અપરિગ્રહ (1) : પરિગ્રહની સમાપ્તિ. પરિગ્રહનો શાબ્દિક અર્થ ‘ગ્રહ’ અર્થાત્ ગ્રહણ અથવા સંગ્રહ અને ‘પરિ’ અર્થાત્ એનાથી ઘેરાઈ જવું.
અપરિગ્રહ એ બહુ સૂક્ષ્મ વાત છે. કોઈને એમ લાગે કે વસ્તુ રાખવામાં શું પાપ છે તે અપરિગ્રહને વ્રતમાં સ્થાન આપી દીધું ? સંગ્રહપ્રવૃત્તિની પાછળ લોભ, લાલચ અને ભૌતિક ભોગની ભાવના રહેલી છે. પરિગ્રહને કોઈ સીમા નથી. એમાં સતત વૃદ્ધિ થતી રહે છે અને મનુષ્ય અસંયમી રહે તો માયાજાળ અને કર્મબંધનોમાં સપડાતો જાય છે. આનો અર્થ એ નથી કે આ પ્રગતિયુગમાં આપણે અભાવગ્રસ્ત બનીને જીવીએ અથવા પોતાની યોગ્યતા પ્રમાણે જીવનસ્તર ન રાખીએ. મહત્ત્વની વાત એ છે કે આપણે જે કોઈ જીવનધોરણ ધરાવતા હોઈએ, પરંતુ જીવનદર્શનના રૂપમાં આપણે અનાસક્તિ(અમૂર્છા)નો દૃષ્ટિકોણ નિરંતર આપણી સમક્ષ રાખવો જોઈએ અને ક્યારેય અનિયંત્રિત ઇચ્છાઓના ગુલામ ન બનવું જોઈએ.
વિશ્લેષણાત્મક દૃષ્ટિએ જૈન ધર્મમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે – (1) કર્મ ઉપધિ (2) શરીર ઉપધિ અને (3) ભંડોપકરણ ઉપધિ. આ સર્વ પ્રકારના પરિગ્રહોની પાછળ અસીમિત અને અનિયંત્રિત તૃષ્ણાની ભાવના રહે છે. આસક્તિ અને મોહ-ત્યાગીને અનાસક્તિ તરફ જવા માટે જૈન પુરાણોમાં અનેક સ્થળોએ રસ્તો બતાવવામાં આવ્યો છે અને અપરિગ્રહી બનવાને માટે ઇચ્છા-શક્તિ અને મનોબળ વધારવાનું આહવાન કરવામાં આવ્યું છે.
અતિવ્યસ્ત રાજનૈતિક અને સામાજિક જીવનમાં રહીને પણ મહાત્મા ગાંધી સાદી, સરળ અને સંયમિત જીવનશૈલી પર ચાલ્યા. ગાંધીજીએ મમતાને ત્યાગી અને તૃષ્ણા પર અંકુશ મૂક્યો. તપ અને વ્રત-ઉપવાસથી ઇચ્છાઓનો નિરોધ થાય છે અને પરિગ્રહ ઓછો થતો જાય છે. મુનિઓનાં તપ વધુ સાધનામય અને ત્યાગમય હોય છે. ગૃહસ્થ પોતાની શક્તિ મુજબ પોતાની જાત પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે છે.
પરિગ્રહ મહા મૂર્છા છે, જે અસ્તિત્વની અનુભૂતિને રોકે છે. આત્મસંપદાને અવરોધે છે તેથી અપરિગ્રહને મહાવ્રતમાં ગણ્યું છે. નિશ્ચયનય પ્રમાણે તો કર્મ ગ્રહણ કરવાં એ જ પરિગ્રહ છે. વસ્તુનો ત્યાગ એ તો બાહ્ય ઉપચાર છે – મૂળ વાત છે મમત્વના ત્યાગની – જે અંતરંગ અવસ્થા છે અને પરિગ્રહની મૂર્છા તૂટતાં તે પ્રાપ્ત થાય છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી એ વસ્તુના મોહનો ત્યાગ ન થાય, ત્યાં સુધી કોઈ વસ્તુનો માત્ર ત્યાગ પૂરતો નથી.’
જે પરિગ્રહની વૃત્તિનો ત્યાગ કરે છે, તે જ પરિગ્રહને ત્યાગી શકે છે અને તે જ સાચો અપરિગ્રહી બની શકે છે.
કનુભાઈ શાહ