અભિધાન-રાજેન્દ્રકોશ

January, 2001

અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો.

આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની પછી તેના સંસ્કૃત પર્યાય, સંસ્કૃત વિવરણ, મૂળ ગ્રંથમાં જે સ્થળે તે આવેલ હોય તેનો નિર્દેશ, અને અન્ય ગ્રંથોમાં જે વિવિધ અર્થમાં તે વપરાયેલો હોય તેની અવતરણો સહિત ચર્ચા આપવામાં આવી છે.

લગભગ 100 ગ્રંથોને આધારે આ કોશની રચના થઈ છે; જેમાં આગમો, આગમો પરની પ્રાકૃત પદ્ય વ્યાખ્યાનિર્યુક્તિઓ અને ભાષ્યો, ગદ્ય વ્યાખ્યા-ચૂર્ણિઓ, તથા અન્ય પ્રાકૃત-સંસ્કૃત ટીકાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, અનેક પ્રકરણગ્રંથો, જેવા કે  હરિભદ્રસૂરિકૃત અનેકાન્ત-જયપતાકા, પંચાશકકરણ, યોગબિંદુ, લલિતવિસ્તર આદિ; યશોવિજયવિરચિત અષ્ટકપ્રકરણ આદિ; હેમચંદ્રાચાર્યવિરચિત પ્રાકૃત વ્યાકરણ, દેશીનામમાલા આદિ તથા કર્મગ્રંથો, જિતકલ્પવૃત્તિ, જ્યોતિષ્કરંડક, પ્રવચનસારોધ્ધાર, રત્નાકરાવતારિકા, મહાનિશીથસૂત્ર તીર્થોદ્ધારપ્રકીર્ણક, લઘુક્ષેત્રસમાસ, ષોડશકપ્રકરણ, સન્મતિતર્ક ટીકા, સેનપ્રશ્ન હીરપ્રશ્ન જેવા જૈન ધર્મ અને દર્શન, આચાર અને કર્મવિચારણા, જૈન ખગોળ-ભૂગોળ અને વિવિધ વિષયને આવરી લેતા પ્રાચીન ગ્રંથોનો પણ આધાર અહીં લેવામાં આવ્યો છે.

સાડાચાર લાખ શ્લોક પ્રમાણ (શ્લોક = 32 અક્ષર) સામગ્રી ધરાવતો આ કોશ જૈન સૈદ્ધાંતિક સાહિત્યના વિશ્વકોશની ગરજ સારે છે.

રમણિકભાઈ મ. શાહ