અમેરિશિયમ (Am : americium) : આવર્ત કોષ્ટકના III B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીનું સંશ્લેષિત વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. પરમાણુક્રમાંક 95, પરમાણુભારાંક 243 [સ્થિર સમસ્થાનિક (isotope) અર્ધ આયુ 7,370 વર્ષ]. અન્ય સમસ્થાનિકોના ભારાંક 237થી 246ના ગાળામાં. બધાં જ વિકિરણધર્મી અને માનવસર્જિત હોય છે. કુદરતમાં અમેરિશિયમ મળી આવતું નથી.
સીબર્ગ, ઘીઓર્સો, જેઇમ્સ અને મૉર્ગને 1944માં પ્લૂટોનિયમ 239 ઉપર હીલિયમ આયનોનો મારો ચલાવી Am–241 પ્રાપ્ત કર્યું. તે ગુણધર્મ પ્રમાણે ઍક્ટિનાઇડ શ્રેણીનાં અનુયુરેનિયમ તત્વોમાંનું એક છે. અમેરિશિયમ ટ્રાયફ્લોરાઇડનું બેરિયમ વડે રિડક્શન કરી અમેરિશિયમ ધાતુ મેળવવામાં આવે છે.
2AmF૩ + 3Ba → 2Am + 3BaF2
ચાંદી જેવી ધાતુ. α પ્રકાર દ્વિનિકટગ્રથિત ષટ્કોણીય (double close packed hexagonal) સંરચના ધરાવે છે. ઘનતા 13.67, સંક્રમણબિંદુ (transition point) 1,074° સે. β-પ્રકાર ફલકકેન્દ્રિત ઘન (face centred cubic) સંરચના ધરાવે છે. ગલનબિંદુ 1,175° સે., ઑક્સિડેશન આંક +3, +4, +5, અને +6 છે. સંયોજનોમાં AmO2 (તપખીરિયો, સૌથી વધુ સ્થાયી), Am2O3 (લાલ તપખીરિયો), AmCl૩ (ગુલાબી), AmBr૩ અને AmF4 (બદામી), અને AmF૩ જાણીતા છે.
જલીય દ્રાવણમાં સૌથી વધુ સ્થાયી ઑક્સિડેશન-આંક +3 છે, જેમાં દ્રાવણ ગુલાબી રંગનું હોય છે. સાંદ્રતા વધતાં રંગ પીળો થતો જાય છે. +4 સ્થિતિ ફક્ત ઘન અવસ્થામાં જોવા મળે છે. +5 અને +6 આંક ધરાવતાં અમેરિશિયમનાં સંયોજનો દ્રાવણ-સ્વરૂપમાં મળે છે અને તે દ્વિઑક્સિજનેટેડ (doubly oxygenated) હોય છે. તેમના આયનનું સામાન્ય સૂત્ર AmO2+n છે, જેમાં Am(V) માટે n = 1 અને Am(VI) માટે n = 2 હોય છે. ષટ્સંયોજક (hexavalent) અમેરિશિયમ મંદ પરક્લૉરિક અથવા નાઇટ્રિક ઍસિડમાં પીળો અથવા આછો તપખીરિયો, ફ્લૉરાઇડમાં લીલો અને સલ્ફ્યુરિક ઍસિડમાં ઘેરો તપખીરિયો રંગ બતાવે છે. બાયકાર્બોનેટકાર્બોનેટ દ્રાવણમાં બનતા સંકીર્ણના આયનનો રંગ ઘેરો લાલ હોય છે. અમેરિશિયમ સારું અતિવાહક છે.
તેમાંથી પ્રબળ γ–કિરણો નીકળતાં હોવાને લીધે કેટલાક પ્રકારનાં માપનનાં ઉપકરણોમાં તેમજ વિકિરણશાસ્ત્ર(radiology)માં પ્રદર્શક (tracer) તરીકે અને હાડકામાં ખનિજ પદાર્થોના પૃથક્કરણમાં નિદાન-સહાયક (diagnostic aid) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
જ. ચં. વોરા