અરાફત, યાસેર (જ. 24 ઑગસ્ટ 1929, કેરો, ઈજિપ્ત; અ. 11 નવેમ્બર 2004, પેરિસ, ફ્રાન્સ) : 1969થી ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(પી.એલ.ઓ.)ના અધ્યક્ષ અને સંગઠનના સૌથી મોટા જૂથ ‘અલ-ફતહ’ના નેતા. કેરો યુનિવર્સિટીમાં સિવિલ ઇજનેર થયા બાદ કુવૈત સરકારમાં ઇજનેર તરીકે કામ કરેલું અને પોતાની એક પેઢી પણ સ્થાપી હતી. ‘અલ-ફતહ’ના તેઓ સહસ્થાપક રહ્યા હતા. પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનનું અધ્યક્ષપદ પ્રાપ્ત કર્યા બાદ, તેઓ 1971માં પૅલેસ્ટાઇન ક્રાંતિકારી દળોના કમાંડર-ઇન-ચીફ બન્યા અને બે વર્ષ પછી સંગઠનના રાજકીય વિભાગના વડા પણ બન્યા. ત્યારબાદ તેમણે લશ્કરી સંઘર્ષ અને આતંકવાદને બદલે રાજકીય સમજાવટનો માર્ગ અપનાવ્યો. નવેમ્બર, 1974માં તેઓ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની ખુલ્લી બેઠકનો બિનસરકારી સંગઠન(પી.એલ.ઓ.)ના પ્રતિનિધિ તરીકે સંબોધન કરનાર સૌપ્રથમ નેતા હતા. પશ્ચિમ કરતાં પૂર્વના દેશો સાથેના તેમના સંપર્કો વધારે ગાઢ રહ્યા હતા.
1982ના આરંભથી અરાફતે પૅલેસ્ટાઇનવાસીઓના રાષ્ટ્રવાદી જંગના સર્વમાન્ય નેતા તરીકેનું માન ગુમાવવા માંડ્યું હતુ. પી.એલ.ઓ.નાં અન્ય જૂથો દ્વારા તેમની ટીકાઓ થઈ. અને તેમના ઉપર લશ્કરી હુમલા પણ થયા. સીરિયા પણ અરાફતનું ટીકાકાર રહ્યું છે. ઇઝરાયલે લેબનન પર આક્રમણ કરતાં અરાફતને ઑગસ્ટ, 1982માં બૈરૂતમાંનું વડું મથક છોડવું પડ્યું હતું. તેમણે ટ્યૂનિસિયામાં નવું થાણું સ્થાપ્યું. 1983માં તેઓ લેબનન પરત આવ્યા પણ, સંગઠનમાંના બળવાખોરોએ તેમના અને તેમના ટેકેદારો પર હુમલા કરતાં એ જ વર્ષમાં એમણે ફરીથી લેબનન છોડ્યું હતું.
ઇઝરાયલે કબજે કરેલા પૅલેસ્ટાઇનના પ્રદેશમાં આરબોના સતત વિરોધ અને શાંત પ્રતિકાર (ઇતિફાદા) સામે ઇઝરાયલે દમન અને હિંસાનો આશરો લેતાં અરાફતે 15 નવેમ્બર, 1988ના રોજ અલ્જિયર્સમાં સ્વતંત્ર પૅલેસ્ટાઇનના રાજ્યની ઘોષણા કરી. આ જાહેરાતની સાથે અરાફતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ પસાર કરેલા ઠરાવો 242 (1967) તથા 338 (1973) માન્ય કર્યા, એટલે કે, ઇઝરાયલને માન્યતા આપવાની તૈયારી જાહેર કરી તેમજ અહિંસાત્મક અભિગમ અપનાવવાની પણ જાહેરાત કરી. પી. એલ. ઓ.ની પૅલેસ્ટિનિયન નૅશનલ કાઉન્સિલ દ્વારા સૂચિત પૅલેસ્ટાઇન રાજ્યના પ્રમુખ તરીકે અરાફતની વરણી કરવામાં આવી હતી.
એશિયા-આફ્રિકાના ભારત સહિત ઘણા દેશોએ નવા રાજ્યને માન્યતા આપી. રશિયા તથા ચીને પણ તેને ટેકો આપ્યો, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધન કરવાની અરાફતની મહેચ્છાને અમેરિકાએ વીઝા ન આપીને નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યો; પરંતુ સામાન્ય સભાએ તેની કારકિર્દીમાં પ્રથમ વાર અમેરિકાની બહાર જિનીવામાં તેનું ખાસ અધિવેશન બોલાવ્યું. તેથી અરાફત તેને સંબોધી શક્યા. આ પછી દુનિયાના જનમતને લક્ષમાં લઈને અમેરિકાની સરકારે અરાફતની સાથે મંત્રણાઓ કરવાની તૈયારી બતાવી પૅલેસ્ટાઇનના નવા રાજ્યને ઠેર ઠેરથી ટેકો મળી રહ્યો છે અને અરાફતની શાન્તિ અને સમજૂતીભરી નીતિ આવકાર પામી રહી છે.
1993માં ઇઝરાયલ અને પૅલેસ્ટાઇનની પારસ્પરિક સ્વીકૃતિની ઐતિહાસિક શાંતિ વાટાઘાટોમાં તેમણે ભાગ લીધો. આ વાટાઘાટો હેઠળ ગાઝાપટ્ટી અને જેરિકો વિસ્તાર પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનના અંકુશ હેઠળ આવ્યા. ભાવિમાં જન્મનાર પૅલેસ્ટાઇન રાજ્યના વડા તરીકે તેઓ ફરીથી 1994માં નિમાયા. 1995માં વેસ્ટબૅંક વિસ્તારમાંથી ઇઝરાયલી દળો હઠાવી લેવામાં આવે તેવો કરાર તેમણે કર્યો. ઇઝરાયલી વડાપ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા બાદ પણ તેમણે 1996ના સમગ્ર વર્ષ દરમિયાન ઇઝરાયલ સાથે પોતાના શાંતિપ્રયાસો ચાલુ રાખ્યા. અગાઉ ઇઝરાયલના અંકુશ હેઠળનું વેસ્ટબક નગર પૅલેસ્ટાઇનના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યું. 1996માં 90 ટકા મત મેળવીને તેઓ પૅલેસ્ટિનિયન નૅશનલ કાઉન્સિલના પ્રમુખ ચૂંટાયા.
1994માં અરાફત અને તે સમયના ઇઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રેબીન અને વિદેશમંત્રી શિમોન પિયર્સ ત્રણેયને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે એનાયત થયેલું. 1999ના મે માસ સુધીમાં પૅલેસ્ટાઇનને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય ઘોષિત કરવાની તેમની ઇચ્છા હતી જે શક્ય બની શકી નથી. ત્યાર પછી પણ તેમણે આવી જાહેરાતનું સપ્ટેમ્બર, 2000માં પુનરાવર્તન કર્યું હતુ.
દેવવ્રત પાઠક