અયિલિષ (Ayilises) : ગંધાર પ્રદેશનો શક રાજા. તેણે ઈ. સ. 28થી 40 સુધી શાસન કર્યું હતું. એ વંશના અય પહેલા સાથે તેના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી તે અય પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હોવાનું જણાય છે. તેના અને અય બીજાના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી સમજાય છે કે તેણે શરૂઆતમાં તેના પિતા સાથે અને છેવટમાં પુત્ર સાથે સંયુક્તપણે રાજ્ય કરેલું. તેના સિક્કા પર દેખા દેતી ગજલક્ષ્મી દેવીની આકૃતિ હિંદુ દેવતાને વિદેશી સિક્કા પર પ્રથમ વાર સ્થાન મળ્યાની સૂચક છે.
પ્રવીણચંદ્ર પરીખ