અન્સારી, અસલૂબ એહમદ

January, 2001

અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી; અ. 2 મે 2016, અલીગઢ) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’માંથી સ્નાતક થયા. 1947માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં જોડાયા અને 1967માં એ વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ થયા હતા. વિલિયમ બ્લૅક વિશેના એક પુસ્તક ઉપરાંત, તેમણે ઉર્દૂમાં 4 વિવેચનગ્રંથો પ્રગટ કર્યા હતા. આ ઉપરાંત તેમણે અંગ્રેજીમાં થોકબંધ લેખો અને શોધ-નિબંધો આપ્યા છે. ‘અલીગઢ જર્નલ ઑવ્ ઇંગ્લિશ સ્ટડીઝ’ તથા ‘નક્દ-એ-નઝર’ નામનાં વિવેચનલક્ષી ઉર્દૂ દ્વિ-વાર્ષિક સામયિકોના તેઓ સ્થાપક-તંત્રી હતા. ‘આદાબ ઔર તન્કીદ’ માટે તેમને 1968માં મીર તકી મીર ઍવૉર્ડ અપાયો હતો. ઇકબાલ વિશેના વિવેચનસાહિત્યમાંના તેમના મહત્વપૂર્ણ પ્રદાન માટે 1978માં પાકિસ્તાનના પ્રમુખનો ઇકબાલ મેડલ તેમને મળ્યો હતો.

વેધક પૃથક્કરણ, વિવેચનની ઊંડી સૂઝ, સમતોલ મૂલ્યાંકન તથા તર્કસંગત અભિગમ જેવી લાક્ષણિકતાઓને કારણે આ પુરસ્કૃત વિવેચનગ્રંથ ઉર્દૂ સાહિત્યમાં ગણનાપાત્ર બની રહ્યો છે.

મહેશ ચોકસી