અન્નસમસ્યા 

અન્નની અછતમાંથી ઉદ્ભવતી સમસ્યા.

અન્નસમસ્યા–જાગતિક : જાગતિક અન્નસમસ્યાના સંદર્ભે ઘણા પલટા લીધા છે. વિશ્વના વિકસિત દેશોને એમના વિકાસકાળ દરમિયાન અન્નની આયાત પર આધાર રાખવો પડેલો. અન્ન અને કાચી સામગ્રી માફકસર ભાવ કરતાંયે નીચે દરે મળે તે ઉદ્દેશથી એમણે અન્ય રાષ્ટ્રોમાં સામ્રાજ્ય સ્થાપેલું. બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યો ખતમ થયાં. વિદેશી મુદ્રા ખર્ચી આંતરરાષ્ટ્રીય ધોરણે ભાવ આપી અન્નની આયાત કરવાની તાકાત મોટા સામ્રાજ્યવાળા દેશોની રહી નહિ. તાજેતરમાં સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રોમાં વિકાસની પ્રક્રિયા શરૂ થઈ છે. વસ્તીમાં પણ જુવાળ આવ્યો છે. બંને કારણસર સ્થાનિક માંગ વધી, એટલી ઝડપથી પુરવઠો નથી વધ્યો. આથી અનાજની તંગી ઊભી થઈ. કેટલાક દેશોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી. અગાઉ અનાજની નિકાસ કરતાં રાજ્યો અનાજની આયાત કરતાં થયાં. ઉપરાંત સહાયની જરૂર ઊભી થઈ. 1950-70ના ગાળામાં આયાત અને સહાયનું પ્રમાણ એટલું વધ્યું કે વિકસિત દેશો સહાય માટે પૂરતો જથ્થો ફાળવવા શક્તિમાન ન રહે એવી દહેશત ઊભી થઈ. 1970-72ની આસપાસ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો. તેલની નિકાસ કરતાં રાજ્યોએ તેલનો ભાવ વધારી દીધો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આગળ પડતાં રાષ્ટ્રો આ આંચકો પચાવે તે પહેલાં, એથીય મોટો આંચકો 1978ની આસપાસ તેલના ભાવમાં ફરી વધારો થયો તેનાથી લાગ્યો. ઉદ્યોગના વિકાસનો પાયો તેલ છે. એમાં જ પ્રહાર થતાં અર્થવ્યવસ્થા હચમચી ઊઠી. વિકાસનો વેગ મંદ પડ્યો. આને કારણે વિકસિત રાષ્ટ્રોમાં અનાજ માટેની સ્થાનિક માંગ મોળી પડી અને ત્યાં બેકારી વધતાં, માંગમાં ઉત્સાહ આવ્યો જ નહિ. વિકસિત દેશોના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી ન પડે તે માટે ભાવ ટકાવી રાખવાની જરૂર ઊભી થઈ. ઓછી માંગ અને ટેકાના ભાવની નીતિ એ બેને પરિણામે સરકાર પાસે અનામત જથ્થો જમા થવા માંડ્યો. બીજી બાજુએ મુખ્યત્વે તેલ આયાત કરતા  વિકાસશીલ દેશોમાં વિદેશી મુદ્રાની ખેંચ વધી, તેથી તેમની આયાત કરવાની શક્તિ ઘટી. પરિણામે અનાજમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર ઘટ્યો. તેલ નહિ આયાત કરનારા વિકસિત દેશોમાં બે વિભાગ પડી ગયા : એક, જેઓ ઉત્પાદનની વૃદ્ધિમાં વેગ લાવી શક્યા તે; બીજા, જેમનું ઉત્પાદનસ્તર નીચે ઊતરતું ગયું, અને જેમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ તે. આ રાષ્ટ્રો મુખ્યત્વે આફ્રિકામાં આવ્યાં છે.

1970-80ના ગાળામાં કૃષિ-ઉત્પાદનની પદ્ધતિમાં વિશ્વવ્યાપી સુધારણા થઈ. એને કારણે અને ભાવના ટેકાને કારણે વિકસિત દેશોમાં ઉત્પાદનવૃદ્ધિનો દર ઊંચો ગયો, અને ત્યાં માંગમાં વૃદ્ધિ નહિ થતાં અનામત જથ્થો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો. જે વિકાસશીલ દેશોમાં ખેતીની સુધારેલી પદ્ધતિ દાખલ થઈ શકી તેમને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિમાં આવેલા પલટા સામે ટકી રહેવાની શક્તિ આવી. તે અન્નમોરચે આત્મનિર્ભર બની શક્યા. બીજાં રાષ્ટ્રો અને તેમાંયે ખાસ તો આફ્રિકાના દેશોમાં ઉત્પાદન ન વધ્યું, વસ્તીનો વધારો થયો, માંગ વધી, આયાત કરવાની શક્તિ ઘટી, તેથી માંગને પહોંચી નહિ વળી શકતાં માથાદીઠ અન્નવપરાશ અને તેથી કૅલરીનું ધોરણ નીચું ઊતર્યું. નવી સર્જાતી પરિસ્થિતિ સ્ફોટક બનતી અટકાવવા 1970-72થી જ જાગતિક અન્ન કાર્યક્રમ (world food programme) હાથ ધરાયો. એ કાર્યક્રમ હેઠળ, સામૂહિક અન્નસહાયની ગોઠવણ થઈ. કેટલાંક રાષ્ટ્રો આ સહાયને સહારે ઊગરી પણ ગયાં, પણ સહાય અપૂરતી હોવાને કારણે ત્યાં તંગીની પરિસ્થિતિ નિવારી શકાઈ નહિ. 1960 પછી આહારમાં નોંધપાત્ર પરિવર્તન એ આવ્યું કે વિકસિત દેશો અને વધતી જતી આવકવાળા વિકાસશીલ દેશોની આહારની દૈનિક વપરાશમાં પશુજન્ય પેદાશોનો વધારો થતાં, ઉપયોગી ધાન્ય, પશુખોરાક તરીકે વપરાવા લાગ્યું. માનવીય દૃષ્ટિએ આ પરિસ્થિતિ વિષમ તથા પ્રતિકૂળ છે, કારણ કે એક બાજુએ આંતરરાષ્ટ્રીય કટોકટી અને કેટલાંક રાષ્ટ્રોમાં ભૂખમરો હતો ત્યારે વિકસિત દેશોમાં અનાજનો ભરાવો અને તેનો પશુખોરાક તરીકે ઉપયોગ વધી રહેલો હતો. આહારમાં 1970-80ના ગાળામાં 25 રાષ્ટ્રોમાં 2થી 3 ટકાની વૃદ્ધિ થઈ હતી. આ 25 રાષ્ટ્રોમાં દૈનિક માથાદીઠ કૅલરીના વપરાશમાં ઘટાડો થયો છે. તે રાષ્ટ્રોમાં માથાદીઠ પશુજન્ય પ્રોટીનમાં માથાદીઠ વપરાશમાં વાર્ષિક 27 ટકાનો વધારો થયો છે ત્યાં પશુ માટેની પેદાશોના ઉત્પાદન માટે વપરાતા ધાન્યમાં માથાદીઠ 128 કૅલરી જેટલો વધારો થયો છે. આ બે નિરનિરાળા પ્રવાહો જગતને દીન અને સંપત્તિવાન રાષ્ટ્રોમાં વિભક્ત કરે છે.

બીજી રીતે જોતાં 28 રાષ્ટ્રોમાં કુલ અન્ન-ઉત્પાદન વાર્ષિક 1 ટકાના દરે ઘટ્યું છે. ત્યાં માથાદીઠ કૅલરી-ઉત્પાદન 2,209માંથી ઘટી 2,050 થયું છે. એ દેશો આયાત કરવાની પોતાની અશક્તિને કારણે, વર્ષે 3 ટકાનો અન્ન-કૅલરી આયાતનો વૃદ્ધિદર અનુભવે છે. એમની માથાદીઠ રાષ્ટ્રીય આવક વાર્ષિક 0.2 ટકાના દરે વધી છે. આમ, લગભગ સ્થગિત આવક, બદલાતી આહારવપરાશની પદ્ધતિ, આયાતની અશક્તિ વગેરે કારણોને લીધે અનાજની ઘટતી વપરાશ આ રાષ્ટ્રોને કટોકટીને આરે લાવીને મૂકે છે. તે છતાં એમનું અનાજ-ઉત્પાદન વર્ષે 1 ટકાના દરે ઘટ્યું છે.

અનાજની આયાત કરનાર બીજાં 27 રાષ્ટ્રો છે, જેમની માથાદીઠ કૅલરી-વપરાશ 2,214થી વધીને 2,689 થઈ, અને કુલ આહાર અંગેના કૅલરીના સ્થાનિક પુરવઠામાં આયાતી પુરવઠાનો ભાગ 19.4 ટકાથી વધીને 31.2 ટકા થયો છે. આમ અનાજ આયાત કરનાર પ્રગતિસાધક રાષ્ટ્રોનો નવો વર્ગ વિકાસશીલ દેશોમાં થયો, જ્યાં અનાજ-ઉત્પાદન કરતાં અનાજની વપરાશ વધી હતી.

1976માં જાગતિક અન્ન (સહાય) કાર્યક્રમ(world food programme)ના અંગ તરીકે આંતરરાષ્ટ્રીય તાકીદ-અન્ન અનામત (ભંડોળ) (international emergency food reserve) શરૂ કરાયું. માત્ર 120 લાખ ડૉલરથી શરૂઆત થઈ. 1982માં તે વધારીને 1,720 લાખ ડૉલરની થઈ. દરમિયાનમાં અનાજના ભાવ વધતા હતા. 1983-84માં અનાજના આંતરરાષ્ટ્રીય તાકીદની સહાયના જથ્થામાં વાર્ષિક 5 લાખ ટનની પુરવણીનું ધ્યેય હાંસલ થઈ શક્યું છે. 1972-74ના ગાળામાં સહાય જથ્થામાં ઘટી પણ અનાજના ભાવો વધ્યા હોવાને કારણે કુલ મૂલ્ય યથાવત્ રહ્યું.

1973-74માં શરૂ કરાયેલી સમજૂતી (Food Aid Convention) અનુસાર 1973-74માં કુલ 42 લાખ ટન અન્નસહાયની મંજૂરી નક્કી થઈ હતી તે 1980માં વધારીને 76 લાખ ટનની કરવામાં આવી હતી. ઓછી આવકવાળાં અને અન્ન-તંગી અનુભવતાં રાષ્ટ્રોમાં અન્નસહાય, કુલ આયાતી અન્ન-પુરવઠાના 23 ટકા, અથવા નાણાં દ્વારા થતી આયાતના 20 ટકા હતી. આમ અન્નસહાય વિદેશી મુદ્રા અંગેની નિરાશાજનક પરિસ્થિતિમાં મોટી સહાય હતી, પરંતુ દુષ્કાળની પરિસ્થિતિ નિવારવામાં તે નજીવી હતી.

આંતરરાષ્ટ્રીય અન્નનો જથ્થો અન્નસંરક્ષણ માટે સહાયક થઈ શકે. અનાજનો જથ્થો 1971માં 20 કરોડ ટન, 1972માં 21 કરોડ ટન, 1973માં ઘટીને 17.5 કરોડ ટન, 1979માં 25 કરોડ ટન અને 1983માં 32.5 કરોડ ટન થયો હતો. વધારો અને ઘટાડો બંને મુખ્યત્વે નિકાસ કરતા દેશોમાં થયા છે. નિકાસ કરતા દેશોના હાથમાં જાગતિક અન્નપરિસ્થિતિ પર કાબૂ રહે એ હિતાવહ નથી. તેથી જાગતિક અન્ન પરિષદે આંતરરાષ્ટ્રીય જાગતિક અન્નસંરક્ષણને નીતિ તરીકે સ્વીકારી અને તે અંગે ઠરાવ્યું કે જાગતિક અન્નજથ્થો આયાત-નિકાસ કરતાં રાષ્ટ્રો વચ્ચે વાજબી પ્રમાણમાં વહેંચાયેલો રહે. સૌપ્રથમ વિશ્વ ઘઉં સમજૂતી થઈ, જેમાં ઘઉંના ભાવ અને તેના અનામત જથ્થા અંગે પણ સમજૂતી સધાઈ છે. આ જાગતિક અન્નસંરક્ષણ ભણી પહેલું પ્રયાણ છે. પ્રાદેશિક પ્રયત્નો પણ થતા રહ્યા છે. દક્ષિણ એશિયાનાં રાષ્ટ્રોમાં ચોખા અંગે સમજૂતી સધાઈ છે અને તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા અનામત જથ્થો ઊભો કરાયો છે. આના સમાંતર ધોરણે આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા વિકાસ સંગઠન સમિતિ, દક્ષિણ અમેરિકા માટે પ્રાદેશિક અન્નસંરક્ષણની પગલાં સમિતિની રચના, એ પ્રારંભનાં પગલાંનાં એંધાણ આપે છે.

1981 પછી અમેરિકામાં હળવી કરાયેલી કરનીતિ, ઊંચો વ્યાજનો દર, વિશ્વઆયાતી વ્યાપારમાં થયેલો વધારો અને તેથી વધેલી વિકાસની ગતિ જેવાં કારણોને લીધે ફુગાવો હળવો થયો, અનાજના ભાવમાં સ્થિરતા આવી, સ્થાનિક માંગ વધી અને અનાજનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ વધ્યો. પરંતુ આ પરિસ્થિતિ અલ્પજીવી રહી. 1983થી અનાજનું ઉત્પાદન, અનાજનો જથ્થો તથા અનાજની આયાતોમાં ઊતરચઢાવનાં વલણો રહ્યાં. અનાજની આયાત કરવામાં ચીન અને ભારત બાકાત રહ્યાં. તે દેશોમાં સ્થાનિક ઉત્પાદન આત્મનિર્ભરતા માટે પૂરતું હતું. આયાત મુખ્યત્વે ઓછી આવક અને અન્ન-તંગીવાળા દેશોએ કરી. વિકસિત દેશોમાં તૈયાર માલની આયાત 1984માં 4 ટકા વધી હતી. એની સરખામણીમાં અનાજની આયાત માત્ર 1 ટકો વધી હતી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અનાજના ભાવ સરેરાશ 8 ટકા ઘટ્યા છતાં ટેકાના ભાવની નીતિને કારણે વિકસિત દેશોમાં ઘઉંના ભાવ વિશ્વ ભાવસપાટીથી 33 ટકા ઊંચા હતા અને માખણ તો 50 ટકા મોંઘું હતું.

જાગતિક અન્નસમસ્યાના ત્રિકોણના ત્રણ ખૂણા છે : (1) ઉત્પાદન, (2) જથ્થો અને (3) વ્યાપાર. ઘણા દેશોમાં ઉત્પાદન વધે છે છતાં અસમાનતા ઘટતી નથી. તાજેતરમાં ગરીબ દેશોમાં ઉત્પાદન ઘટ્યું. અન્નસંરક્ષણની દૃષ્ટિએ જથ્થો સંગ્રહવાની જરૂર છે. પણ ઉત્પાદનના પ્રમાણમાં માંગ ઓછી હોવાને કારણે અને ટેકાના ભાવની નીતિને કારણે વિકસિત દેશોમાં જથ્થાનો ભરાવો થાય છે. મધ્યમ કક્ષાના દેશો જથ્થો વધારી શક્યા છે પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળે તેટલા પ્રમાણમાં નહિ. ગરીબ દેશો આયાત પર નિર્ભર બની રહ્યા છે.  વ્યાપાર વધે છે પણ વેચનાર અને લેનાર વધુ પ્રમાણમાં વિકસિત દેશો છે. ગરીબ દેશો અન્નસહાય પર આધાર રાખે છે. 1982માં 8 દેશોમાં સહાયનું પ્રમાણ ઉત્પાદનના 20 ટકા જેટલું હતું, 15 દેશોમાં 20 ટકાથી 90 ટકા હતું. સમગ્રપણે જોતાં અન્નસહાય જૂજ છે. છતાં કેટલાક નાજુક પરિસ્થિતિવાળા દેશો માટે તે જીવાદોરી બની હતી. આફ્રિકાની પ્રાદેશિક પરિષદે 1984માં આવી પરિસ્થિતિ સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો. તેમના મતે અન્નસહાય અનાજ-ઉત્પાદન અને ભાવમાં વિકૃતિ (distortion) દાખલ કરે છે અને મોટા વાર્ષિક ફેરફારોનું કારણ બને છે. આગળ જતાં અન્નસહાય મેળવતા દેશો, આફ્રિકામાં ન ઉગાડી શકાય તેવા પરદેશી અનાજની ટેવવાળા થાય તો તેનું પરિણામ આર્થિક રીતે ખૂબ જ ભયનજક આવે.

જાગતિક અન્નસમસ્યાના ઉકેલ માટે ત્રિકોણના ત્રણે ખૂણામાં સુધારાની જરૂર છે. ઉત્પાદનવધારો સાર્વત્રિક થાય, તે માટે જરૂરી સંશોધન હાથ ધરાય, અનામત જથ્થો વપરાશના દેશોમાં પણ રાખવામાં આવે અને આંતરરાષ્ટ્રીય ભાવ સુસ્થિર અને વ્યાપારના પ્રવાહો સર્વદેશીય હોય. ભવિષ્યમાં આ અંગે કેટલી સફળતા સાધી શકાશે, તેના પર જાગતિક અન્નસમસ્યાના સફળ સામનાનો આધાર રહેશે.

હ્યુમન ડેવલપમેન્ટ રિપૉર્ટ 1997 મુજબ આજે પણ વિશ્વમાં 84 કરોડ માનવીઓ ભૂખમરાથી પીડાય છે અને ખોરાકની પ્રાપ્તિ અંગે અનિશ્ચિતતા અનુભવે છે, 16 કરોડ બાળકો મામૂલી અથવા તીવ્ર અલ્પપોષણના શિકાર થયેલાં છે. તેઓ અલ્પવિકસિત દેશોમાં રહે છે. તેમાંનાં 340 લાખ બાળકો અતિ અલ્પવિકસિત (least developed) વિસ્તારોમાં કેન્દ્રિત થયેલાં છે.

અન્નસમસ્યા-ભારતની : વીસમી સદીના આરંભના ગાળામાં ભારત અન્નની નિકાસ કરતું હતું. પરંતુ વસ્તીમાં સતત વધારો થતો ગયો અને અન્નનું ઉત્પાદન જેમનું તેમ રહ્યું. વિશ્વભરમાં વસ્તુના ભાવ નીચે આવી ગયા, કાચી પેદાશોની નિકાસ વધારવી જરૂરી બની, અને આ જાણે ઓછું હોય તેમ, 1935માં ભારતથી બ્રહ્મદેશ છૂટું પડ્યું. તેથી તે દેશમાંથી આવતું અનાજ આયાત બની, જેની સામે નિકાસની જરૂર ઊભી થઈ. બરાબર એ જ સમયે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું (1939). આયાતનિકાસનો વ્યાપાર ખોરવાઈ ગયો. દેશમાં 1943માં દુષ્કાળ પડ્યો, તેમાં યુદ્ધની સરહદનાં રાજ્યો બંગાળ, આસામ વગેરેમાં વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત થયો. લશ્કરને માટે સરકારે પૂરતું અનાજ ખરીદી લીધું. પરિણામે કુદરતી દુષ્કાળથીય કારમો માનવસર્જિત દુષ્કાળ આવી પડ્યો. લાખ્ખોની સંખ્યામાં માણસો ભૂખથી મર્યા. સરકારે ઉતાવળે અન્નનીતિ દાખલ કરી, જેમાં ‘વધુ અનાજ વાવો’ (Grow More Food), લેવી, માપબંધી, અનાજની હેરફેર પર નિયંત્રણ જેવાં સરકારી નિયંત્રણો આવી ગયાં. ‘વધુ અનાજ વાવો’ ઝુંબેશ અસફળ રહી. લેવીની જબરજસ્તીથી લોકો વાજ આવી ગયા. સરકારના કોઠારોમાં માપબંધીની માંગને પહોંચી વળવા પૂરતું પણ અનાજ ન હતું, તેથી અન્નની આયાત જરૂરી બની. 1951માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પ્રારંભ થયો ત્યારે દેશ અન્નમોરચે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.

પ્રથમ પંચવર્ષીય યોજનાનાં શરૂઆતનાં વર્ષો સારાં ગયાં. અન્નકોઠારો છલકતા જણાયા. માપબંધી નાબૂદ કરવામાં આવી. પરંતુ 1954માં રાહતની પરિસ્થિતિ વિરમી ગઈ. તે પછી અન્નનીતિ કડક બનાવાઈ. લેવી પણ આવી, રાજ્ય બહાર અનાજની હેરફેર પર પ્રતિબંધ દાખલ થયો, ઝોનપદ્ધતિ દાખલ થઈ. છત અને અછતનાં રાજ્યો વચ્ચે અનાજની આપ-લે સરકાર મારફતે જ થાય એમ નક્કી કરાયું. અછતના પ્રદેશોના ગ્રામવિસ્તારોમાં પ્રજાની હાડમારી વધી. પણ મુક્ત બજારની પરિસ્થિતિ હોત તો 1942ની પરિસ્થિતિનું પુનરાવર્તન થાત. સૌને પૂરતું અનાજ પહોંચાડવું એ સરકારની પ્રાથમિક ફરજ ગણાય છે.

1950થી માંડીને સર્જાયેલી અન્નસમસ્યાના સંદર્ભમાં અનાજની આયાત ઉત્તરોત્તર વધતી ગઈ. આયાતની જરૂર વધતાં અમેરિકાની સરકાર તરફથી પી. એલ. 480 કાયદા હેઠળ રાહતના દરે આયાત કરવામાં આવી. 1964-66 તથા 1966-67 આ બે વર્ષ ફરી આકરા દુષ્કાળનાં આવ્યાં. ફૉર્ડ ફાઉન્ડેશનના અહેવાલ મુજબ પરિસ્થિતિ કટોકટીની થઈ ચૂકી હતી અને 1972 સુધીમાં અમેરિકાના અન્નભંડારો પણ ભારતની પ્રજાને ભૂખમરામાંથી ઉગારવા શક્તિમાન હતા.

ભારતને સદભાગ્યે અન્ન-ઉત્પાદનમાં નવો વળાંક આવ્યો. ઉત્પાદનક્ષેત્રે નવી પદ્ધતિ શોધાઈ. નવું સુધારેલું બી, રાસાયણિક ખાતર, નહેરો અને જંતુનાશક દવાઓની મદદથી અનાજ-ઉત્પાદનનું સ્તર ઊંચું આવ્યું. આયાતની જરૂરિયાત ઘટતી ગઈ. 1978 પછી ગોદામો અનાજના જથ્થાથી ઊભરાવાં લાગ્યાં. આ હરિયાળી ક્રાંતિનું પરિણામ હતું.

આ સદીના સાતમા દસકાથી શરૂ થયેલી હરિયાળી ક્રાંતિને પરિણામે ભારત અન્નસમસ્યાથી મુક્ત બન્યું છે. દેશમાં હવે અછતનાં વર્ષોમાં પણ અનાજની મોટા જથ્થામાં આયાત કરવી પડતી નથી, એટલું જ નહિ, ઉત્પાદનની દૃષ્ટિએ સારાં નીવડેલાં વર્ષોમાં દેશની અનાજની આયાતોની તુલનામાં અનાજની નિકાસો વધારે હોય છે; દા.ત., 1991ના વર્ષમાં દેશે જેટલા જથ્થામાં અનાજની આયાતો કરી હતી તેના કરતાં છ લાખ ટન વધુ નિકાસો કરી હતી. દેશની અનાજની આયાતો કરતાં અનાજની નિકાસો વધુ હોય એવાં અનેક વર્ષો જોવા મળે છે : 1978, 1980, 1991, 1992, 1996 વગેરે. કેટલાંક અપવાદરૂપ વર્ષોને બાદ કરતાં દેશની અનાજની આયાતો પાંચ-સાત લાખ ટન જેવી અલ્પ હોય છે.

દેશમાં હવે અછતનાં વર્ષોમાં પણ મોટા જથ્થામાં અનાજની આયાતો કરવી પડતી નથી, કારણ કે દેશ પૂરતા જથ્થામાં અનાજનો ‘બફર સ્ટૉક’ ઊભો કરી શક્યો છે; દા.ત., મે 1995માં સરકાર પાસે 3.75 કરોડ ટન અનાજનો જથ્થો હાથ પર હતો. એ પછીના વર્ષમાં એ જથ્થામાંથી મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવ્યું; એ પછીયે જુલાઈ 1996માં સરકાર પાસે 2.57 કરોડ ટનનો અનાજનો જથ્થો હતો.

વીસમી સદીના છેલ્લા ત્રણેક દસકા દરમ્યાન દેશમાં અનાજના ઉત્પાદનમાં, વસ્તીવૃદ્ધિની તુલનામાં ઊંચા દરે વધારો થયો હોવાથી અનાજની માથાદીઠ પ્રાપ્યતામાં વધારો થયો છે. 1971માં અનાજની દૈનિક માથાદીઠ પ્રાપ્યતા 468.8 ગ્રામ હતી તે વધીને 1997માં 512.1 ગ્રામ થઈ હતી. આમાં ધાન્યોની માથાદીઠ વપરાશમાં ગણનાપાત્ર વધારો થયો છે, જ્યારે કઠોળની પ્રાપ્યતામાં મોટો ઘટાડો થયો છે. ઉપર્યુક્ત સમયગાળામાં ધાન્યોની દૈનિક માથાદીઠ પ્રાપ્યતા 417.6 ગ્રામથી વધીને 512.1 ગ્રામ થઈ, જ્યારે કઠોળની દૈનિક માથાદીઠ પ્રાપ્યતા 51.2 ગ્રામથી ઘટીને 38.4 ગ્રામ થઈ. કેટલાંક ધાન્યોમાં હરિયાળી ક્રાંતિ થઈ છે અને કઠોળમાં નથી થઈ તેનું આ પરિણામ છે.

ચંદ્રહાસ હીરાલાલ શાહ