અબ્રહામ (ઈ. પૂ. 2300) : યહૂદી ધર્મના પ્રથમ મહાપુરુષ. જૂના ધર્મનિયમ (Old Testament) અનુસાર તેઓ યહૂદી રાજ્યના સ્થાપક હતા. તેમનું મૂળ નામ અબ્રામ હતું. તેઓ હજરત નૂહના વંશજ મનાય છે. તેમના પિતા તેરાહ ઇરાકના ઉર નગરમાં રહેતા અને અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવીને વેચતા અને તેઓ મૂર્તિપૂજા પણ કરતા. અબ્રામ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી અને અનેકેશ્વરને બદલે એક જ ઈશ્વરની ઉપાસનાના હિમાયતી હતા. પુત્રની વાતોથી પ્રભાવિત થઈને તેરાહ ઉર નગર છોડી પુત્ર અબ્રામ અને પુત્રવધૂ સારૈને સાથે લઈ હારાન ચાલ્યા ગયા. ત્યાં તેરાહનું અવસાન થયા બાદ જેહોવા(ઈશ્વર)ની પ્રેરણાથી અબ્રામ તેની પત્ની સાથે હારાન પ્રદેશ છોડીને કનાન(વર્તમાન ઇઝરાયલ)માં આવી વસ્યા. તેઓ એકપત્નીવ્રતધારી, સત્યપરાયણ અને નીતિપરાયણ હતા. પરંપરાગત અનેકેશ્વરવાદનો ત્યાગ કરીને એકેશ્વરવાદનું દૃઢતાપૂર્વક પાલન કરવાની સાથોસાથ તેનો પ્રચાર પણ કરતા હતા. તેમના પ્રભાવમાં આવતા લોકોને તેઓ પોતાના નવા ધર્મની દીક્ષા પણ આપતા. કનાનવાસીઓ અબ્રામને ‘ઇબ્રી’ કહેતા, કેમ કે તેઓ ઇરાકની દલ્ની અને ફરાત નદીઓને પાર કરીને આવ્યા હતા. ઇબ્રીનો પરિવાર ઇબ્રીસ કહેવાતો અને ઇબ્રીસનું ભ્રષ્ટ રૂપ ‘હીબ્રૂ’ થયું છે. કનાનમાં દુકાળ પડતાં અબ્રામ થોડો વખત ઇજિપ્ત ચાલ્યા ગયા અને સ્થિતિ સુધરતાં ફરીથી પાછા આવી હેબ્રોન પાસે મેમરેના મેદાનમાં સ્થાયી રૂપે રહેવા લાગ્યા. જેહોવાની કૃપાથી નાઇલથી ફરાત નદી સુધીનો અંતર્વર્તી પ્રદેશ તેમના પ્રભાવ નીચે આવી ગયો. અને તેઓ ‘ઇબ્રાહીમ’ એટલે કે ઘણાં રાષ્ટ્રોના પિતા તરીકે ઓળખાયા. અબ્રહામના પ્રપૌત્ર યહૂદાના નામ પરથી સમગ્ર જાતિ યહૂદી તરીકે ઓળખાઈ. યહૂદીઓ અને ખ્રિસ્તીઓના જૂના ગ્રંથોમાં અબ્રહામને ‘ભક્તોના પિતા’ અને ‘પ્રભુના મિત્ર’ કહ્યા છે. અબ્રહામે નાખેલા પાયા પર આગળ જતાં મોઝિઝે યહૂદી ધર્મની વ્યવસ્થિતપણે સ્થાપના કરી.
પ્રવીણચંદ્ર પરીખ