અમરકોશ : સંસ્કૃત ભાષાનો પ્રાચીન શબ્દકોશ. લેખક અમરસિંહ. સહેલાઈથી યાદ રહે તે માટે કોશની છંદોબદ્ધ રચના કરેલી. તેનું વાસ્તવિક નામ અમરસિંહે ‘નામલિંગાનુશાસન’ આપેલું. તેમાં નામ અર્થાત્ સંજ્ઞા અને તેના લિંગભેદનું અનુશાસનશિક્ષણ છે. તેમાં અવ્યયો છે, પણ ધાતુ (ક્રિયાપદ) નથી. આ કોશમાં સાધારણ શબ્દો સાથે અપરિચિત લાગે તેવા શબ્દો ભરપૂર છે. દેવદ્રયંગ, વિશ્વદ્રયંગ જેવા દુર્ગમ તથા નમસ્યા (નમાજ-પ્રાર્થના) જેવા ઋગ્વેદના શબ્દો પણ છે. છુરિકા, ઢક્કા, ગર્ગરી જેવા પ્રાકૃત શબ્દોનો પણ સમાવેશ કર્યો છે. લગભગ 1,500 શ્લોકોમાં દસ હજાર નામ છે. વિવિધ પદાર્થોના વર્ગાનુસાર તેમાં ત્રણ કાંડ છે. પહેલા કાંડમાં સ્વર્ગવર્ગ, વ્યોમવર્ગ, દિગ્વર્ગ, કાલવર્ગ, ધીવર્ગ, શબ્દાદિવર્ગ, નાટ્યવર્ગ, પાતાલભોગિવર્ગ, નરકવર્ગ અને વારિવર્ગનો સમાવેશ છે. બીજા કાંડમાં ભૂમિવર્ગ, પુરવર્ગ, શૈલવર્ગ, વનૌષધિવર્ગ, સિંહાદિવર્ગ, મનુષ્યવર્ગ, બ્રહ્મવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ અને શૂદ્રવર્ગ આવે છે. ત્રીજા કાંડમાં વિશેષ્યનિઘ્નવર્ગ, સંકીર્ણવર્ગ, નાનાર્થવર્ગ, અવ્યયવર્ગ અને લિંગાદિ સંગ્રહવર્ગ છે. શબ્દના અર્થ સાથે તેના લિંગની માહિતી તેમાં મળે છે. તેમાં પદપૂરક શબ્દો સ્યાત્, ભવેત્ વગેરે આવે છે. આ કોશ પર પચાસ ટીકાઓ લખાઈ છે. તેમાં ક્ષીરસ્વામીની ‘અમરકોશોદઘાટન’, બૃહસ્પતિ રાયમુકુટમણિની ‘અમરકોશપંજિકાપદ-ચંદ્રિકા’ (1431) અને ભાનુ દીક્ષિતની ‘વ્યાખ્યાસુધા’ અથવા ‘રામાશ્રમી’ (સત્તરમી સદી) વિશેષ પ્રસિદ્ધ છે. અગ્નિપુરાણમાં એક કોશ છે તે જાણે અમરકોશની સંક્ષિપ્ત આવૃત્તિ સમાન છે. અગ્નિપુરાણમાં કેટલાંક શ્લોકો અને ચરણ અમરકોશમાંથી ફેરફાર વિના લીધેલાં છે. ‘મેદિની’ કોશમાં સાડા ચાર હજાર શબ્દ છે. ‘હલાયુધ’ કોશમાં આઠ હજાર શબ્દ છે, જ્યારે અમરકોશમાં દસ હજાર શબ્દ છે. આથી આ કોશ પંડિતોમાં તેમજ વિદ્યાર્થીવર્ગમાં વિશેષ પ્રચલિત છે.

અમરકોશ અમરસિંહ નામના લેખકે લખેલો સંસ્કૃત ભાષાનો ઘણો પ્રાચીન શબ્દકોશ છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ઉજ્જયિની નગરીમાં ગુણરાત નામના વિદ્વાને તેનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો એટલે ઈ. સ.ની પાંચમી સદીમાં મૂળ ગ્રંથ લખાઈ ગયો હશે. વળી 8મી સદીમાં જિનેન્દ્રબુદ્ધિએ ‘કાશિકાવિવરણપંજિકા’માં અને 9મી સદીમાં ‘અમોઘવૃત્તિ’માં અમરકોશના ઉલ્લેખો કર્યા છે. 11મી સદીમાં ક્ષીરસ્વામીએ આ કોશ પર પહેલી ટીકા અમરકોશોદઘાટન નામની રચી છે. ત્યાંથી આરંભી છેક 18મી સદી સુધીમાં તેના પર પચાસથી વધુ ટીકાઓ લખાઈ છે. તે અમરકોશની લોકપ્રિયતાની પારાશીશી છે. બધી ટીકાઓમાં 11મી સદીમાં લખાયેલી ક્ષીરસ્વામીની ‘અમરકોશોદઘાટન’, ઈ.સ. 1431માં લખાયેલી રાયમુકુટમણિની ‘અમરકોશપંજિકાપદચંદ્રિકા’ અને 17મી સદીમાં ભાનુ દીક્ષિતે વાઘેલા વંશના રાજા કીર્તિસિંહની આજ્ઞાથી લખેલી ‘રિામાશ્રમી’ ઉર્ફે ‘વ્યાખ્યાસુધા’ એ ત્રણ ખૂબ જ જાણીતી છે. સંસ્કૃત ભાષાના વિશ્વકોશ જેવા ગ્રંથ અગ્નિપુરાણમાં જે શબ્દકોશ આપવામાં આવ્યો છે તે અમરકોશની જ સંક્ષિપ્ત આવૃત્તિ લાગે છે અને તેમાં કેટલાક શ્લોકો તો ફેરફાર કર્યા વિના જ સ્વીકારેલા છે. અમરકોશના પ્રારંભમાં વિશેષ દેવોનાં નામોની ગણનામાં પ્રથમ દેવ તરીકે બુદ્ધનાં નામો અમરસિંહે ગણાવ્યાં હોવાથી તે બૌદ્ધધર્મી હોવાનું વિદ્વાનો માને છે. કેટલાક વિદ્વાનો તેમને રાજા વિક્રમાદિત્યના દરબારનાં નવરત્નોમાં ગણે છે.

અમરકોશનું મૂળ શીર્ષક ‘નામલિંગાનુશાસનકોશ’ એવું છે, પરંતુ લેખકનું નામ અમરસિંહ હોવાથી તથા સંસ્કૃત ભાષાના પાંચસો શબ્દકોશોમાંથી આજ સુધી આ કોશ અમર રહ્યો હોવાથી તેનું અમરકોશ એવું નામ જાણીતું રહ્યું એવું પણ અનુમાન છે. તે ત્રણ કાંડોનો બનેલો હોવાથી તેને ‘ત્રિકાંડકોશ’ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. આટલા બધા કોશોમાં સાડા ચાર હજાર શબ્દો ધરાવતા મેદિનીકોશ કે આઠ હજાર શબ્દો ધરાવતા હલાયુધકોશ જેવા શબ્દકોશો કરતાં દસ હજાર શબ્દો ધરાવતા અમરકોશનું સ્થાન ચઢિયાતું હોય એ સ્વાભાવિક છે.

ત્રણ કાંડોમાં વહેંચાયેલા આ કોશમાં પ્રત્યેક પેટાવિભાગને આપેલું નામ ધરાવતી વસ્તુ અને તેની સાથે સંબંઘ ધરાવતી વિવિધ વસ્તુઓનાં નામો અને તેના પર્યાયો શ્લોકમાં રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ સ્વરાદિ નામનો કાંડ નવ પેટાવિભાગોનો –વર્ગોનો બનેલો છે. તેમાં (1) સ્વર્ગ-વર્ગમાં 68 શ્લોકો, (2) વ્યોમદિગ્વર્ગમાં 36 શ્લોકો, (3) કાલવર્ગમાં 31 શ્લોકો, (4) ધીવર્ગમાં 17 શ્લોકો, (5) શબ્દાદિવર્ગમાં 25 શ્લોકો, (6) નાટ્યવર્ગમાં 39 શ્લોકો, (7) પાતાલભોગિવર્ગમાં 11 શ્લોકો, (8) નરકવર્ગમાં 3 શ્લોકો અને (9) વારિવર્ગમાં 43 શ્લોકો છે. આમ પ્રથમ કાંડમાં કુલ 281 શ્લોકો છે. બીજા ભૂમ્યાદિકાંડમાં દસ વર્ગો છે. તેમાં (1) ભૂમિવર્ગમાં 18 શ્લોકો, (2) પુરવર્ગમાં 20 શ્લોકો, (3) શૈલવર્ગમાં 8 શ્લોકો, (4) વનૌષધિવર્ગમાં 170 શ્લોકો, (5) સિંહાદિવર્ગમાં 43 શ્લોકો, (6) નૃવર્ગમાં 139 શ્લોકો, (7) બ્રહ્મવર્ગમાં 58 શ્લોકો, (8) ક્ષત્રિયવર્ગમાં 121 શ્લોકો, (9) વૈશ્યવર્ગમાં 111 શ્લોકો, (10) શૂદ્રવર્ગમાં 46 શ્લોકો છે. આમ બીજા કાંડમાં કુલ 735 શ્લોકો છે. ત્રીજા સામાન્યકાંડમાં પાંચ વર્ગો છે. તેમાં (1) વિશેષ્યનિઘ્ન (એટલે વિશેષણ શબ્દોના) વર્ગમાં 112 શ્લોકો, (2) સંકીર્ણ (બાકી રહેલા શબ્દોના) વર્ગમાં 42 શ્લોકો, (3) નાનાર્થ (એટલે અનેકાર્થી શબ્દોના) વર્ગમાં 256 શ્લોકો, (4) અવ્યયવર્ગમાં 23 શ્લોકો અને (5) લિંગાદિસંગ્રહવર્ગમાં (એટલે શબ્દનું લિંગ નક્કી કરનારા નિયમોના વર્ગમાં) 46 શ્લોકો છે. આમ ત્રીજા કાંડમાં કુલ 480 શ્લોકો છે. અમરકોશમાં કુલ 1,497 શ્લોકોમાં દસ હજાર જેટલા શબ્દો રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 57 જેટલા ક્ષેપક શ્લોકો પણ અમરકોશમાં મળે છે.

‘અમરકોશ’ની 1896માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિનું મુખપૃષ્ઠ

પર્યાય શબ્દો સાથે રજૂ કરતા આ કોશનો ફાયદો એ છે કે કવિને જેવો અને જેવડો શબ્દ જોઈએ તે તરત મળી રહે છે. ફક્ત અનેકાર્થી શબ્દોને શબ્દના અંતિમ વ્યંજનના ક્રમે ગોઠવવામાં આવ્યા છે. પ્રત્યેક શબ્દને તેનું વિભક્તિનું રૂપ મૂકીને રજૂ કર્યો હોવાથી તેના લિંગનું જ્ઞાન થાય છે. તેમાં પણ એક જ લિંગ ધરાવતા શબ્દોને સાથે મૂકવામાં આવ્યા છે. तु કે अथ શબ્દ એમ સૂચવે છે કે હવે બીજા લિંગના શબ્દો શરૂ થાય છે. ક્યારેક पूम्, स्त्री, नपुंसक વગેરે શબ્દો મૂકીને શબ્દનું લિંગ બતાવ્યું છે. અવ્યયોને એક જ વર્ગમાં મૂક્યા છે અને અંતે શબ્દનું લિંગ નક્કી કરવાના નિયમો પણ આપ્યા છે. આથી તેનું નામલિંગાનુશાસન નામ તદ્દન યોગ્ય છે. વરરુચિ, વ્યાડિ, ભાગુરિ, વાચસ્પતિ, ધન્વંતરિ જેવા પુરોગામીઓના કોશો કાં તો લિંગજ્ઞાન આપનારા અથવા તો નામોનું જ્ઞાન આપનારા હતા. અમરસિંહે સર્વપ્રથમ નામ અને લિંગ બંનેનું જ્ઞાન આપનારો શબ્દકોશ રચ્યો હોવાથી તેનું નામ ‘નામલિંગાનુશાસન’ આપ્યું છે. આ કોશમાં પરિચિત અને અપરિચિત સંસ્કૃત ભાષાના શબ્દોની સાથે વૈદિક સંસ્કૃત ભાષાના અને પ્રાકૃત ભાષાના શબ્દો પણ જોવા મળે છે.

પ્રાચીન ભારતીય પદ્ધતિથી સંસ્કૃત ભાષા ભણનારા વિદ્યાર્થીઓને પાણિનીય અષ્ટાધ્યાયી અને અમરકોશ બંને મુખપાઠ કરાવવામાં આવતાં. એમને માટે એ માતાપિતા સમાન હતાં. માટે ‘अष्टाध्यायी गन्मातामरकोशो जगत्पिता’ એવી ઉક્તિ પ્રચલિત બનેલી. જગતના પિતા ગણાયેલા અમરકોશમાંથી આચાર્ય હેમચંદ્ર જેવા અનુગામીઓએ ‘અભિધાનચિંતામણિ’ વગેરે રચવા પ્રેરણા મેળવેલી છે. અમરકોશની લોકપ્રિયતાની ચરમસીમા Roget નામના વિદ્વાને સર્વપ્રથમ thesaurus લખવાની પ્રેરણા અમરકોશ પાસેથી મેળવી એમાં રહેલી છે. આ સદીના પ્રારંભમાં મહાદેવ શિવરામ ગોળેએ अमरसार એવા નામે અમરકોશનો સંક્ષેપ કર્યો છે. અમરકોશનાં આજ સુધીમાં અનેક સંસ્કરણો થયેલાં છે. તે પૈકી મહત્ત્વનાં સંસ્કરણો નીચે મુજબ છે :

(1) ઈ. સ. 1896માં મહેશ્વરની અમરવિવેક નામની સંસ્કૃત ટીકા સાથે રઘુનાથ શાસ્ત્રી તળેકરનો મુંબઈ સરકારે પ્રસિદ્ધ કરેલો અમરકોશ, (2) કાશી સંસ્કૃત ગ્રંથમાળામાંથી ભટ્ટોજિ દીક્ષિતના પુત્ર ભાનુ દીક્ષિતે લખેલી સંસ્કૃત ટીકા ‘વ્યાખ્યાસુધા’ અથવા ‘રામાશ્રમી’ સાથે પ્રગટ થયેલો અમરકોશ વગેરે.

કૃષ્ણવદન જેટલી

પ્ર. ઉ. શાસ્ત્રી
વિ. પ્ર. ત્રિવેદી