અન્નસહાય

આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનું એક સ્વરૂપ. અન્નસહાય આપવા પાછળ અનેક હેતુઓ હોવા છતાં આકસ્મિક સંજોગોને લીધે ભૂખમરાનો સામનો કરનાર દેશોની પ્રજાને અન્ન પૂરું પાડવું એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. નવેમ્બર 1953માં ભરાયેલી અન્ન અને કૃષિ સંસ્થા(F.A.O.)ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં અન્નસહાયની આંતરરાષ્ટ્રીય સપાટી પર પહેલવહેલી ચર્ચા થઈ, જેમાં ઉત્તર અમેરિકામાં વધતા જતા ધાન્યના અધિશેષ ભંડારો(surplus stocks)નો નિકાલ કરવાના ઉપાયો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ થયો. વધતા જતા અધિશેષ ભંડારોની સમસ્યાના ઉકેલ રૂપે 1954માં અમેરિકાની પ્રતિનિધિ સભા(Congress)એ પી. એલ. 480 નામથી પ્રચલિત થયેલ કૃષિ, વ્યાપાર અને સહાય કાયદો (Agriculture, Trade and Assistance Act) પસાર કર્યો અને ત્યારથી અન્નસહાયના વર્તમાન યુગની શરૂઆત થઈ. વિશ્વના અનાજના કુલ ઉત્પાદનમાં તથા અન્નની વિશ્વવ્યાપી નિકાસોમાં અન્નસહાયનો ફાળો નજીવો હોવા છતાં તે અન્ય અનેક રીતે મહત્ત્વનો ગણાય : (1) વ્યાપારી ધોરણે અન્નની આયાત ન કરી શકે તેવા અનાજની અછત ભોગવતા દેશો માટે તે જીવાદોરી સમાન સિદ્ધ થઈ છે. (2) ટૂંકા ગાળામાં માંગ અને પુરવઠા વચ્ચેના તફાવતને ભરપાઈ કરવાનો તે એકમાત્ર અસરકારક ઉપાય સિદ્ધ થયો છે. (3) સહાયમાં ઘઉં અને ચોખા જેવાં મુખ્ય ધાન્ય(staple foodstuffs)નું મુખ્યત્વે પ્રાધાન્ય રહ્યું છે, જેને લીધે આવી સહાય પ્રાપ્ત કરનાર દેશોના ખેડૂતોને ઉત્પાદનનું આયોજન કરવાની દિશામાં તે ઉપયોગી નીવડી છે. (4) પોતાના દેશની આંતરિક માંગ કરતાં અનાજનું વધુ ઉત્પાદન કરનાર દેશો માટે અનાજના વણવપરાયેલ ભંડોરોનો નિકાલ કરવાની દિશામાં તેનો ફાળો મહત્વનો રહ્યો છે. ઉપરાંત, મોટા પાયા પર અન્નસહાયના કાર્યક્રમમાં જોડાનાર દેશોના ખેડૂતો માટે ઉત્પાદનનું ભાવી આયોજન કરવાની બાબતમાં અન્નસહાય દિશાસૂચક રહી છે. (5) પોતાના દેશના કૃષિ-ઉત્પાદનને નીતિવિષયક ટેકો આપવા માટે ઘડી કાઢેલ વિવિધ કાર્યક્રમો પર ખર્ચી નાખેલાં નાણાંનું પરોક્ષ વળતર (return) મેળવવાની તરકીબ તરીકે અન્નસહાય કાર્યક્રમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેટલે અંશે સહાય આપનાર દેશ માટે તે આર્થિક રીતે બોજ વિનાની સહાય તરીકે સાબિત થઈ છે. (6) બાહ્ય રીતે માત્ર માનવીય ધોરણે આ સહાય અપાય છે તેવો આભાસ ઊભો થતો હોવા છતાં સહાય આપનાર દેશના ઉત્પાદન તથા વ્યાપાર પર તેની વ્યાપક પ્રમાણમાં ઇષ્ટ અસર થયેલી છે અને તેટલે અંશે તે આવા દેશો માટે આર્થિક રીતે લાભદાયી સિદ્ધ થઈ છે. (7) ઘણાખરા કિસ્સાઓમાં આવી સહાય અનાજની અછત ભોગવતા દેશોની જરૂરિયાતના ધોરણે કે તેની આર્થિક શક્તિને ધોરણે આપવાને બદલે શુદ્ધ રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના ઇરાદાથી આપવામાં આવી છે. તેનું આ પાસું પણ અગત્યનું છે. દા.ત., પી. એલ. 480 મારફત અમેરિકાએ જે અન્નસહાય આપી છે તેની પાછળ પોતાના દેશમાં કરવામાં આવતી અનાજની બનાવટો પ્રત્યે અન્ય દેશોની પ્રજામાં રુચિ ઉત્પન્ન થાય, અમેરિકામાં ન વપરાય તેવા અનાજનો નિકાલ થાય, અમેરિકાની નિકાસો વધે, આંતરરાષ્ટ્રીય બજારો પર તેનું વર્ચસ્ પ્રસ્થાપિત થાય વગેરે આર્થિક હેતુઓ ઉપરાંત પોતાની વિદેશનીતિની સફળતાના માધ્યમ તરીકે અમેરિકાએ આ અન્નસહાયનો ઉપયોગ કર્યો છે. અમેરિકાનો આ ઉદ્દેશ પી. એલ. 480ના ખરડામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે.

1955-76ના ગાળા દરમિયાન પી. એલ. 480 હેઠળ અન્નસહાય પ્રાપ્ત કરનાર દેશોમાં ચાર દેશો મોખરે રહ્યા છે : (1) ભારત 53,18,000 ટન; (2) પાકિસ્તાન 18,17,000 ટન; (3) દક્ષિણ કોરિયા 16,55,000 ટન; (4) દક્ષિણ વિયેટનામ 14,64,000 ટન. ઉપરના કાયદા હેઠળ 1957માં અમેરિકાએ જુદા જુદા દેશોને જે અન્નસહાય પૂરી પાડેલી તેનું નાણાકીય મૂલ્ય 15,250 લાખ ડૉલર હતું.

અમેરિકાએ 1966માં પસાર કરેલ પી. એલ. 808માં અન્નસહાયના હેતુઓમાં પરિવર્તન કર્યું. (1) દેશના કૃષિ-ઉત્પાદનમાંથી સર્જાતાં વિપુલ સાધનોનો ઉપયોગ વિશ્વમાંથી ભૂખમરો તથા અપોષણ નાબૂદ કરવા માટે કરવો. આમ ભૂખમરો અને અપોષણ નાબૂદ કરવાના ધ્યેય પર પહેલી વાર ભાર મૂકવામાં આવ્યો. (2) પી. એલ. 480માં દેશના કૃષિ-ઉત્પાદનમાંથી ઉદભવતા અધિશેષનો નિકાલ કરવાના હેતુસર અન્નસહાયનો ઉપયોગ કરવામાં આવશે તેવો ઉલ્લેખ હતો, પરંતુ પી. એલ. 808માં તેની અવેજીમાં અન્નસહાય દ્વારા સહાય પ્રાપ્ત કરનાર દેશોના આર્થિક વિકાસના ધ્યેય પર ભાર મૂકવામાં આવ્યો, જેથી લાંબે ગાળે આવા દેશોની અમેરિકા સાથે વ્યાપાર કરવાની ગર્ભિત શક્તિમાં વધારો કરી શકાય. અમેરિકા પાસેથી અન્નસહાય કાર્યક્રમ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ અનાજના વેચાણમાંથી જે નાણાં પ્રાપ્ત થશે તેનો ઉપયોગ સહાય પ્રાપ્ત કરનાર દેશો પોતાના આર્થિક વિકાસના કાર્યક્રમો માટે કરી શકશે. શરત એ કે આવા કાર્યક્રમો પર અમેરિકાની સરકારની પૂર્વસંમતિ મેળવવાની રહેશે. (3) પી. એલ. 480માં અન્નસહાય કાર્યક્રમ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ અનાજનું મૂલ્ય સહાય મેળવનાર દેશ પોતાના ચલણમાં ચૂકવી શકશે તેવી વ્યવસ્થા હતી, પરંતુ પી. એલ. 808માં તે મૂલ્યને ડૉલરમાં ભવિષ્યમાં ચૂકવવાના વાયદા (Dollar Credit) રૂપે ફેરવવામાં આવ્યું છે.

1975માં અમેરિકાની પ્રતિનિધિસભા(Congress)એ પી. એલ. 94-161 કાયદો પસાર કર્યો, જેની ત્રણ કલમો મહત્ત્વની છે : (1) વિશ્વના જે ભાગોમાં અનાજની તીવ્ર અછત હોય ત્યાં ભૂખમરો ટાળવા માટે અન્નરાહતની તીવ્ર જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. (2) વિશ્વના અત્યંત ગરીબ દેશોને અન્નરાહત કાર્યક્રમોનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી હવે પછીની અન્નસહાય માથાદીઠ 300 ડૉલર અથવા તેનાથી ઓછી કાચી રાષ્ટ્રીય પેદાશ (G.N.P.) ધરાવતા દેશોને જ આપવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી. (3) અન્નસહાય દ્વારા પ્રાપ્ત થયેલ અનાજના વેચાણમાંથી ઊભા થયેલ નાણાં સહાય પ્રાપ્ત કરનાર દેશ પોતાના આર્થિક વિકાસના કાર્યક્રમો પર ખર્ચે તો તેમાંથી અમુક રકમ ચુકવણી પેટે મજરે આપવાની જોગવાઈ કરવામાં આવી.

યુરોપીય આર્થિક સમુદાય (European Economic Community) હેઠળ અન્નસહાય આપી શકાય તે હેતુથી 1967માં આંતરરાષ્ટ્રીય અન્નપરિષદ યોજવામાં આવી, જેમાં આંતરરાષ્ટ્રીય ઘઉં તથા અન્નસહાય સંધિપત્ર (International Wheat and Food Aid Treaty) પસાર કરવામાં આવ્યું અને તે દ્વારા વિશ્વના બધા જ વિકસિત દેશો અન્નસહાય કાર્યક્રમમાં પોતાનો ફાળો આપે તેવું નક્કી કરવામાં આવ્યું. પરિષદમાં હાજર રહેલા 19 દેશોમાંથી દરેકનો અન્નસહાય કાર્યક્રમમાં લઘુતમ ફાળો નિર્ધારિત કરવામાં આવ્યો. યુરોપીય આર્થિક સમુદાય(E.E.C.)ના નેજા હેઠળ ત્રણ પ્રકારની અન્નસહાયની વ્યવસ્થા સ્વીકારવામાં આવી : (1) સામાન્ય સહાય, જેનો ઉપયોગ સહાય પ્રાપ્ત કરનાર દેશના આર્થિક વિકાસ માટે થાય; (2) કામચલાઉ સહાય પાકની નિષ્ફળતામાંથી ઉદભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અપાય. (3) અન્નક્ષેત્રે અણધારી મોટી આફતનો સામનો કરતા દેશને સંકટકાલીન રાહત, જે તાકીદની સૂચના આપનાર દેશને વિના વિલંબે પહોંચાડવામાં આવે. આ પ્રકારની રાહતમાં વધુમાં વધુ 250 ટન ઘઉં તથા 50 ટન ડેરીની ચીજવસ્તુઓનો સમાવેશ થશે. જાપાન અને ફિનલૅન્ડ બાદ કરતાં બાકીના બધા જ દેશો આ કરાર હેઠળ અપાતી સહાય અનુદાનના રૂપમાં આપે છે.

અન્નસહાયનાં જેમ જમા પાસાં છે તેમ તેની સખત ટીકા પણ થતી રહી છે : (1) તે પરાવલંબિત્વ, ભીખ પર જીવવાનું વલણ તથા સતત વધતી જતી દેવાદારીને પ્રોત્સાહન આપે છે. (જૂન 1977માં અન્નસહાયમાંથી ઊભા થયેલ દેવાની રકમ 6,070 લાખ ડૉલર.) (2) અન્નસહાય પ્રાપ્ત કરનાર મોટાભાગના દેશોએ પોતાના દેશની કૃષિ તથા અન્નસમસ્યાના ઉકેલ પર પૂરતું ધ્યાન આપ્યું નહિ. અને તેને લીધે બિનકાર્યક્ષમ કૃષિવ્યવસ્થા ટકાવી રાખવાના વલણને પ્રોત્સાહન મળ્યું છે. (3) સહાય પહોંચાડવામાં વિલંબ. ઇથિયોપિયા તેનો અત્યંત દુ:ખદ દાખલો છે. એક મોજણી મુજબ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મારફત અપાતી અન્નસહાય પહોંચાડવામાં સરેરાશ 479 દિવસ જેટલો વિલંબ થાય છે. (4) અન્નસહાય પ્રાપ્ત કરનાર ઘણા દેશોમાં ચોખા પ્રધાન ખોરાક (staple food) હોવા છતાં ત્યાં મુખ્યત્વે ઘઉંની સહાય મોકલવામાં આવે છે. (5) અન્નસહાય કાર્યક્રમોનો આર્થિક લાભ અન્નના ઉત્પાદનમાં અધિશેષ ધરાવતા દેશોના ખેડૂતોની સમૃદ્ધિ વધારવામાં પરિણમ્યો છે. (6) પી. એલ. 480ના મૂળ ખરડામાં સ્થાનિક ચલણમાં ચુકવણીની જે જોગવાઈ હતી તેને લીધે સહાય પ્રાપ્ત કરનારા દેશોમાં ફુગાવાને પ્રોત્સાહન મળ્યું છે. ભારત તેનો જ્વલંત દાખલો છે. (7) અમેરિકા જેવા દેશોએ પોતાના રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે અન્નસહાયનો ઉપયોગ કર્યો છે, નહિ કે માનવીય આદર્શોને વશ થઈને. દા.ત., 1974માં વિશ્વના ઘણા દેશોમાં તીવ્ર અછત અને ભૂખમરાની પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાએ તેની કુલ અન્નસહાયના 50 ટકા જેટલી સહાય દક્ષિણ વિયેટનામ અને કમ્બોડિયા આ બે દેશોને આપી હતી. ઉપરાંત, અન્નસહાય પ્રાપ્ત કરનાર દેશો અમેરિકાની કાળી યાદીના દેશો સાથે વ્યાપાર કરવાની સ્વતંત્રતા ધરાવતા નથી, એટલું જ નહિ પરંતુ અનાજના વેચાણમાંથી પ્રાપ્ત કરવામાં આવેલ નાણાંનો ઉપયોગ અમેરિકાની પૂર્વસંમતિ ધરાવતા આર્થિક વિકાસના કાર્યક્રમો માટે જ કરી શકાશે તેવી ફરજ પાડવામાં આવતી.

અન્નસહાય સામે કરવામાં આવેલ આકરી ટીકા છતાં અન્નની અછત અને ભૂખમરાનો સામનો કરતા દેશો માટે તે જીવાદોરી સમાન સિદ્ધ થઈ છે અને તેથી વિશ્વના કેટલાક દેશોમાં જ્યાંસુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે ત્યાંસુધી કોઈ ને કોઈ સ્વરૂપે અન્નસહાય અનિવાર્ય બની રહેશે.

વીસમી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન આફ્રિકાના કેટલાક દેશોમાં ભૂખમરાની વ્યાપક પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં રુઆન્ડા, બુરુન્ડી, ઇથિયોપિયા, સોમાલિયા અને સુદાનનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંયુક્ત રાષ્ટ્ર તરફથી મોટા પ્રમાણમાં અન્નસહાય પૂરી પાડવામાં આવી હતી. 1997ના અંતમાં ઇરાકમાં સર્જાયેલ રાજકીય કટોકટીને કારણે ત્યાં પણ અન્નની અછત ઊભી થઈ હતી અને તેને પહોંચી વળવા માટે પણ સંયુક્ત રાષ્ટ્રોએ મોટા પાયા પર અન્નસહાય પૂરી પાડી હતી. આ બધા પ્રયાસો છતાં હ્યુમન ડેવલપમેન્ટ રિપૉર્ટ 1997 મુજબ વિશ્વમાં 84 કરોડ માનવીઓ ભૂખમરાથી પીડાતા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘની વિવિધ એજન્સીના કહેવા પ્રમાણે 2020માં પણ 69થી 70 કરોડ લોકો ભૂખમરાથી પીડાય છે. દુનિયાની કુલ વસ્તીના 8.9 ટકા લોકો ભૂખમરાથી પીડિત છે. વિશ્વના દેશોએ 2030 સુધીમાં ભૂખમરાની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવાનો સંકલ્પ કર્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે