અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમિયાન બંધાયેલ સાલાર અને સંજાર અલ-જાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત છે. કેરોમાં બંધાયેલાં મકાનો પૈકી જેમાં ત્રણ માળ જુદા જુદા આકારના હોય તેવો મિનારો આ પહેલો છે. તે વખતનાં સૌથી સુશોભિત મકાનોમાં આની ગણના થઈ શકે. હજીરાની બાજુની ઇમારતો કદાચ હજીરા બંધાયા પછી ધાર્મિક ઉપયોગમાં લેવાઈ હોય તેવું માની શકાય, કારણ કે તેના બાંધકામમાં ધાર્મિક મકાનોમાં રાખવામાં આવતી શિસ્તબદ્ધ પ્રણાલી જોવામાં નથી આવતી.
રવીન્દ્ર વસાવડા