અમૃત ઔર વિષ (1956) : હિન્દી નવલકથા. અમૃતલાલ નાગરકૃત આ નવલકથાને 1956ની શ્રેષ્ઠ હિન્દી કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સામાજિક નવલકથામાં, સમાજના બધા જ વર્ગનાં પાત્રો લઈને, સાંપ્રત કાળમાં કેટલું અમૃત છે અને કેટલું વિષ છે, તેનું વિશ્લેષણ કરેલું છે. માનવી સમાજથી વિખૂટો પડી ગયો છે અને એ સામાજિક પ્રાણી મટીને આજે કેવળ વ્યક્તિ જ રહી ગયો છે, તેને લેખક પુન: સમાજ જોડે સંકલિત કરવા માગે છે. વ્યક્તિ અને સમાજના સમન્વયમાં બધી સામાજિક સમસ્યાઓનો ઉકેલ છે એમ તેઓ માને છે. એટલે વ્યક્તિ અને સમાજ બંનેની સાપેક્ષતા દર્શાવી છે. હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કર્યો હોવાથી આ કૃતિ રસપ્રદ બની છે.
ચન્દ્રકાન્ત મહેતા