અરાની જાનોસ (જ. 2 માર્ચ, 1817, નાગીઝલોન્ટા, હંગેરી; અ. 22 ઑક્ટોબર, 1882, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા, હંગેરી) : હંગેરીનો મહાન કવિ. ખેડૂત કુટુંબમાં જન્મ. ડેબ્રેસેનની શાળામાં ભણતો હતો ત્યાં વચ્ચેથી ભણતર છોડીને એક પ્રવાસી નાટકમંડળીમાં જોડાયો. 1847માં તેણે લોકપ્રિય ‘ટોલ્ડી’મહાકાવ્ય લખી જનતાની પ્રીતિ સંપાદન કરી. એ કાવ્યમાં રાષ્ટ્રીય સાહિત્યના પ્રભાવક ગુણો હતા. કવિ સેંડોર પેટોફીએ અરાનીની પ્રશંસા કરતું ગીત લખ્યું. બંને કવિઓ આજીવન મિત્રો બની રહ્યા. 1848માં અરાનીએ હંગેરિયન ક્રાંતિમાં ભાગ લીધો અને થોડો સમય ખેડૂતો માટેના અખબારનું સંપાદન કર્યું. ક્રાંતિ દબાઈ જતાં શિક્ષણના ક્ષેત્રમાં ગયા. 1858માં તેઓ હંગેરિયન અકાદમીના સભ્ય તરીકે ચૂંટાયા. તે પછી તેમણે પેસ્ટમાં વસવાટ કરી એક સાહિત્યિક સામયિકનું  સંપાદન કર્યું. અકાદમીના પ્રથમ મંત્રી અને પછી (1870માં) તેના સેક્રેટરી જનરલ તરીકે તેઓ ચૂંટાયા. તેમનું મહાકાવ્ય કાવ્યત્રિપુટી છે. તેમાં ત્રણ દીર્ઘકાવ્યો (1) ટોલ્ડી (1847), (2) ટોલ્ડી ઝરેલ્મે (1848-49, ટોલ્ડીનો પ્રેમ) અને (3) ટોલ્ડી એસ્તેજે (1854, ટોલ્ડીની સાંજ) સમાવેલાં છે. સોળમી સદીના પેટર ઇલોસ્વૈ સેલિમેસે પદ્ય-આખ્યાન લખેલું. તેમાંથી નાયક ટોલ્ડીનું પાત્ર લીધું છે. પ્રથમ કાવ્યમાં ટોલ્ડીના રાજદરબાર સુધી પહોંચવાનાં પરાક્રમો, બીજામાં તેનો કરુણાંત પ્રેમ અને ત્રીજામાં રાજા સાથે સંઘર્ષ અને મૃત્યુની વાત છે. મૃત્યુ પહેલાં લખેલ ‘ઓઝિકેક’ કાવ્યમાં એકલતા અને ધ્યેયની અપૂર્ણતાથી પ્રેરિત વેદના પ્રગટ થયેલી છે. તેણે બીજું મહાકાવ્ય લખવું શરૂ કર્યું હતું. પરંતુ કેવળ તેનો એક જ ભાગ લખાયો : ‘બુડાના રાજા’નું મૃત્યુ (1864). અરાનીની સમગ્ર કૃતિઓ છ ગ્રંથોમાં (1951-52) પ્રગટ થઈ છે.

Székely arany jános

અરાની જાનોસ

સૌ. "Székely arany jános" by Zello | CC BY-SA 4.0

કૃષ્ણવદન જેટલી