પસાર કરાવવામાં તથા પ્રાણીઓનાં કલ્યાણ માટે અલાયદા બૉર્ડની રચના કરાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સાંસ્કૃતિક સેવાઓની કદર રૂપે 1956માં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ’થી અલંકૃત કર્યાં હતાં. 1958માં લંડન ખાતેની રૉયલ સોસાયટી ફૉર ધ પ્રિવેન્શન ઑવ્ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ નામની સંસ્થા દ્વારા તેમને ક્વીન વિક્ટૉરિયા રૌપ્ય પદક એનાયત કરવામાં આવ્યો હતો.

1953માં રુકમિણીદેવીએ અમેરિકાની યાત્રા કરી અને ત્યાં પોતાની નૃત્યકલાનું પ્રદર્શન કરી ‘કલાક્ષેત્ર’ માટે ફાળો એકઠો કર્યો. રુકમિણીદેવીની કલાસાધના ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થયેલી હતી.

રુકમિણીદેવીની પ્રતિભાશાળી શિષ્યાઓ શ્રીમતી રાધા અને શારદા ભરતનાટ્યમ્માં નિપુણ છે અને તેમણે રુક્મિણીદેવીની ઉચ્ચ પરંપરા ચાલુ રાખી છે.

કૃષ્ણવદન જેટલી