અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. તેઓ 1939થી 1949 દરમિયાન પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી હતા. તે પછી 1949થી 1973 સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભૂજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી હતી. છેલ્લે રાજકોટમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. મૅટ્રિક સુધીના અભ્યાસ બાદ 1939માં ગઝલલેખનનો આરંભ કર્યો. તેમના અનેક ગઝલસંગ્રહો બહાર પડ્યા છે. ‘શૂળ અને શમણાં’ (1954), ‘રંગ’ (1960), ‘રૂપ’ (1967), ‘ઝાંય’ (1982), ‘અગ્નિ’ (1982) અને ‘ગઝલ નામે સુખ’ (1984). તેમની સમગ્ર કાવ્યરચનાઓનો સંચય ‘આઠોં જામ ખુમારી’ (1994) પણ પ્રકાશિત થયો છે. ‘ઘાયલ’ શયદાની પરંપરાથી પરિચિત તો છે જ, પણ 1960 પછી બદલાયેલી પદ્ધતિને પણ તેમણે સફળપણે અપનાવી છે. ગઝલનો તળપદી ગુજરાતી ભાષા સાથે સંબંધ કરાવી આપવાનું શ્રેય એમને આપી શકાય. સૌરાષ્ટ્રની બોલીનું ખમીર, મીઠો કટાક્ષ અને તોછડાઈ વગરનું ગરવાપણું ‘ઘાયલે’ ગઝલોમાં વિશિષ્ટ રીતે ઉપયોગમાં લીધાં છે. ‘મલીર’, ‘ફાટેલો પ્યાલો’, ‘મભમ’ ‘ઓળઘોળ’, ‘હચુડચુ’, ‘બોલકી’, ‘બરકે’, ‘પળોજણ’, ‘વગોણાં’ વગેરે સંખ્યાબંધ તળપદા શબ્દોને કારણે ગુજરાતી ગઝલ ઉર્દૂ-ફારસીની પકડમાંથી મુક્ત થતી લાગે છે.

‘ઘાયલ’ એક શબ્દના કાફિયાનો ઉપયોગ કરતા હતા. એ રીતે શ્રુતિસામ્ય ધરાવતા અનેક શબ્દોનો આસાનીથી ગઝલના મિજાજને ઉપસાવવામાં એકસાથે ઉપયોગ કરે છે. ગઝલનો કેફ જાળવીને અભિવ્યક્તિની કલાત્મકતાનાં વિભિન્ન પાસાંઓનો ઘાયલે એમની ગઝલોમાં વિશેષ રીતે વિનિયોગ કરેલો દેખાય છે. ઉત્તમ ગઝલસર્જન માટે અમૃત ઘાયલને ગુજરાત સાહિત્ય સભા તરફથી 1993નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

ચન્દ્રકાન્ત મહેતા