અપસલા (સ્વીડન) : પૂર્વમધ્ય સ્વીડનમાં આવેલું પરગણું અને તે જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 590 52´ ઉ. અ. અને 170 38.0´ પૂ. રે. તે સ્ટૉકહોમથી વાયવ્યમાં 74 કિમી. અંતરે, અસમતળ ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં ફાયરીસન નદીકાંઠે વસેલું છે. આ શહેરની વસ્તી આશરે 2,11,411 (2016) જેટલી છે.
આજના આધુનિક શહેરથી ઉત્તરે 5 કિમી. અંતરે આવેલું ગમલા અપસલા પરું 1257થી 1273 સુધી ઓસ્ત્રા એરોસ તરીકે જાણીતું હતું. તે પ્રાચીન પૂર્વ સ્વીડનનું મુખ્ય મથક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર રહેલું. તેરમી સદીમાં તે મહત્વનું વ્યાપારી કેન્દ્ર બનેલું તથા ધાર્મિક અને રાજકીય પાટનગર પણ રહેલું. સ્ટૉકહોમ રાજકીય કેન્દ્ર બન્યા પછી તેનું મહત્વ ઘટ્યું, પણ સ્વીડનના આર્કબિશપની બેઠક તરીકે 1164થી તે ધાર્મિક કેન્દ્ર તરીકે ચાલુ રહ્યું છે. સ્વીડનનું સૌથી મોટું વિશિષ્ટ બાંધકામવાળું દેવળ અને સોળમી–સત્તરમી સદી દરમિયાન બાંધેલો કિલ્લો અહીં આવેલાં છે. સ્વીડનની સૌથી જૂની યુનિવર્સિટી 1477માં અહીં સ્થપાઈ હતી, જેનું ગ્રંથાલય સ્વીડનનું બીજા ક્રમે સૌથી મોટું છે. 15મી સદીના કથીડ્રલમાં દાર્શનિક ઇમૅન્યુઅલ સ્વીડનબૉર્ગ અને વનસ્પતિવિદ કૅરોલસ લિનીઅસની કબરો આવેલી છે.
1860ના દાયકામાં રેલવેની સ્થાપના થઈ ત્યારથી અપસલા એક ઔદ્યોગિક શહેર બન્યું છે.
હેમન્તકુમાર શાહ