અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો

January, 2001

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના પ્રવાલખડકો અને ટાપુની વચ્ચે પ્રવાલખડકરચનાને કારણે છીછરી ખાડી તૈયાર થાય છે. કોઈ પણ ખંડ કે ટાપુની નજીકના છીછરા સમુદ્રજળમાં પરવાળાંનાં પ્રાણીઓ અન્ય દરિયાઈ પ્રાણીઓની સહાયથી આ પ્રકારની રચના બનાવે છે. જીવંત પરવાળાં સમુદ્રકિનારાથી 54 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રતરફી બાજુએ વિકાસ પામે છે. આથી વધુ ઊંડાઈ તેમના વિકાસ માટે અનુકૂળ પડતી નથી. ખડકોની પહોળાઈ 800 મીટર કે તેથી વધુ હોઈ શકે છે. પ્રવાલખડકોનો સમુદ્રસપાટી તરફનો ઊર્ધ્વ વિકાસ લઘુતમ ભરતી કે ઓટ સમયની જળસપાટી સુધી થાય છે. પ્રવાલખડકોમાં સમુદ્ર તરફની બાજુનાં પ્રાણીઓ કિનારા તરફનાં પ્રાણીઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે, કારણ કે સમુદ્રતરફી બાજુ પર જીવંત પ્રાણીઓની દરિયાઈ નિક્ષેપમાં ઢંકાઈ જવાની શક્યતા પણ ઓછી હોય છે, તેથી આ પ્રવાલખડકોના સમુદ્રતરફી ભાગનો તેમજ સમુદ્રસપાટી તરફનો ઊર્ધ્વ વિકાસ ઝડપી હોય છે; જ્યારે ખંડતરફી બાજુનો ઊર્ધ્વ વિકાસ ધીમો હોય છે. પરિણામે પ્રવાલખડકોની ખંડતરફી બાજુ સમુદ્રસપાટી સુધી વિકસી શકતી નથી. આ સંજોગોમાં અભિતટીય પ્રવાલખડક અને ખંડ કે ટાપુ વચ્ચેના ભાગમાં ખાડી અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે