અપવિલયન (exsolution) : દ્રાવણમાંના ઘટકોનું એકબીજાથી આપોઆપ અલગ થવું તે. અતિસંતૃપ્તિને કારણે બે સ્ફટિકમય તબક્કાના અલગીકરણની ઘટનાને દર્શાવવા માટે ઍલિંગે અપવિલયન પર્યાય સૂચવ્યો છે. બે ઘટકો એકબીજામાં ઓગળીને એકરૂપ થતા હોય તેનાથી નીચા તાપમાને દ્રાવણને લાંબો સમય રાખતાં સ્તર (પતરીઓ, lamella) સ્વરૂપે સ્ફટિકીકરણ થાય છે. ખનિજસ્ફટિકી-કરણનો આ રીતે થતો આંતરવિકાસ વિશિષ્ટ પ્રકારની કણરચના(texture)માં પરિણમે છે અને તે સરળતાથી પારખી શકાય છે. કોઈ ખડકમાં આવા બે ઘટકોની હાજરી, તે ખડકની રચનાનું તાપમાન, આ બે ઘટકોનું એકરૂપ મિશ્રણ બનાવવા માટેના જરૂરી તાપમાન કરતાં ઊંચું હોવાની સાબિતી આપે છે. આવાં કેટલાંક જોડકાં તથા તેમનું એકરૂપ મિશ્રણ બનાવવા માટેનાં જરૂરી તાપમાન નીચે આપ્યાં છે :

સોડાફેલ્સ્પાર-આલ્બાઇટ NaAlSi3O8 6500 સે.

પૉટાશ ફેલ્સ્પાર-ઑર્થોક્લેઝ KAlSi3O8 15000 સે.

મૅગ્નેટાઇટ/સ્પિનેલ : 10000 સે.

ઇલ્મેનાઇટ/હેમેટાઇટ : 6000-7000 સે.

આ ઉપરથી ઘણાં ખનિજોના નિર્માણનું તાપમાન નક્કી કરી શકાય છે; દા.ત., એકરૂપ મિશ્રણમાં ઘટકના પ્રમાણનો આધાર તાપમાન ઉપર રહે છે, જેમ કે FeS-ZnS શ્રેણીમાં 2000 સે. FeSના 7 મોલ %, 5000 સે. 18 મોલ % હોય છે. આ રીતે FeSના પ્રમાણ ઉપરથી તે ખડક (ખનિજ) બનતી વખતનું તાપમાન નક્કી કરી શકાય છે. આ કારણે આવાં ખનિજો ભૂસ્તરીય ઉષ્ણતામાપકો તરીકે ઓળખાય છે. (જુઓ ભૂસ્તરશાસ્ત્રીય ઉષ્ણતામાપકો.)

ગિરીશભાઈ પંડ્યા