અમદાવાદ ઍસોસિયેશન : બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા સ્થપાયેલું મંડળ. સ્થાપના અમદાવાદમાં 1872માં. તે ‘બૉમ્બે ઍસોસિયેશન’ની શાખા તરીકે કામ કરતું હતું. તે બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા માગતું હતું. તેના તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શિક્ષિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય તે પ્રકારની માગણીઓ પણ થઈ હતી. પરંતુ તેના સભ્યો જોઈએ તેટલા સક્રિય ન હોવાથી 1879 સુધી જ તેનું અસ્તિત્વ રહ્યું. ‘ગુજરાત સભા’(1884)ની સ્થાપનાની પૂર્વભૂમિકા રચવામાં આ ઍસોસિયેશને ઠીક ફાળો આપ્યો હતો.
ર. લ. રાવળ