અભિવ્યક્તિ

January, 2001

અભિવ્યક્તિ : સૌન્દર્યના પર્યાયરૂપે વિચાર કે ભાવનો શાબ્દિક આવિષ્કાર. વિચારની શાબ્દિક અભિવ્યક્તિ એ કાવ્ય-સૌન્દર્યનો પર્યાય છે. સિસેરો એને શબ્દોની વિચારો સાથેની સાવયવ એકતા તરીકે ઓળખાવે છે. યુરોપમાં પુનર્જાગૃતિકાળમાં કવિતાનો અભિવ્યક્તિ સાથેનો સંબંધ જી. ફ્રાકોસ્ટોરોએ ‘નૉગેરિયસ’માં સમજાવ્યો છે. ‘સ્વ-નિર્દેશન દ્વારા સુપેરે અભિવ્યક્તિ સિદ્ધ કરવી એ જ આ કવિનો ઉદ્દેશ હોવો જોઈએ’  એવું કથન તેમાં છે. સત્તરમી સદીમાં વાગ્મિતા-સિદ્ધાંતમાંથી વિકસતું અને તર્કશાસ્ત્રના દ્વંદ્વના સિદ્ધાંતથી પર સૌંદર્યશાસ્ત્ર જોવા મળે છે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં પોપે કહ્યું. ‘….સાચી અભિવ્યક્તિ અપરિવર્તનશીલ – સૂર્યની જેમ જ જેની ઉપર પડે છે તેને શુદ્ધ અને પ્રકાશિત કરે છે.’ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં રોમૅન્ટિક કવિઓ અભિવ્યક્તિ અને વિચાર વચ્ચે અવિચ્છેદ્ય સંબંધ જુએ છે. ઓગણીસમી સદીના ઘણાખરા વિવેચકો ઊર્મિશીલ અભિવ્યક્તિના સિદ્ધાંતને વિકસાવે છે. કૉલરિજે વિચાર અને અભિવ્યક્તિની સાવયવ એકતા પર ભાર મૂક્યો છે. 1857માં જ્યૉર્જ એલિયટે કહ્યું, ‘કવિ સ્વ-સંવેદનનિષ્ઠ, અંતર્દ્રષ્ટા અને આત્મનિષ્ઠ હોય છે.’ આમાંથી ‘સંવેદનની અંતર્નિષ્ઠા’નો સિદ્ધાંત ઉદભવ્યો. વૉલ્ટર પેટર એના યુગવ્યાપી અભિવ્યક્તિના સિદ્ધાંતને આ રીતે નિરૂપે છે : ‘અંતે સઘળું સૌંદર્ય સુંદરતાની સમુચિતતા પર નિર્ભર છે.’ એને આપણે અભિવ્યક્તિ અર્થાત્ ‘દર્શન’ને અનુરૂપ ‘વર્ણન’ તરીકે ઓળખાવી શકીએ. આર. એલ. નેટલશિપે સાવયવ એકતાના સિદ્ધાંતને પ્રબળ બનાવ્યો. તેના મત પ્રમાણે જ્યાં સુધી ઊર્મિ અભિવ્યક્ત થતી નથી ત્યાં સુધી અનુભૂત થતી નથી. અનુભૂત થયા બાદ એ જુદી રીતે અનુભવાય છે. જ્યાં સુધી તે અનુભૂત ન થાય ત્યાં સુધી આપણે તેને અભિવ્યક્તિ તરીકે ઓળખાવી શકીએ નહિ. 1870માં યૂજિન વેરોને સમગ્ર યુરોપમાં અભિવ્યક્તિવાદી સૌંદર્યશાસ્ત્રને પ્રસરાવ્યું. તેના શબ્દોમાં ‘કળા એ સૌંદર્યનો આવિષ્કાર છે. રેખા, રૂપ, ચેષ્ટાઓ, સૂર અને લયબદ્ધ શબ્દો આદિનાં અભિવ્યંજનાત્મક ઉપાદાનોના વિન્યાસ દ્વારા અર્થઘટનાત્મક અભિવ્યક્તિ સિદ્ધ થાય છે.’ 1893માં ક્રોચે ‘એસ્થેટિક્સ’માં કહે છે; ‘કવિતા એ ઊર્મિની સીધી અભિવ્યક્તિ નથી, પણ ‘સહજ સ્ફુરણા’ની અભિવ્યક્તિ છે.’ ક્રોચેના મતે ‘સહજ સ્ફુરણા એટલે પાત્ર, સ્થળ, ઘટના કે વાર્તાનું સુગઠિત માનસિક ચિત્ર કે પ્રતિરૂપ દ્વારા અભિવ્યક્ત થતી ઊર્મિ.’ અભિવ્યક્તિના પૂર્વ-સ્વરૂપના સંશ્લેષક તત્વ તરીકે તે અભિવ્યક્તિને ઓળખાવે છે. અભિવ્યક્તિ ન થાય ત્યાં સુધી ઊર્મિ અસ્તિત્વમાં આવતી નથી. ઊર્મિની અભિવ્યક્તિ થાય ત્યારે જ પ્રતિરૂપ (image) અસ્તિત્વમાં આવે છે. ક્રોચેના મત પ્રમાણે હૅમ્લેટ એ વિષાદની મનોદશાની અભિવ્યક્તિ છે. આ અપૂર્વ મનોદશા છે. કવિએ અપનાવેલી શબ્દયોજના દ્વારા જ એનું સંક્રમણ થઈ શકે. પાત્રો, પરિસ્થિતિઓ, ક્રિયા અને પરાકાષ્ઠા બધું જ મૂળ સ્વર અને રંગરેખાની અભિવ્યક્તિ બને છે. સંપૂર્ણ કલાકૃતિમાં તે અસાધ્ય એકતા સિદ્ધ કરી આપે છે. આ મત અનુસાર કવિતાના બધા પ્રકારો મૂળભૂત રૂપે ઊર્મિની અભિવ્યક્તિ સાધે છે, પછી ભલે સાહિત્યપ્રકારની દૃષ્ટિએ તે નાટ્યાત્મક કે કથનાત્મક હોય. તત્વત: બધા સાહિત્યપ્રકારો ઊર્મિગત હોય છે.

ક્રોચેના મત પ્રમાણે અભિવ્યક્તિકર્મ પહેલાં અભિવ્યક્તિના પ્રકારો અસ્તિત્વમાં આવતા નથી. તેથી કોઈ નિશ્ચિત પદાવલી, શૈલીમાળખું, રચનાના સિદ્ધાંત કે રચનાગત સંવિધાન પૂર્વે અસ્તિત્વમાં આવતાં નથી. કાવ્યવિશેષની અપેક્ષાને એમાં અવકાશ નથી. એક અભિવ્યક્તિ-કર્મ બીજા અભિવ્યક્તિ-કર્મ સાથે સંકળાયેલું હોય છે. અન્યોન્યનો ‘કાચી સામગ્રી’ તરીકે તે ઉપયોગ કરે છે. તે પૂર્વ-ભાવકલ્પનું સંશ્લેષણ છે. નવી ઊર્મિને અનુરૂપ નવું સંયોજન થાય છે. તેને સુઘટન સિદ્ધાંત તરીકે ઓળખાવી શકાય. અભિવ્યક્તિનું એકમ વાક્ય હોય છે, શબ્દ નહિ; તેથી વ્યાકરણની દૃષ્ટિએ તેને સમજી શકાય નહિ, પણ અર્થના એકમ તરીકે ઓળખાવી શકાય. ક્રોચે તેને અનુભૂતિના પૂર્વસ્વરૂપના સંશ્લેષણ (a priori synthesis) તરીકે ઓળખાવે છે.

ક્રોચેએ તેના ‘લા પોઅઝી’ (1936) ગ્રંથમાં કાવ્યસિદ્ધાંતનું વિગતવાર નિરૂપણ કર્યું છે. રૂઢ રૂપો અને માળખાંઓ કવિને પૂર્વ અભિવ્યક્તિનું સ્મરણ કરાવે છે. કવિએ આ બધું સંચિત કરવું પડે છે, જેથી વખત આવ્યે તેનો વિનિયોગ કરી શકાય. નાટકનું સંવિધાન કોઈ વખતે અકાવ્યાત્મક પ્રયુક્તિ તરીકે પ્રયોજાય છે. ભિન્ન ભિન્ન ભાવકલ્પોને સાંકળવામાં તે સહાયભૂત થાય છે. આખી રચનાના પ્રાણને હણ્યા વગર ભાગ્યે જ તેનો ઉપયોગ થઈ શકે. તેને કળાના સ્વરૂપ તરીકે જોઈ શકાય નહિ, કેમ કે તે કૃતિ-બાહ્ય છે. આમ ‘સંરચનાત્મક ઘટકો’ કાવ્યો અને નાટકોના ઉદઘાટનાત્મક અંશો, ગ્રીક ટ્રૅજેડીનાં વૃન્દગાન અને ક્રિયા પર પ્રક્ષિપ્ત પાત્રોમાં જોઈ શકાય. વસ્તુ માત્ર પરંપરાગત માળખું છે, જેને આધારે કવિ પોતાની રચનાને સિદ્ધ કરે છે. શેક્સપિયરનાં કથાવસ્તુઓ આ પ્રકારનાં હોય છે. કાવ્યગત અભિવ્યક્તિને અન્ય પ્રકારની અભિવ્યક્તિથી પૃથક્ કરવી પડે છે. ખાસ કરીને વિચારનિરૂપણ કરનારી અભિવ્યક્તિથી આ અભિવ્યક્તિને જુદી પાડવી પડે છે. કલ્પના કરતાં ઊર્મિ સાથે સંબંધિત કોઈ પણ પ્રકારના અભિવ્યક્ત-સ્વરૂપને તે વક્તૃત્વ તરીકે ઓળખાવે છે. એ દૃષ્ટિએ વાગ્મિતા (rhetorics) સાથે તેનો ઊંડો સંબંધ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

મહેન્દ્ર અમીન