અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ

January, 2001

અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ (AFLCIO) : ધંધાવાર કામદારોને સંગઠિત કરવાના સિદ્ધાંત ઉપર 1886માં સ્થપાયેલું અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર (A. F. L.) અને ઉદ્યોગવાર કામદારોને સંગઠિત કરનાર 1935માં સ્થપાયેલ કાગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ(C.I.O.)ના જોડાણ દ્વારા 1955માં રચાયેલું અમેરિકાનાં સ્વાયત્ત મજૂર મંડળોનું મહામંડળ.

દર બે વર્ષે મહામંડળનું અધિવેશન મળે છે, જેમાં તેમના સભાસદોની સંખ્યા પ્રમાણે સભ્યમંડળોનું પ્રતિનિધિત્વ હોય છે. મહામંડળની કારોબારી વર્ષમાં ત્રણ વાર મળતી હોય છે, જેમાં પ્રમુખ, ખજાનચી અને 27 ઉપપ્રમુખો હોય છે. 27 ઉપપ્રમુખો જે તે મજૂર મંડળના પ્રમુખ હોય છે. તેમાંથી છ ઉપપ્રમુખોની એક સમિતિ ખજાનચી અને પ્રમુખ સાથે નીતિવિષયક બાબતોની ચર્ચા કરવા માટે અવારનવાર મળે છે. આ ઉપરાંત દરેક જોડાયેલ મજૂર મંડળના એક મુખ્ય અધિકારી અને કારોબારી સમિતિની બનેલી સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછી એક વાર મળે છે.

જોડાયેલાં મંડળો અને સંગઠન સમિતિઓ દ્વારા અપાતા માથાદીઠ ફાળા પર મહામંડળ નભે છે. મહામંડળ મુખ્યત્વે કામદારશિક્ષણ, ઔદ્યોગિક વિવાદો અને કામદારોને લાભદાયી કાયદાઓ માટે રાજકીય સમર્થન ઊભું કરવાનું કાર્ય કરે છે. વિદેશોમાં તે કામદારોને પ્રશિક્ષણ આપવા માટેના અભ્યાસક્રમો ચલાવે છે, તેમજ વિદેશી મજૂર નેતાઓને અમેરિકામાં પણ પ્રશિક્ષણ આપે છે. જોડાણ અગાઉ વ્યક્તિગત ધોરણે બંને સંગઠનો રાજકીય પ્રભાવ ધરાવતાં હતાં.

હેમન્તકુમાર શાહ