અમરચંદ્રસૂરિ (1224)

January, 2001

અમરચંદ્રસૂરિ (1224) : વાયડગચ્છના વિદ્વાન જૈનાચાર્ય અને અલંકારશાસ્ત્રી. તેઓ અલંકાર ઉપરાંત છંદ, વ્યાકરણ અને કાવ્યકલામાં પારંગત હતા. તેમણે ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલ અને તેમના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલના શાસનકાળ દરમિયાન અરિસિંહ નામના વિદ્વાને લખેલ કવિશિક્ષા વિષેનો ‘કાવ્યકલ્પલતા’ ગ્રંથ પૂર્ણ કરેલો. તેઓ શીઘ્રકવિ હતા.

કાવ્યકલ્પલતા પર તેમણે વૃત્તિ લખી છે. એમાં ચાર પ્રતાન (ખંડ), અને દરેક પ્રતાનની અંદર અનેક સ્તબક (અધ્યાય) છે. વિષય ક્રમશ: (1) છન્દ:સિદ્ધિ, (2) શબ્દસિદ્ધિ, (3) શ્લેષસિદ્ધિ અને (4) અર્થસિદ્ધિ છે. ‘અલંકારપ્રબોધ’, ‘જિનેન્દ્રચરિત’ (પદ્માનંદ) કાવ્ય’, ‘બાલભારત’, ‘સ્યાદિશબ્દસમુચ્ચય’ (વ્યાકરણશાસ્ત્રીય ગ્રંથ), ‘છન્દોરત્નાવલી’, ‘કાવ્યકલ્પલતાપરિમલ’, ‘સૂક્તાવલી’, ‘કલા-કલાપ’ વગેરે તેમની અન્ય રચનાઓ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા