અપભ્રંશ ભાષા અને સાહિત્ય
પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે.
ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં અપભ્રંશ રૂપો હોય છે, જેમ કે ગૌ એ શબ્દનાં ગાવી, ગોણી, ગોતા, ગોપોતલિકા વગેરે અનેક અપભ્રંશ છે.’ આનાથી જણાય છે કે પતંજલિના સમય સુધી અર્થાત ઈસવી સન પૂર્વે 150માં અપભ્રંશ કોઈ વિશેષ ભાષા કે બોલીનું નામ ન હતું, પરંતુ સામાન્ય સંસ્કૃતથી જુદાં પડતાં બધાં સ્વરૂપોને માટે વપરાતું નામ હતું. તે કાળની લોકભાષા, જેને આપણે પ્રાકૃત તરીકે ઓળખીએ છીએ, તે પણ કદાચ સંસ્કૃત વ્યાકરણકારોની દૃષ્ટિએ અપભ્રંશ જ હતી.
પછીથી કાળક્રમે લોકભાષાનું સ્વરૂપ પલટાતું રહ્યું, અશિષ્ટ ગણાતી પ્રાકૃતો સાહિત્યિક રૂઢ સ્વરૂપ પામીને લોકવ્યવહારની ભાષાથી દૂર થતી ગઈ અને શિષ્ટમાન્ય સાહિત્યભાષા ગણાવા લાગી. ત્યારે ભાષાની ત્રિવિધતા અસ્તિત્વમાં આવી – સંસ્કૃત, પ્રાકૃત અને દેશીભાષા. ભરતના નાટ્યશાસ્ત્રમાં ઈસવીસનના પ્રારંભિક શતકોની ભાષાઓ વિશે નોંધપાત્ર માહિતી મળે છે. તેમાં ભાષાના બે મુખ્ય પ્રકાર ગણાવ્યા છે–એક સંસ્કૃત અને બીજી પ્રાકૃત, જે સંસ્કૃતનું અશુદ્ધ કે ભ્રષ્ટ સ્વરૂપ છે. આ પ્રાકૃતના વળી ત્રણ પ્રકાર છે – સમાન, વિભ્રષ્ટ અને દેશી. નાટકનાં પાત્રોએ સંસ્કૃત કે દેશી પ્રાકૃતો કે દેશી ભાષાઓમાંથી કોણે કઈ ભાષા બોલવી તેની સમજણ આપતાં ભરતે સાત દેશી ભાષાઓ ગણાવી છે – માગધી, આવંતી, પ્રાચ્યા, શૌરસેની, અર્ધમાગધી, બાહ્લિકા અને દાક્ષિણાત્યા. આ ઉપરાંત શાબર, આભીર, ચાંડાલ, શકારી, દ્રવિડ, ઓડ્ર અને વનેચરોની પોતાની ભાષાઓ હોવાનું તે જણાવે છે અને તેને વિભાષાઓ તરીકે ઓળખાવે છે. આમ ભરતના સમય સુધીમાં ભાષાના સ્તરો થઈ ગયેલા જણાઈ આવે છે. આમાંની તત્કાલીન વ્યવહારભાષામાંની કોઈ છેલ્લા સ્તરની બોલી આગળ જતાં અપભ્રંશ ભાષાવિશેષ તરીકે ઓળખાઈ.
આ અપભ્રંશ તરીકે પ્રસિદ્ધ થયેલી ભાષા કઈ હોઈ શકે તેની ઝાંખી નાટ્યશાસ્ત્રમાંથી જ મળે છે. ત્યાં પ્રથમ વાર જાણવા મળે છે કે હિમાલય તળેટીના સિંધુ–સૌવીર પ્રદેશના લોકોની ભાષા ‘ઉ’કારબહુલા હતી. તે બધી પ્રાકૃતોમાં માત્ર અપભ્રંશ જ એવી છે જેમાં કર્તાવિભક્તિ અને કર્મવિભક્તિનો પ્રત્યય ‘ઉ’ છે, અને અનેક સ્થળોમાં ‘ઓ’કાર લઘુપ્રયત્ન બની ‘ઉ’કારમાં ફેરવાઈ જાય છે. આ કારણે જુદા જુદા અપભ્રંશોમાં ‘ઉ’કારબહુલતા દેખાય છે. આ રીતે જોતાં ઉત્તર-પશ્ચિમ ભારત અપભ્રંશનું ઉદભવસ્થાન હોય તેમ જણાઈ આવે છે. આ અપભ્રંશ ઉત્તર-પશ્ચિમ ભારતની આદિ જાતિઓની બોલી હોવાના ઉલ્લેખો મળે છે. આ આભીર જાતિનો ઇતિહાસ પૂરેપૂરો મળતો નથી, પરંતુ જેટલો મળે છે તેના આધારે એટલું માનવામાં આવે છે કે આભીરો ઉત્તર-પશ્ચિમ ભારત અને પંજાબમાંથી મધ્યભારત અને દક્ષિણ-પશ્ચિમમાં પહેલીથી ચોથી શતાબ્દી દરમિયાન ફેલાયા હતા. તેમની રાજકીય સત્તા અને વગના કારણે તેમની ભાષાઓનું મહત્ત્વ પણ જરૂર વધ્યું હોવું જોઈએ.
છઠ્ઠી શતાબ્દી સુધીમાં તો અપભ્રંશ એટલી વિકસી ચૂકી હતી કે ભામહ (ઈ. સ. 7મી સદી) અને દંડિન્ (આશરે ઈ. સ. 7મી સદી) જેવા આલંકારિકોએ તેને કાવ્યના વાહન તરીકે સંસ્કૃત અને પ્રાકૃતની સમાન કક્ષાએ મૂકી છે. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજાનું છઠ્ઠા સૈકાનું એક તામ્રપત્ર મળે છે. તેમાં ધરસેનનો પિતા રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ત્રણે ભાષાઓમાં કાવ્યરચના કરવામાં નિપુણ હતો એવો ઉલ્લેખ મળે છે. અપભ્રંશમાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારની રચનાઓ તે કાળે થવા લાગેલી. આગળ જતાં સ્વયંભૂ (ઈ. સ. 9મી સદી પૂર્વે) અને પુષ્પદંત (અનુમાને ઈ. સ. 10મી સદી) જેવા મોટા કવિઓના સમયમાં અપભ્રંશ સાહિત્યનો અદભુત ઉત્કર્ષ સધાયેલો જોવાય છે. આ ગાળા પછી અપભ્રંશ પણ રૂઢ સાહિત્યિક ભાષા બનવા લાગી અને હેમચંદ્રાચાર્ય (ઈ. 12મી સદી) સુધીમાં તે માત્ર સાહિત્યમાં જ રહી ગઈ. ઈસવી સનની છઠ્ઠી શતાબ્દીથી બારમી શતાબ્દી સુધીનો ગાળો અપભ્રંશકાળ ગણી શકાય.
અપભ્રંશનું સ્વરૂપ જોતાં તે અમુક અંશે પ્રાકૃત જ હોવા છતાં તેની પોતાની આગવી અનેક વિશેષતાઓ જણાઈ આવે છે, જે આગળ જતાં અર્વાચીન ભારતીય આર્યભાષાઓમાં પણ ઊતરી આવી છે. અપભ્રંશનું ઉચ્ચારણ મુખ્ય રૂપે પ્રાકૃત ભૂમિકાનું ચાલુ રહ્યું છે. પરંતુ અંત્ય સ્વરોને હ્રસ્વ ઉચ્ચારવાનું પ્રબળ વલણ, અનાદ્ય સ્થાને રહેલ ‘એ–ઓ’નું પણ હ્રસ્વ ઉચ્ચારણ, અનુનાસિક સ્વરોની બહુલતા, નાસિક્ય ‘વ’કાર, બે સ્વર વચ્ચેના ‘સ્’નો ‘હ્’, ‘–વ્વ–’ (પૂર્વસ્વરદીર્ઘત્વ) → ‘વ’ – એ પ્રક્રિયા, પ્રદેશભેદે અધોરેફવાળા સંયુક્ત વ્યંજનો જાળવી રાખવા ને ક્વચિત્ (આદ્યાક્ષરમાં) ‘ર્’કારનો પ્રક્ષેપ આદિ વિગતોમાં અપભ્રંશ પ્રાકૃતથી જુદી પડે છે. રૂપાખ્યાનમાં સાર્વનામિક પ્રત્યયોમાંથી ઊતરી આવેલા પ્રત્યયો નામિક રૂપાખ્યાનમાં પણ સાર્દશ્યબળે વપરાતા થઈ ગયા છે તથા ‘અ’કારાન્ત અંગોની જ પ્રધાનતા થઈ ગઈ. સ્ત્રીલિંગી નામો પણ ‘અ’કારાન્ત બની ગયાં છે. નામિક વિભક્તિઓમાં પ્રથમા, દ્વિતીયા અને સંબોધન વિભક્તિ સમાન બની, તૃતીયા અને સપ્તમી સમાન બની તથા ચતુર્થી, પંચમી અને ષષ્ઠી સમાન બની – આમ લગભગ ત્રણ જ વિભક્તિઓ રહી ગઈ. પરિણામસ્વરૂપ વિભક્તિ-પ્રત્યયોનું સ્થાન સંબંધવાચી શબ્દોએ લઈ લીધું. આ કારણથી ભાષા શ્લિષ્ટતા તરફથી અશ્લિષ્ટતા તરફ આગળ વધવા લાગી – જે આધુનિક ભારતીય આર્યભાષાઓનું પ્રમુખ લક્ષણ છે. આ ઉપરાંત વિભક્તિના વિશિષ્ટ પ્રયોગો, રૂઢિપ્રયોગો અને શબ્દભંડોળમાં દેશ્ય શબ્દોનો વધુ વપરાશ – આ બધી બાબતોમાં પણ અપભ્રંશ પ્રાકૃત કરતાં અર્વાચીન ભાષાઓની વધુ નજીક છે.
અપભ્રંશ ગદ્યસાહિત્ય : અપભ્રંશમાં ઘણુંખરું સાહિત્ય પદ્યમાં જ પ્રાપ્ત થાય છે. તેમ છતાં ઉદ્યોતનસૂરિકૃત ‘કુવલયમાલાકહા’(ઈ. સ. 779)માં આવેલ ગદ્ય ઉલ્લેખનીય છે. આ ગદ્યમાં સંસ્કૃતના તત્સમ શબ્દોનું બાહુલ્ય છે. તેનું કારણ સંસ્કૃત પાઠશાળાનું વાતાવરણ હોઈ શકે. આ ઉપરાંત ‘જગત્સુંદરીપ્રયોગમાલા’ નામનો એક વૈદકીય ગ્રંથ છે. તેના રચનાકાળ સંબંધી 13મી સદીનું અનુમાન કરાય છે. તેમાં કેટલીક જગ્યાએ ગદ્યનો પ્રયોગ મળે છે. ‘પ્રાચીનગુર્જરકાવ્યસંગ્રહ’માં પણ કેટલાંક ગદ્યનાં ઉદ્ધરણો જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે.
આરાધના – ઈ. સ. 1274
અતિચાર – ઈ. સ. 1284
વિદ્યાપતિરચિત કીર્તિલતા – ઈ. સ. 1380
તત્વવિચાર – 14મી સદી
ધનપાલકથા – 14મી સદી
પૃથ્વીચન્દ્રચરિત્ર – 15મી સદી
ઉપર જણાવેલ અપભ્રંશ ગદ્યસાહિત્યનું અવલોકન કરતાં સ્પષ્ટ સમજાય છે કે અપભ્રંશ ગદ્યમાં સંસ્કૃતના તત્સમ શબ્દોનો પ્રયોગ થાય છે. આ પ્રકારના તત્સમ શબ્દોનો પ્રયોગ નવમી શતાબ્દીથી શરૂ થઈ ગયો હતો અને ઉત્તરોત્તર વધતો રહ્યો હતો.
અપભ્રંશ પદ્યસાહિત્ય : સમગ્ર અપભ્રંશ સાહિત્યને પ્રબંધાત્મક કાવ્ય અને મુક્તક કાવ્ય એમ બે ભાગમાં વહેંચી શકાય છે. પ્રબંધાત્મક અપભ્રંશ સાહિત્ય પણ મહાકાવ્ય અને ખંડકાવ્ય એમ બે ભાગમાં વહેંચી શકાય છે.
પ્રબંધાત્મક કાવ્ય : અપભ્રંશ કથાકાવ્યની રચના સામાન્ય રીતે આ પ્રમાણે હોય છે : 1. મંગલાચરણ, 2. આત્મપરિચય, 3. વિનય-પ્રકટન, 4. સજ્જન-દુર્જનવર્ણન, 5. કથાનિરૂપણ, 6. ઉપસંહાર. તત્કાલીન અભિરુચિ પ્રમાણે પ્રબંધકારોએ અક્ષર કરતાં માત્રાવૃત્તનો ઉપયોગ કરી પદ્ધડિયા, દ્વિપદી, ચતુષ્પદી એમ ગેય છંદરચનામાં પ્રબંધની રચના કરી છે. ક્યારેક અભંગ, ચોપાઈ, ધવલ જેવા છંદપ્રકારો પણ નજરે પડે છે.
પ્રબંધકાવ્યનો મુખ્ય ઉદ્દેશ ધર્મપ્રચારનો છે. પુરાણ અને ચરિત તેના બે મુખ્ય પ્રકાર છે. ચરિતના ધાર્મિક અને લૌકિક એમ બે ઉપપ્રકાર પડે છે. પુરાણકાવ્યનું ઉદાહરણ કવિ પુષ્પદન્તનું ‘મહાપુરાણ’ (10મી સદી) છે. પુરાણકાવ્યના નાયકો એક કરતાં વધુ હોય છે. તેઓ શલાકાપુરુષો એટલે કે જૈન પૌરાણિક મહાપુરુષો હોય છે. તેમાં મુખ્ય કથાની અવાંતર અલૌકિક ઘટનાથી યુક્ત આખ્યાનો હોય છે. ત્યાં ઠેકઠેકાણે ધાર્મિક પ્રવચનો અને સ્તૃતિ-સ્તવનોની વિપુલતા જોવા મળે છે.
ચરિતકાવ્યોમાં ધાર્મિકતા રહેલી છે, પરંતુ ઉપકથાનકાદિના સંક્ષેપને કારણે કથાવસ્તુ શિથિલ બની જાય છે. ચરિતકાવ્યના બે પ્રકાર લૌકિક અને ધાર્મિક ચરિતકાવ્ય. લૌકિક ચરિતકાવ્યો કરતાં ધાર્મિક ચરિતકાવ્યોમાં વિશેષ અદભુતતા અને અતિશયોક્તિ રહેલી છે. ત્યાં વૈશ્યપુત્ર કે ક્ષત્રિયકુમાર નાયક તરીકે હોય છે. ધાર્મિક ચરિતકાવ્યના નાયક મુખ્યતયા તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ (રામ) કે વાસુદેવ (કૃષ્ણ) પૈકી કોઈ હોય છે. જૈનમતાનુસાર બલદેવ અને વાસુદેવ ભાઈ ભાઈ છે. ત્યાં વાસુદેવ રાજ્યોપભોગ ભોગવી નરકમાં જાય છે અને બલદેવ વાસુદેવના મૃત્યુ પછી વિરક્ત થઈ દીક્ષા લઈ લે છે, અને ત્યારબાદ મોક્ષપદ મેળવે છે. જૈન રામકથાના બે પ્રવાહ છે. પહેલો કથાપ્રવાહ વાલ્મીકિની રામાયણકથાના આધારે છે. બીજો પ્રવાહ, અદભુત રામાયણના આધારે છે. ત્યાં સીતાને રાવણની કન્યા અને જનકને તેનો પાલનકર્તા માનવામાં આવ્યો છે. બંને કથામાં લક્ષ્મણને અર્ધચક્રવર્તી રાજ્ય કરતો બતાવ્યો છે અને અંતે નરકમાં જતો બતાવ્યો છે.
અપભ્રંશ ભાષામાં પહેલો મહાકવિ ચતુર્મુખ થઈ ગયો. પણ તેનો ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. આઠમા શતકમાં સ્વયંભૂ મહાકવિએ રામકથાના આધારે ‘પઉમચરિઉ’ અને કૃષ્ણકથાના આધારે ‘રિટ્ઠણેમિચરિઉ’ની રચના કરી. વળી ‘સ્વયંભૂ-છંદ’ નામે છંદશાસ્ત્રના એક ગ્રંથની રચના કરી. તેમાં અનેક અજ્ઞાત પ્રાકૃત-અપભ્રંશ કવિની રચનાઓ ઉદ્ધૃત કરેલી છે.
લૌકિક ચરિતકાવ્યના વિભાગમાં દસમી સદીમાં થઈ ગયેલા પુષ્પદંતના ‘ણાયકુમારચરિઉ’ તથા ‘જસહરચરિઉ’નો સમાવેશ થાય છે. તેમાંનાં કાવ્યાત્મકતા અને ભાષા-સૌન્દર્ય ઉલ્લેખનીય છે. દશમા શતકમાં જ થઈ ગયેલા ધનપાલની શ્રુતપંચમી-માહાત્મ્યનું વર્ણન કરનારી ‘ભવિસયત્તકહા’ અત્યંત કાવ્યમય છે. અગિયારમા શતકમાં કનકામરે ‘કરકંડુચરિઉ’ની રચના કરી. તેમાં બૌદ્ધ અને જૈન ધર્મના કરકંડુ નામક પ્રત્યેક બુદ્ધ(સ્વયં બુદ્ધ)ની કથા આપેલી છે. આ કાવ્યમાં અદભુતરમ્ય કથા અને નવ ઉપકથાનું ચાતુર્યપૂર્ણ ગુંફન સ્પષ્ટ જણાય છે. 11મી સદીમાં એક સાધારણ કવિએ અગિયાર સંધિમાં રચેલી ‘વિલાસવઈકહા’ એક સુંદર પ્રેમકથા છે. 12મા શતકમાં ઘાહિલે ‘પઉમસિરિચરિઉ’ની રચના કરી. ઘાહિલ સંસ્કૃત મહાકવિ માઘનો વંશજ ગણાય છે. પ્રસ્તુત રચના કર્મસિદ્ધાંત અને ધર્મ-માહાત્મ્યયુક્ત પ્રેમકથા છે.
12મા શતકમાં ભારતીય આર્યભાષાનો ઉદય થયો કે તરત જ અપભ્રંશ ભાષામાં ચરિતકાવ્યની શરૂઆત થઈ હતી.
ખંડકાવ્ય : ખંડકાવ્યાંતર્ગત અબ્દુલ રહમાનકૃત (12મી–13મી સદીની મધ્ય) એકમાત્ર ‘સંદેશરાસક’ જ ઉપલબ્ધ છે. આ સુખાંત વિપ્રલંભપ્રધાન ખંડકાવ્ય છે. આમાં કુલ ત્રણ પ્રકાશ છે. અહીં પતિવિયોગિની નારીની કથાને આલેખવામાં આવી છે. આ રચનાની વિશેષતા છે કે તેના લેખક મુસલમાન છે. આમાં લોકોક્તિ અને કાવ્યની અલંકૃત શૈલીનો સમન્વય છે.
મુક્તક : મુક્તકના બે ભેદ છે : ગીત મુક્તક અને દોહા મુક્તક. ગીત મુક્તકના ત્રણ પ્રકાર છે : (1) કથાકાવ્યોની અંતર્ગત, (2) ગેય રૂપમાં અને (3) પદોના રૂપમાં.
ગેય રૂપમાં ત્રણ રચનાઓનો સમાવેશ થાય છે : ‘ચર્ચરી’, ‘ઉપદેશરસાયનરાસ’ અને ‘કાવ્યસ્વરૂપકુલકમ્’. આ ત્રણે ખરતરગચ્છીય જૈનાચાર્ય જિનદત્તસૂરિની રચનાઓ છે.
‘ચર્ચરી’ વિભિન્ન રાગોમાં નિબદ્ધ ગેય કાવ્ય છે. આમાં આચાર્ય જિનવલ્લભની સ્તુતિ છે. જૈન સાધુ સામૂહિક રૂપમાં આ આચાર્યની ભક્તિરૂપે ‘ચર્ચરી’નું ગાન કરતા હતા.
‘ઉપદેશરસાયનરાસ’ 80 પદ્યોનું ગેય કાવ્ય છે. આમાં મુખ્યત્વે શ્રાવકોના માટે સાધારણ ઉપદેશ છે.
‘કાવ્યસ્વરૂપકુલકમ્’નો મુખ્ય વિષય અવસર્પિણીકાલની નિંદા છે.
દોહાકાવ્યના બે પ્રકાર છે : દોહાકોશ અને સ્ફુટ. દોહાકોશમાં સાવયધમ્મ દોહા, પરમાત્મ-પ્રકાશ, પાહુડદોહા, બુદ્ધગાન વગેરેમાં ઉગ્ર ક્રાન્તિવાદી આધ્યાત્મિક વિચારધારા છે.
અપભ્રંશ સાહિત્યમાં સ્ફુટ દોહામુક્તક વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હેમચંદ્રાચાર્યે એમના ‘સિદ્ધહૈમ’ નામના પ્રાકૃત વ્યાકરણમાં, પ્રચલિત અપભ્રંશ ભાષાના કેટલાક દુહાઓ આપ્યા છે. દુહામાં રચાયેલાં એ મુક્તકોમાં ભાવવૈવિધ્યનો તથા ભાવનિરૂપણની શબ્દશક્તિનો સુભગ પરિચય થાય છે; જેમ કે,
વાયસુ ઉડ્ડાવન્તિએ પિઉ દિટ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધ ફુટ્ટ તડન્તિ.
આ શૃંગારનું મુક્તક છે. એક વિરહિણી કાગડાને ઉડાડતી હતી ત્યાં સહસા એણે પિયુને દીઠો. એ વિરહથી એટલી સુકાઈ ગઈ હતી કે એનાં અર્ધાં વલય કાંડામાંથી સરી જમીન પર પડ્યાં ત્યાં પિયુને જોયો એટલે સુકાયેલાં કાંડાં હર્ષથી ફૂલ્યાં. તેથી વલય તડતડ તૂટ્યાં.
બીજા એક દુહામાં એક વીરાંગનાનો પતિ રણમાં મરાયો છે એ ખબર એની સખીને આપતાં એ કહે છે :
ભલ્લા હુઆ જુ મારિયા બહિણિ મહારા કન્તુ,
લજ્જેજ્જં તુ વયસિઅઅહું જઈ ભગ્ગા ઘરિ એન્તુ.
બહેન ! મારો પતિ રણમાં માર્યો ગયો એ સારું થયું, કારણ કે જો ભાગીને પાછો ઘેર આવત તો મારે મારી સખીઓ આગળ લાજી મરવું પડત.
વિષયની દૃષ્ટિએ આ દુહાનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં થાય છે : 1. શૃંગાર, 2. વીરરસ અને 3. ધર્મ-ઉપદેશ.
સંધિકાવ્ય : જેમ સંસ્કૃત મહાકાવ્ય સર્ગોમાં અને પ્રાકૃત મહાકાવ્ય આશ્વાસોમાં વિભક્ત થાય છે તેમ અપભ્રંશ મહાકાવ્ય ‘સંધિ’ નામક ભાગોમાં વિભક્ત થાય છે. અપભ્રંશનું ઉપલબ્ધ સાહિત્ય જોવાથી એ વાતની તરત જ પ્રતીતિ થાય છે કે અધિકતર અપભ્રંશ મહાકાવ્યો ‘સંધિબદ્ધ’ કે ‘સંધિબંધ’ છે. આ ‘સંધિબંધ’ મહાકાવ્યનું લઘુ સ્વરૂપ તે સંધિકાવ્ય છે. સંધિકાવ્યનું બાહ્ય સ્વરૂપ ‘સંધિબંધ’ જેવું જ છે. ધ્રુવક એટલે સંધિની શરૂઆતની એકાદ કડી, પછી પ્રાસબદ્ધ પંક્તિ-યુગલોવાળાં કડવકો અને દરેક કડવકના અંતમાં ધત્તા હોય છે. કડવકની અંદર આઠથી ચાલીસ સુધીની પ્રાસબદ્ધ પંક્તિઓ આવે છે. કેટલાંક સંધિકાવ્યોમાં અંતમાં કર્તાનું નામ કે પરિચય આપતી લઘુ પ્રશસ્તિ હોય છે. આમાં દેવચંદ્રસૂરિરચિત ‘મૂલશુદ્ધિપ્રકરણવૃત્તિ’ (ઈ. સ. 1089)માં સર્વપ્રથમ સંધિકાવ્ય મળે છે. ‘સુલસાચરિત’ નામનું આ કાવ્ય 17 કડવકનું બનેલું છે. કર્તાએ તેને ‘સંધિ’ તરીકે ઓળખાવેલું છે. તે પછી આમ્રદેવસૂરિવિરચિત ‘આખ્યાનકમણિકોશ-વૃત્તિ’માં પણ બે સંધિકાવ્યો મળે છે : (1) ‘સામપ્રભાખ્યાન’ અને (2) ‘ચારુદત્તાખ્યાન’. આ ઉપરાંત હજુ અપ્રગટ પ્રાકૃત સાહિત્યમાં સંધિકાવ્યો હોવાનો સંભવ છે.
રમણિકભાઈ મ. શાહ
ગીતા મહેતા