અમૂલ ડેરી : આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની ઉત્તમ ડેરી. ઓગણીસ સો પિસ્તાલીસના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરી, પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું. પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ-ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા તા. 4થી જાન્યુઆરી, 1946ના દિવસે મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપદે સામરખા મુકામે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ; પરંતુ આવી સહકારી પ્રવૃત્તિની સફળતા આડે અસંખ્ય અવરોધક પરિબળો હતાં. ત્રિભોવનદાસ પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્નો કર્યા, જેના પરિપાક રૂપે નડિયાદ મુકામે મળેલ જિલ્લા બૉર્ડની સભામાં ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની નોંધણી થઈ અને એશિયાની મહાન સહકારી ડેરી ‘અમૂલ’નો જન્મ થયો!

1લી જૂન, 1948ના દિવસે દૈનિક 225 લિટર દૂધના પાશ્ચુરીકરણની ક્ષમતા સાથે ડેરીની શરૂઆત થઈ. સંસ્થાને યુનિસેફ દ્વારા રૂ. આઠ લાખ તથા ન્યૂઝીલૅન્ડ સરકાર તરફથી રૂ. ત્રણ લાખનાં આધુનિક યંત્રો ભેટ રૂપે મળ્યાં. મુંબઈ સરકારે પણ રૂ. દસ લાખનું ધિરાણ કર્યું. છ વર્ષના ટૂંકા ગાળામાં ડેરીમાં દૂધની આવક વધતાં દૂધ પાશ્ચુરીકરણ યંત્રની ક્ષમતા, 45,000 લીટર કરવી પડી. દૂધ-ઉત્પાદકોની વફાદારી, ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા બાહોશ નિષ્ણાતના પુરુષાર્થના ફળ રૂપે અમૂલે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.

આજે તો અમૂલ ડેરી સાથે લગભગ 989 જેટલી દૂધ-ઉત્પાદક સહકારી મંડળીઓ સંલગ્ન છે; જેના 5,59,000થી પણ વધુ સભાસદો ડેરીને દૂધ પૂરું પાડે છે, જેથી અમૂલની દૂધ સંભાળવાની ક્ષમતા નવ લાખ લિટર પર પહોંચેલી છે. આણંદથી આઠ કિમી.ના અંતરે મોગર ખાતે અમૂલ ચૉકલેટ તથા બાલઆહાર બનાવવાનું કારખાનું, મહેમદાવાદ તાલુકામાં ખાત્રજ ચોકડી પાસે દૈનિક 20 મેટ્રિક ટન (20 ટન) ચીઝ બનાવવાનો પ્લાન્ટ, તથા કણજરી ખાતે દૈનિક 250 મેટ્રિક ટન(250 ટન)ની ક્ષમતાવાળું અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

અમૂલમાંથી પાશ્ચુરીકરણ થયેલ દૂધ રેલવે-ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોને પણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત દૂધની પેદાશો જેવી કે પાઉડર, માખણ, ઘી, કેસીન, ચીઝ વગેરેનું ઉત્પાદન નિયમિત ધોરણે કરી ભારતનાં શહેરોમાં ગ્રાહકો માટે તથા લશ્કરમાં સૈનિકોના ઉપયોગ માટે વેચાણ કરવામાં આવે છે. 1997-98ના વર્ષ દરમિયાન અમૂલે 24 કરોડ લિટરથી પણ વધુ દૂધ એકત્ર કરેલું, જેમાંથી 6 કરોડ લિટર દૂધ પાશ્ચુરીકરણથી સાચવીને પ્રવાહી દૂધ તરીકે વેચાણ કરવામાં આવેલું અને બાકીના દૂધમાંથી  કેટલીક અન્ય પેદાશો બનાવવામાં આવેલી.

અમૂલની આ કામગીરી ઉપરાંત તે પોતાના દૂધ-ઉત્પાદકોને દૂધ-વેચાણ મારફત વધારે આવક કેમ થાય તેનું હંમેશાં ધ્યાન રાખે છે. આ માટે ખેડૂતોને ગાયો-ભેંસો ખરીદવા સહકારી બૅંકો દ્વારા ધિરાણ આપવું, દૂધ-ઉત્પાદન વધારવા માટે વાજબી ભાવે દાણ પહોંચાડવું, વિના મૂલ્યે પશુ-સારવાર આપવી, કૃત્રિમ વીર્યદાન અને સંકરણ દ્વારા સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવાં તથા વિસ્તરણ સેવાઓ દ્વારા ઢોરનાં ઉછેર, માવજત અને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાની સેવાઓ પણ અમૂલ બજાવે છે.

અમૂલે ડેરી ઉદ્યોગ પરત્વે આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં અગ્રસ્થાન અપાવ્યું છે. આ કારણે જ ભારતનાં અન્ય રાજ્યો તથા પડોશી દેશોમાં ‘અમૂલ પૅટર્ન’ પર ડેરી ઉદ્યોગનો વિકાસ શરૂ કરવામાં ખૂબ જ રસ દાખવવામાં આવી રહ્યો છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો ફાળો અવિસ્મરણીય છે.

જયંતીભાઈ મોહનલાલ દવે

પ્રમોદભાઈ નાગરદાસ ઠાકર

રાઘવભાઈ વલ્લભભાઈ મિયાણી