અભિવ્યક્તિવાદ

January, 2001

અભિવ્યક્તિવાદ (expressionism) : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, 1910ના અરસામાં અભિવ્યક્તિવાદનો ઊગમ થયો. તેનો વિકાસ લગભગ 1924 સુધી ચાલ્યો. આ હલચલ ઇટાલિયન અને રશિયન ભવિષ્યવાદ (futurism) તથા ઘનવાદ(cubism)ની સમાંતર ચાલી હતી. આ અભિગમ જર્મન ચિત્રકળામાં શરૂ થયો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાટકોમાં પણ વાસ્તવવાદના વિરોધમાં આ વાદ પ્રસારમાં આવ્યો.

સૌપ્રથમ આ સંજ્ઞા 1901માં ફ્રેન્ચ ચિત્રકાર જુલિયન હર્વેએ વાપરી હતી અને સાહિત્યમાં આ સંજ્ઞાનો ઉપયોગ 1914માં ઑસ્ટ્રિયન લેખક હરમાન બાહરે કર્યો હતો. સ્વિડિશ લેખક ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ પ્રથમ અભિવ્યક્તિવાદી નાટ્યકાર તરીકે ઓળખાય છે.

નવા સૌંદર્યશાસ્ત્ર પર ફ્રૉઇડના ‘સ્વપ્નાંનું અર્થઘટન’ (Interpretation of Dreams – 1900)નો સારો એવો પ્રભાવ પડેલો છે. આઇનસ્ટાઇનના સાપેક્ષવાદની, દૉસ્તોએવ્સ્કીની નવલકથાઓની તથા હેનરી બર્ગસૉના તત્વજ્ઞાનની પણ ઠીક ઠીક અસર પડી છે. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં શરૂ થયેલા આધુનિકતાવાદ અને ફ્રાન્સના પરાવાસ્તવવાદ જેવી વિચારસરણીઓ પર અભિવ્યક્તિવાદનો મોટો પ્રભાવ છે.

આ વાદ એ રંગદર્શી (romantic) કલાદૃષ્ટિનું એક સ્વરૂપ છે. તેમાં ભાવના અને લાગણીની અભિવ્યક્તિ અતિશયોક્તિપૂર્ણ હોય છે અને વાસ્તવનું ચિત્રણ અમુક હદે વિકૃત હોય છે. વિન્સેન્ટ વાન ગૉઘે વિધાન કરેલું કે આનંદ, વેદના, ક્રોધ, ભય જેવી મૂળભૂત લાગણીઓને ચીતરવાની કલાકારની ફરજ છે. અભિવ્યક્તિવાદનો તે પાયાનો મત બન્યો છે. અભિવ્યક્તિવાદમાં, વાસ્તવિકતાના સામા છેડે જઈને પણ ઊર્મિઓની ધારદાર રજૂઆત કરવા પર ભાર મુકાયો છે. કલાકાર પોતાની ચેતનાના કેન્દ્રમાંથી જન્મેલું દર્શન તેમાં પ્રગટ કરે છે. પરિણામે બાહ્ય જગત પર કલાકારના દર્શનનું આરોપણ થાય છે.

અભિવ્યક્તિવાદીઓની શૈલી વિસ્ફોટક અને અસંયત હતી, વર્ણનાત્મક નહોતી. તેમણે વાસ્તવવાદની દીવાલો તોડી અને માનવમનના ભીતરને, એની સંકુલતાને, એના સત્યને મુક્ત રીતે રજૂ કરવાના પ્રયત્નો કર્યા છે. વસ્તુસામગ્રીમાં વાસ્તવ અને અદભુતને સેળભેળ કરીને તેઓ વાસ્તવની કઢંગી વિકૃતિ દ્વારા ધારી અસર ઉપસાવે છે.

સ્ટ્રિન્ડબર્ગના ‘A dream Play’(1902)માં સ્વપ્નમાં વેરાયેલા વેરવિખેર પણ તર્કબદ્ધ ટુકડાઓને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વપ્નમાં બધું શક્ય અને સંભવિત છે. ત્યાં સ્થળકાળનાં, વાસ્તવનાં બંધન નડતાં નથી. સ્ટ્રિન્ડબર્ગનાં નાટકોમાં આ વાદનાં મૂળ નખાયાં. એ પછી યુરોપ અને અમેરિકાના નાટ્યકારોએ પણ તેનું ખેડાણ કર્યું. ફ્રાન્ક વેડેકિન્ડ, અર્નસ્ટ ટૉલર, યૂજિન ઓ’નીલ, થૉર્નટન વિલ્ડર, ફૉકનર, જ્યૉર્જ કૈસર, સૅમ્યુઅલ બૅકેટ વગેરેમાં આ વાદની અસર વરતાય છે.

આ વાદની અસર નીચે લખાયેલી કવિતામાં રંગ અને ધ્વનિની પ્રભાવક રજૂઆત જોવા મળે છે. હેઇમ, ઈડિથ સિટ્વલ તથા ક્રિસ્ટોફર મિડલટન જેવા કવિઓએ આ પ્રકારની કવિતા આપી છે.

આ વાદના ચિત્રકારો તથા કવિઓની પ્રેરણાથી સંગીતમાં પણ આ વાદ પ્રવેશ્યો છે. સ્કોનબર્ગે (Schoenberg) આ દિશામાં કામ કર્યું છે.

1924માં જર્મની અને યુરોપમાં પરિસ્થિતિ થાળે પડી, વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વની આશાઓ ભણી લોકોનું ધ્યાન ગયું તેની સાથે અભિવ્યક્તિવાદનો અસ્ત થયો.

યોગેશ જોશી