અમીન, ઈદી (જ. 17 મે 1925, કોબોકો, યુગાન્ડા; અ. 16 ઑગસ્ટ 2003, રિયાધ, સાઉદી અરોબિયા) : આખું નામ અહ્મીન દાદા ઈદી. વતન : કોબોકો. યુગાન્ડાના કાકવા જાતિના મુસ્લિમ. યુગાન્ડાના ભૂતપૂર્વ લશ્કરી વડા તેમજ રાષ્ટ્રપ્રમુખ. ખાસ શિક્ષણનો અભાવ. શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ સૈન્યમાં જોડાયેલા અને તેની સાથે બીજા વિશ્વયુદ્ધમાં પહેલાં બ્રહ્મદેશમાં અને ત્યારપછી કેનિયાના માઉમાઉના બળવા(1952-56)ના પ્રસંગે લડેલા. 1952થી 1956નાં વર્ષો દરમિયાન તેમણે મુક્કાબાજી(boxing) તથા ફૂટબૉલની રમતોમાં નામના પ્રાપ્ત કરેલી.
1962માં યુગાન્ડા સ્વતંત્ર થયું તે પહેલાં તે ઉચ્ચ અમલદારનું પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. શરૂશરૂમાં યુગાન્ડાના પહેલા વડાપ્રધાન મિલ્ટન ઑબોટે સાથે તેમને ખૂબ સારા સંબંધો રહ્યા અને 1966/70 દરમિયાન તેઓ લશ્કર તેમજ હવાઈ દળના વડા બન્યા; પરંતુ ત્યારબાદ તેમના ઑબોટે સાથેના સંબંધો વણસ્યા અને 1971માં તેમણે લશ્કરી બળવો કરીને ઑબોટેને પદભ્રષ્ટ કર્યા. પછી તેમને માટે આગળ વધવાનું આસાન હતું. 1971માં દેશના સૈન્યના વડા, અને ૧૯૭૫માં ‘ફિલ્ડમાર્શલ’ થયા. 1976માં આજીવન રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો ધારણ કર્યો.
યુગાન્ડામાં સર્વેસર્વા થયા પછી તેમણે સરકારની બધી જ સત્તા અને શાસનનાં બધાં જ સૂત્રો પોતાને હસ્તક લઈ લીધાં અને મન ફાવે તે રીતે સત્તાનો દોર ચલાવ્યો. ક્યારેક સુંવાળી અને હળવાશભરી તો ક્યારેક ક્રૂર અને ઘાતકી નીતિ અનુસરતાં તેઓ ખચકાતા નહિ. તેમની સંકુચિત, અસહિષ્ણુ અને મનસ્વી નીતિના કારણે તેમણે દેશમાં ભય અને આતંકનું વાતાવરણ ફેલાવ્યું. યુગાન્ડાની કેટલીક જાતિઓના ત્રણ લાખ જેટલા લોકોની તેમણે કતલ કરાવી હતી. 1972માં અમીને એશિયાવાસીઓની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરાવી હતી, જેને પરિણામે યુગાન્ડાના અર્થકારણને ગંભીર ધક્કો પહોંચ્યો હતો. 1976માં ઍર ફ્રાન્સના ઉતારુ વિમાનનું અપહરણ કરવામાં ઈદી અમીને ભાગ ભજવ્યો હતો. પાછળથી એન્ટેબ વિમાનમથક ઉપર છાપો મારી ઇઝરાયલે ઉતારુઓને છોડાવ્યા હતા.
ઈદી અમીનના જુલ્મી શાસનથી કંટાળીને 1978-79માં યુગાન્ડાનાં રાષ્ટ્રીય સૈન્યો તથા પાડોશી રાજ્ય તાન્ઝાનિયાનાં સૈન્યો હુમલો કરીને જ્યારે પાટનગર કંપાલા સુધી પહોંચ્યાં ત્યારે ઈદી અમીન નાસી છૂટ્યા હતા. પછીથી લિબિયા અથવા સાઉદી અરેબિયામાં તેમણે આશરો લીધો હતો.
દેવવ્રત પાઠક