અરાલવાળા રમણીક બલદેવદાસ

January, 2001

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ પછી છોડી દીધેલું ભણતર શરૂ કરી 1944માં મૅટ્રિક, 1948માં બી. એ. અને 1951માં એમ. એ. 1954માં બી. એડ્. તે પછી શિક્ષક તરીકે 6 વર્ષ કાર્ય કર્યું. ત્યારબાદ 1960માં મોડાસામાં ગુજરાતીના અધ્યાપક. થોડોક સમય અમદાવાદમાં અધ્યાપન. 7 વર્ષ ‘પ્રભાત’માં તેમણે ભાષાંતરકાર તરીકે કાર્ય કર્યું હતું.

1941માં ‘પ્રતીક્ષા’ કાવ્યસંગ્રહ’થી કવિ તરીકે પ્રતિષ્ઠિત. પ્રકૃતિપ્રેમ, દીનજનસમભાવ, માતૃપ્રેમ, વતનપ્રેમ વગેરે તેમના પ્રિય વિષયો. પ્રશસ્ય છંદ-પ્રભુત્વ. પ્રશિષ્ટ કાવ્યરીતિના સર્જક. ‘નગીનાવાડી’ (1941) બાલભોગ્ય કાવ્યોનો સંચય. ‘રસપોળી’(1945)માંયે બાલમાનસને અનુલક્ષતાં કાવ્યો. એમની ગદ્ય-સર્જકતાનો સરસ ચમકારો ‘સાંદીપનિનાં રેખાચિત્રો’(1945)માં જોવા મળે છે. એમની અનુવાદક તરીકેની ક્ષમતાનો પરિચય દેશવિદેશની સાહસકથાઓના સંચય ‘સાહસકથાઓ’(1946)ના તેમજ ટૉલ્સ્ટૉયની બોધક વાર્તાઓના સંચય ‘સાચી જાત્રા’ના અનુવાદમાં મળે છે.

મણિલાલ હ. પટેલ