અભિધા : ‘આ શબ્દમાંથી આ અર્થનો બોધ થવો જોઈએ’, એવા સંકેત અનુસાર પ્રાપ્ત થયેલ વાચ્ય અર્થનું, બોધન કરતી, શબ્દની શક્તિ. આ વાચ્યાર્થ મુખ્યાર્થ ગણાય છે.
યોગ, રૂઢિ, યોગરૂઢિ એ – અભિધાના આ ત્રણ પ્રકાર અનુસાર યૌગિક (‘પાઠક’), રૂઢ (‘મંડપ’), યોગરૂઢ (‘પંકજ’), એ ત્રણ પ્રકારના વાચ્યાર્થ, અનુક્રમે, પ્રાપ્ત થાય છે. ‘રૂઢયૌગિક’ એવા ચોથા પ્રકારનો પણ ઉલ્લેખ મળે છે.
જયાનંદ દવે