અમૃતબજાર પત્રિકા : ભારતીય અંગ્રેજી દૈનિક પત્ર. કલકત્તા તથા લખનૌથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1868માં પશ્ચિમ બંગાળના જેસોર શહેરમાં તુષારકાન્તિ ઘોષ તથા તરુણકાન્તિ ઘોષે કરેલી. શરૂઆતમાં એ બંગાળી સમાચારપત્ર હતું. 1869માં બંગાળી પત્રમાં બે કૉલમ અંગ્રેજીમાં છાપવાનું શરૂ કર્યું. 1871માં એની કચેરી જેસોરથી કલકત્તા ખસેડી અને ત્યાંથી દ્વિભાષી સમાચારપત્ર મટી એ ફક્ત અંગ્રેજીમાં જ પ્રગટ થવા લાગ્યું. એણે થોડા જ સમયમાં દેશનાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સમાચારપત્રોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. 1979માં એની લખનૌથી પણ આવૃત્તિ પ્રગટ થવા લાગી છે. અમૃતબજાર પહેલેથી જ રાષ્ટ્રવાદી પત્ર રહ્યું છે. બંગભંગ આંદોલનમાં એ પત્રે ક્રાંતિકારીઓની બિરદાવલી ગાઈને બ્રિટિશ સરકારની ખફગી વહોરેલી. એના પર પ્રતિબંધ પણ મુકાયેલો.

ચન્દ્રકાન્ત મહેતા