અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર.અમૃત ‘ઘાયલ’નું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ.માતાનું નામ સંતોકબહેન અને પિતાનું નામ લાલજીભાઈ હતું. તેમણે સાત ધોરણ સુધીનું શિક્ષણ તેમના વતન સરધારમાં જ લીધું હતું. તે પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી તેમણે મૅટ્રિક પાસ કર્યું હતું. ત્યારબાદ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં તેમણે પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો હતો. 1939થી 1949 સુધી તેઓ પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રીપદે રહ્યા હતા. 1949થી 1973 સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે તેમણે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા.
અમૃત ‘ઘાયલ’ની ગઝલલેખનની યાત્રા 1939થી શરૂ થઈ હતી. એમની પાસેથી આપણને ‘શૂળ અને શમણાં’ (1954), ‘રંગ’ (1960), ‘રૂપ’ (1967), ‘ઝાંય’ (1982), ‘અગ્નિ’ (1982) અને ‘ગઝલ નામે સુખ’ (1984) જેવા સંગ્રહો પ્રાપ્ત થયા છે. તેમની સમગ્ર કાવ્ય-રચનાઓનો સંચય ‘આઠો જામ ખુમારી’(1994)માં પ્રકાશિત થયો છે.
‘અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.’
મુલાયમ ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ એ ઘાયલસાહેબની ગઝલોની ખાસ વિશેષતા છે. જેમાં જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ પણ જોવા મળે છે. તેઓ શયદાની પરંપરાથી પરિચિત તો છે જ પણ 1960 પછી ગઝલલેખનની બદલાયેલી પદ્ધતિને પણ તેમણે સફળપણે અપનાવી હતી. ગઝલનો તળપદી ગુજરાતી ભાષા સાથે સંબંધ કરાવી આપવાનું શ્રેય પણ એમને ફાળે જાય છે. સૌરાષ્ટ્રી બોલીનું ખમીર, મીઠો કટાક્ષ અને તોછડાઈ વગરનું ગરવાપણું વગેરેને એમણે વિશિષ્ટ રીતે ખપમાં લીધાં છે. ‘મલીર’, ‘ફાટેલો પ્યાલો’, ‘મભમ’, ‘ઓળઘોળ’, ‘હચુડચુ’, ‘બોલકી’, ‘બરકે’, ‘પળોજણ’, ‘વગોણાં’ વગેરે સંખ્યાબંધ તળપદા શબ્દોને કારણે ગુજરાતી ગઝલ ઉર્દૂ અને ફારસીની પકડમાંથી મુક્ત વિહાર કરતી જોવા મળે છે.
અમૃત ‘ઘાયલ’ એક શબ્દના કાફિયાનો ઉપયોગ કરતા હતા. એ રીતે શ્રુતિસામ્ય ધરાવતા અનેક શબ્દોનો ગઝલના મિજાજને ઉપસાવવામાં આસાનીથી ઉપયોગ કરતા હતા. ગઝલનો કેફ જાળવીને અભિવ્યક્તિની કલાત્મકતાનાં વિભિન્ન પાસાંઓનો ઘાયલે એમની ગઝલોમાં વિશેષ રીતે વિનિયોગ કરેલો દેખાય છે. ઉત્તમ ગઝલસર્જન માટે અમૃત ઘાયલને ગુજરાત સાહિત્ય સભા તરફથી 1993નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
ચન્દ્રકાન્ત મહેતા