અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી

January, 2001

અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (1917) : અમેરિકા અને કૅનેડાના ક્વેકર્સે સ્થાપેલી સમાજસેવા અને સુલેહ-શાંતિનું કામ કરતી સંસ્થા. સમિતિનાં નાણાકીય સાધનો વ્યક્તિઓ, પ્રતિષ્ઠાનો અને કેટલીક વાર તે જે દેશોમાં કાર્યક્રમો ચલાવે તેની સરકારો પાસેથી આવે છે. તેનું વડું મથક ફિલાડેલ્ફિયામાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવાના વિકલ્પ તરીકે ઍમ્બ્યુલન્સ એકમો અને રાહત યોજનાઓ ચલાવીને સંસ્થાએ મહત્વની કામગીરી બજાવેલી. બીજા વિશ્વયુદ્ધમાં માનસિક રોગોની હૉસ્પિટલોમાં સેવા બજાવીને તેમજ અન્ય માનવતાવાદી કાર્યો કરીને સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રને વ્યાપક બનાવ્યું હતું. શાંતિના સમયમાં તે સામુદાયિક વિકાસ, અમેરિકામાં જાતિઓ વચ્ચે સુલેહની સ્થાપના, સ્થળાંતરિત મજૂરોને સહાય, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સહાય અને નિર્વાસિતોમાં રાહત જેવાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં કલ્યાણકાર્યો કરે છે. તેનો સ્વૈચ્છિક આંતરરાષ્ટ્રીય સેવા સોંપણી(Voluntary International Service Assignments)નો કાર્યક્રમ અમેરિકાનાં શાંતિદળો માટે નમૂનારૂપ બન્યો હતો. બ્રિટનની ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલની સાથે આ સંસ્થાને 1947નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.

હેમન્તકુમાર શાહ