અન્સારી, હયાતુલ્લા

January, 2001

અન્સારી, હયાતુલ્લા (જ. 1912, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 18 ફેબ્રુઆરી 1999) : પ્રગતિશીલ ઉર્દૂ વાર્તા-ઉપન્યાસના લેખક. તેમની એક વાર્તા ‘આખિરી કોશિશ’ બહુ જાણીતી છે. તેમને નાનપણથી જ ગરીબી અને શોષણનો અનુભવ હતો. માર્ક્સવાદી વિચારધારાથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. પરંતુ ગાંધીવિચાર પણ તેમને એટલો જ સ્પર્શી ગયો હતો. તેમની સાહિત્યિક રચનાઓમાં આ હકીકતની સ્પષ્ટ અસર દેખાઈ આવે  છે.

હયાતુલ્લા અન્સારી

તેમની વાર્તાઓ ખૂબ લોકપ્રિય નીવડી છે. ‘ભરે બાઝાર મેં’, ‘શિકસ્તા કંગોરે’ અને ‘આખિરી કોશિશ’ તેમના વાર્તાસંગ્રહો છે. સ્વાતંત્ર્યસંગ્રામની વિશાળ ભૂમિકા લઈને લખાયેલી તેમની નવલકથા ‘લહૂ કે ફૂલ’ (જે પાંચ ભાગમાં વહેંચાયેલી છે) આઝાદીની વાસ્તવિક તસવીર રજૂ કરવામાં સફળ થઈ છે. આઝાદી પછી જાહેર ક્ષેત્રે સંસદસભ્ય તરીકે પણ તેમની સેવાઓ પ્રશંસનીય રહી છે. યુરોપ, આફ્રિકા, ઈરાન, તુર્કી, અરબસ્તાન, પાકિસ્તાન વગેરે દેશોનો પ્રવાસ તેમણે ખેડ્યો છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા