અપદ્યાગદ્ય

January, 2001

અપદ્યાગદ્ય : કવિ ન્હાનાલાલના નામ સાથે જોડાઈ ગયેલી, ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ છંદશોધઘટના. ‘અપદ્યાગદ્ય’નો કવિશ્રીનો આ નવતર પ્રયોગ ‘ડોલનશૈલી’ તરીકે વધુ ઓળખાતો આવ્યો છે. ગુજરાતીમાં પ્રવાહી પદ્યની શોધ નર્મદના વીરવૃત્ત, કેશવલાલ ધ્રુવના વનવેલી વગેરેમાં જોઈ શકાય છે. અગેય પૃથ્વીને પ્રવાહી રૂપ આપવાનો પ્રયત્ન પ્રો. બળવંતરાય ઠાકોરે પણ કર્યો છે. પણ આ સર્વ છંદનું અવલંબન લઈને ચાલ્યા છે. કોઈ ને કોઈ રીતે એને વધુ મુક્ત કે મોકળાશભર્યા રૂપે યોજવા માટેની એ મથામણો હતી. ન્હાનાલાલ એ બધાથી જુદા પડી છંદના બંધનને તત્વત: ફગાવી દે છે. તેઓ પોતે કહે છે તેમ, તેમનો ઇરાદો આ પાછળ મહાછંદની શોધનો હતો, પણ પછી તેઓ ડોલનશૈલીના શબ્દમંડળમાં જઈ ચડે છે ! આમ થવા પાછળ તેમની કૌતુકપ્રિય ને ચિંતનશીલ પ્રકૃતિ ઉપરાંત તેમની ભવ્યોન્નત કલ્પનાશક્તિ કારણભૂત છે. છંદ ઉપર તેમનું પૂરતું પ્રભુત્વ હતું. ઉત્તમ પ્રકારની છંદોબદ્ધ રચનાઓ પણ તેમણે આપી છે. એટલે ડોલનશૈલીના પ્રભવ પાછળ છંદની અણઆવડત નહિ, પણ એમની અસાધારણ એવી વિશિષ્ટ પ્રતિભા ઊભી છે. એમના ઉન્નત કલ્પનાવૈભવને સુપેરે ઝીલી શકે તે માટે આવું કોઈ નિર્બંધ રૂપ જ અનુકૂળ આવે તેમ હતું. એ રીતે ડોલનશૈલી તેમના લાક્ષણિક વ્યક્તિત્વનો આવિષ્કાર છે.

‘અપદ્યાગદ્ય’ શબ્દપ્રયોગ સૌપ્રથમ કવિ ખબરદારે ડોલનશૈલીની ટીકા કરતાં કરેલો. તે શબ્દ જ આ શૈલીનો સૂચક છે. એ અપદ્ય છે અર્થાત્ છંદના નિયમોથી તે પર છે. એ જ રીતે અગદ્ય છે અર્થાત્ પરિચિત ગદ્ય કરતાં, એ સાવ પૃથક્ છે ને ‘સામાન્ય ગદ્યથી કંઈક વિશેષ’ પણ છે. ‘કાવ્યદેહનું કલેવરવિધાન મીટર નહિ, રિધમ છે- છંદ નહિ, ડોલન છે.’ એમ કહીને તેમણે આ શૈલીને, એના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એમને મતે વાણીનું ડોલન અહીં મુખ્ય શરત છે. એ ડોલન અણસરખું હોય તોપણ ચાલે. ‘પાણીના નાનામોટા પ્રત્યેક મોજાની થોડીઘણી કલાઓ-phases થાય છે, તેમ અંતરની ઊર્મિની કલાઓ થાય છે.’–એમ કહીને તેમણે વાણીના એવા અનિયમિત ડોલનને તથા એમાં આવતા આરોહઅવરોહને સમજાવ્યા છે. એવા ડોલનમાંથી સપ્રમાણતા-symmetry-ઊભી થવી જોઈએ તેવી તેમની અપેક્ષા રહી છે.

ડોલનશૈલીનું કોઈ પ્રચલિત છંદની પેઠે પૃથક્કરણ કરવું અઘરું છે. છતાં કવિની આ શૈલીમાં લખાયેલી કેટલીક ઉત્તમ રચનાઓ ઉપરથી એના લાક્ષણિક રૂપનો કંઈક આવો પરિચય થાય છે : વક્તૃત્વછટાની અનેક ભંગિઓ ઝીલતી, વ્યુત્ક્રમે આવતી વાક્યાવલિઓ, ત્રણ-ચાર જગ્યાએ આવતો વાક્યભાર, એક બિન્દુની ફરતે રચાતાં વાક્યઝુંડો, કલ્પન-અલંકાર-સમાસની સમૃદ્ધિ અને સૌથી વધુ તો આ સર્વમાંથી ફોરી રહેતી કવિની ભાવનાશીલતા, નાદમયતા કે સંગીતમયતા–‘તેજે ઘડ્યા’ શબ્દોની આવી એક સજીવ સૃષ્ટિ તે ડોલનશૈલી.

આ વિલક્ષણ શૈલીપ્રયોગ વિશે બે સામસામેના છેડાના અભિપ્રાયો પ્રવર્તે છે. કોઈક એને રાગબદ્ધ કે સાન્દોલ ગદ્ય કહેવા પ્રેરાયું છે, તો કોઈક વળી એને ગદ્ય અને પદ્યની સીમાઓ ભૂંસી નાખવા મથતી લાક્ષણિક ભાવ-છટાવાળી શૈલી કહે છે. કોઈ એને ‘બેઓવૂલ્ફ’ની એપિક શૈલી જોડે સરખાવે છે, તો કોઈકને એમાં મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ના મહાછંદનો વૈભવ જણાયો છે. કોઈકે એને શિવધનુષ્ય જેવી લેખી છે. આની સામે કેટલાકને આ શૈલી સાવ સામાન્ય ને ગદ્યના નાના-મોટા ટુકડાની ગોઠવણીરૂપ લાગી છે. જુદે જુદે મિષે આ શૈલીની ટીકાકારોએ ઠેકડી પણ ઉડાડી છે.

ડોલનશૈલીની નિષ્ફળતા માટે શૈલી કરતાં એના વાપરનારને દોષિત ગણવા જોઈએ. ન્હાનાલાલે પોતાના સત્ત્વને અનુકૂળ એવી આ શૈલીમાં ઉદાત્ત ભવ્ય વિષયોને હૃદ્ય રીતે આકાર્યા છે. ‘વસંતોત્સવ’, ‘ગુરુદેવને’, ‘રાજવીર’, ‘ગુજરાતનો તપસ્વી’, ‘બ્રહ્મદીક્ષા’ કે ‘નવયૌવના’ જેવી એમની રચનાઓ આ પ્રકારનાં શ્રેષ્ઠ દૃષ્ટાંતો છે. કવિશ્રીએ તેમનાં નાટકોમાં પણ આ શૈલીનો પ્રચુર માત્રામાં ઉપયોગ કર્યો છે.

આ શૈલી ક્યારેક કૃત્રિમ કે વાગાડમ્બરી બની છે એ સ્વીકારવું રહ્યું. પણ આ દોષનું મૂળ શૈલી કરતાં કવિની પ્રકૃતિ વધુ રહ્યું છે. તેમની છંદોબદ્ધ રચનાઓ કે નાટકો માટે પણ એવો આક્ષેપ થઈ શકે તેમ છે. આ શૈલીની મર્યાદા ગણો તો મર્યાદા અને સિદ્ધિ ગણો તો સિદ્ધિ એ છે કે તેને અનુકરણનું માન મળ્યું નથી. ન્હાનાલાલના હાથે ઉદભવી, ત્યાં જ એની ટોચ દેખાઈ. આ શૈલીના કોઈક કોઈક કવિએ છૂટાછવાયા પ્રયોગો કર્યા છે, પણ તે નિ:સત્વ પુરવાર થયા છે. સંભવ છે કે આ અનન્ય શૈલીને પ્રગટાવવા અન્ય કવિઓનાં કલ્પનાવૈભવ કે ભાવસમૃદ્ધિ ઊણાં પડ્યાં હોય ! ગમે તે હો, ગુજરાતી સાહિત્યમાં છંદશોધના પ્રયોગોમાં ડોલનશૈલીનું એક ઐતિહાસિક મૂલ્ય છે. ભલે પછી એમાંથી છંદનો કાંકરો કાઢી નંખાયો હોય ! ન્હાનાલાલ ને એમની કવિતા સાથે એ રીતે એમની ડોલનશૈલી પણ અવિનાભાવીપણે જોડાયેલી રહેશે.

પ્રવીણ દરજી