અપરૂપણ ગુણાંક (shearing modulus) : ઘન પદાર્થ ઉપર અનુપ્રસ્થ (transverse) આંતરિક બળ લાગતાં તેના સ્થિતિસ્થાપક ગુણ ઉપર થતી અસર દર્શાવતો અચલાંક.

ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ A હોય અને સપાટીની સમાંતર દિશામાં લગાડેલ બળ F હોય તો અપરૂપણ પ્રતિબળ (stress) F/A થાય છે. આને પરિણામે થતી અપરૂપણ વિકૃતિ (strain) θ હોય તો,

છેદમાં આવતી અપરૂપણ વિકૃતિ ગુણોત્તરરૂપ અને પરિમાણરહિત છે. આથી અપરૂપણ ગુણાંકનાં પરિમાણો અપરૂપણ પ્રતિબળનાં પરિમાણો જ બને છે, જેને ન્યૂટન/મીટર2 થી દર્શાવાય છે. અપરૂપણ ગુણાંક પદાર્થના અનુપ્રસ્થ વિરૂપણ(deformation)ના વિરોધની ક્ષમતા (ability) દર્શાવે છે. જેમ કે કોઈ પદાર્થને તેની લંબ અક્ષ(axis)થી મરડવામાં આવે તો અનુપ્રસ્થ બળ ખસેડી લેતાં તુરત જ પોતાની વિકૃતિ દૂર કરીને મૂળ સ્વરૂપે આવી જાય તે માટે તેને કેટલો મરડી શકાય તે અપરૂપણ ગુણાંકથી સમજાય છે.

ઍલ્યુમિનિયમનો અપરૂપણ ગુણાંક 2.4 10(10) ન્યૂટન/મીટર(2) છે. ઍલ્યુમિનિયમ કરતાં સ્ટીલ લગભગ ત્રણગણું અધિક દૃઢ (rigid) છે. અપરૂપણ ગુણાંકનો અગાઉ દૃઢતા ગુણાંક તરીકે પણ ઉલ્લેખ થતો હતો.

સુરેશ ર. શાહ