અમરનાથ : કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ તથા શક્તિપીઠ. શ્રીનગરના ઈશાને 138 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં 3,825 મીટરની ઊંચાઈ પર નિસર્ગનિર્મિત ગુફામાં તેનું સ્થાનક છે. ભૌગોલિક સ્થાન 340 13´ ઉ. અ. અને 750 31´ પૂ. રે. 45 મીટર ઊંચી ગુફામાં શ્રાવણ શુક્લ પૂનમના દિવસે આ શિવલિંગ પૂર્ણત્વ પામે છે ત્યારે તેની ઊંચાઈ આશરે 4 મીટર જેટલી હોય છે. શ્રાવણ શુક્લ પ્રતિપદાથી તેની વધવાની શરૂઆત થાય છે અને શ્રાવણ વદ પ્રતિપદાથી ઘટવાની શરૂઆત થતાં અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ, સંગીન બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરમાંનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફના બે બીજા વિગ્રહ બને છે જે પાર્વતી તથા ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. તે પંજનખી તરીકે ઓળખાય છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચઢાવે છે. ગુફાની આજુબાજુમાં લિડ્ડાર ખીણની પર્વતમાળા છે, જે મોટાભાગે બરફથી આચ્છાદિત હોય છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં ભેગા થાય છે. શ્રાવણ સુદ પાંચમના દિવસે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે, છડી મુબારક સાથે તેને અગ્રસ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (1) શ્રીનગરથી 65 કિમી. પર આવેલ પહેલગામથી ચંદનવાડી (16 કિમી.), શેષનાગ (26 કિમી.) અને પંચતરણી (38 કિમી.) થઈને અમરનાથ. આ રસ્તો યાત્રામાર્ગ તરીકે ઓળખાય છે. (2) શ્રીનગરથી 61 કિમી. પર આવેલ બાલથાલથી અમરનાથ. આ માર્ગ ટૂંકો છતાં વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે.

અમરનાથ ગુફામાં બરફનું શિવલિંગ

અમરનાથ એ હિંદુઓનું તીર્થસ્થાન હોવા છતાં તેની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી તેની કુલ આવકનો અમુક હિસ્સો આજે પણ આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે.

પ્રચલિત માન્યતા અનુસાર જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી અન્ય યાત્રાઓ અધૂરી ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે